સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હજારો ખેડૂતો KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની કામગીરીથી વંચિત છે. ત્યારે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને KYC પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે. ત્યારે જિલ્લામાં હજી 73 હજાર 833 ખેડૂતોની KYC પ્રક્રિયા બાકી છે.
આ અંગે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવાયું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને કેન્દ્ર સરકારની સુચના અનુસાર રૂ. 6 હજારની સહાય ચુકવવામાં આવે છે. જે ત્રણ હપ્તામાં ચુકવવામાં આવતી હોય છે. જેના માટે તમામ લાભાર્થીઓને ફરજીયાત પણે આધાર કેવાયસી પૂર્ણ કરવાનું હોય છે, પરંતુ હજુ સુધી હજારો ખેડૂતોએ ઈ-કેવાયસી અને આધાર સીડેડની કામગીરી નહિ કરાવી હોવાથી હવે પછીની સરકાર તરફથી બેન્કના ખાતામાં જમા કરવામાં આવતા હપ્તાની રકમની ચુકવણી થઇ શકશે નહિ. જેથી જે ખેડૂતોને ઈ-કેવાયસી કરવાની બાકી હોય તેમણે તાત્કાલિક ધોરણે નજીકના બાયોમેટ્રિક ઓર્થેન્ટીકેશન ધરાવતા કોમન સર્વિસ સેન્ટર અને ઈ-ગ્રામ કેન્દ્રમાં જઈને કરાવાની રહેશે.
જિલ્લા ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર, જિલ્લામાં 2 લાખ 4 હજાર 551માંથી 2 લાખ 1 હજાર 532 ખેડૂતો e-KYC કરાવી છે. ત્યારે 73 હજાર 833 ખેડૂતોની e-KYC બાકી છે. જેમાં તાલુકા પ્રમાણે વાત કરવામાં આવે તો હિંમતનગરમાં 12 હજાર 607, ઇડરમાં 14 હજાર 241, ખેડબ્રહ્મામાં 8 હજાર 174, પોશીનામાં 6 હજાર 942, પ્રાંતિજમાં 9 હજાર 296, તલોદમાં 9 હજાર 489, વડાલીમાં 5 હજાર 222 અને વિજયનગરમાં 7 હજાર 862 ખેડૂતોનું e-KYC બાકી છે. સૌથી વધુ ઇડર અને સૌથી ઓછી વડાલીમાં કામગીરી બાકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.