• Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • Fear Of Spoilage Of Many Crops Due To Unseasonal Rains, Farmers Have To Sell At Low Prices, 1.44 Lakh Hectares Of Rabi Crops Planted In Sabarkantha

ખેડૂતોની ચિંતા વધી:કમોસમી વરસાદથી અનેક પાક બગડવાની ભીતિ, ખેડૂતોને ઓછા ભાવે વેચાણ કરવું પડશે, સાબરકાંઠામાં રવિ પાકનું 1.44 લાખ હેક્ટરમાં વાવેતર

સાબરકાંઠા (હિંમતનગર)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠામાં સોમવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાવાઝોડું ફૂંકાયા બાદ વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં આઠમાંથી છ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. બીજી તરફ ખેતરમાં તૈયાર ઘઉંના ઉભા પાકની લણણી કર્યા બાદ ખેતરમાં મૂકેલો પાક વરસાદથી ભીંજાયો હતો.

કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ
કમોસમી વરસાદની આગાહી વચ્ચે હિંમતનગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશ વાદળોથી ઘેરાયું હતું. ત્યારબાદ ભારે પવન સાથે વાવઝોડું ફુંકાયું હતું. હિંમતનગર, ઇડર, વડાલી, વિજયનગર, તલોદ અને પ્રાંતિજ તાલુકામાં કમોસમી વરસાદના છાંટા શરુ થયા હતા. છેલ્લાં 24 કલાકમાં રાત્રી દરમિયાન પવન સાથે વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજના બોભા, તાજપુર, કરોલ, વડવાસા સહિતના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો.

ઘઉંનો પાક બગડવાની ભીતિ
હિંમતનગરમાં કમોસમી વરસાદ વરસતા ઠેર ઠેર રોડ પર પાણીના ખાબોચિયાં ભરાયા હતા. છેલ્લા 24 કલાકમાં ઈડર-1 મિમી, તલોદ-3 મિમી, પ્રાંતિજ-4 મિમી, વડાલી-1 મિમી, વિજયનગર-4 મિમી અને હિમતનગરમાં 4 મિમી વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં રવિ સિઝનમાં કરેલ વાવેતર પાકીની તૈયાર થતા ઘઉંનો ઉભો પાક વાવઝોડાથી પડી ગયો હતો તો કાપણી કરેલ ઘઉંના પૂડા કમોસમી વરસાદથી ભીંજાયા હતા. બીજી તરફ વાવાઝોડાંના કારણે ખેતરમાં ઘઉંનું ઘાસ પર ભીનું થઇ ગયું હતું. ઘઉં ભીના થઈ જતા બગડવાની ભીતિ સર્જાઈ છે. જેને લઈને ઘઉંના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે.

ઉત્પાદન ઘટાતા ભાવમાં પણ ઘટાડો થશે
આ અંગે હિંમતનગરના ઘોરવાડાના ખેડૂત મનહરસિંહ રહેવર જણાવ્યું હતું કે, હોળી પહેલા ખેતરમાં ઘઉંની કાપણી કરી ખેતરમાં પૂડાં તૈયાર કર્યા હતા. વરસાદ પડતા પૂડાં પલળી ગયા છે. જેથી પાક બગડવાની પડવાની ભીતિ સર્જાઈ છે. તમાકુના તૈયાર પાકને કાપણી કરી ખેતરમાં સૂકવણી કરવા મુક્યો હતો દરમિયાન પવનના કારણે તમાકુ ઉડી ગયું અને ભીનું પણ થઈ ગયું છે. જેથી ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને ભાવમાં પણ ઘટાડો થશે.

રવિ સિઝનમાં 1 લાખ 44 હજાર 585 હેક્ટરમાં વાવેતર
ચાર મહિનાના વાવેતર કરેલા પાકમાં ત્રણ વખત કમોસમી વરસાદને લઈને ઉત્પાદનમાં ઘટાડો અને ખર્ચમાં વધારો થયો છે. જેથી ભાવમાં હવે ઘટાડો થશે. જિલ્લામાં રવિ સિઝનમાં 1 લાખ 44 હજાર 585 હેક્ટર વાવેતર થયું છે. જેમાં 86099 હેકટરમાં ઘઉં અને 24661 હેકટરમાં બટાકાનું વાવેતર થયું છે. 5 હજાર હેકટરમાં તમાકુ, શાકભાજી, ઘાસચારો સહિત વિવિધ પાકોનું વાવેતર થયું છે.

અન્ય સમાચારો પણ છે...