ખેડૂતોમાં આનંદની લાગણી:હાથમતી જળાશયમાંથી 3 તાલુકાના ખેડૂતોને રવિ સીઝન માટે પાણી અપાશે, 5 મહિનામાં 5 પાણી કેનાલ દ્વારા અપાશે

સાબરકાંઠા (હિંમતનગર)21 દિવસ પહેલા

રવિ સીઝનમાં વાવેતરની શરુઆત થઇ છે, ત્યારે ખેડૂત મંડળીઓની માંગણીને લઈને હાથમતી જળાશયમાંથી પાંચ મહિનામાં હિંમતનગર, પ્રાંતિજ, ગાંધીનગર અને દહેગામ તાલુકાના ખેડૂતોને કેનાલ દ્વારા પાણી આપવામાં આવશે. તો પ્રથમ પાણી 17 નવેમ્બરે આપવામાં આવશે.

રવિ સીઝનમાં સિંચાઈ માટે ખેડૂતોને પાણી
ચોમાસામાં સારા વરસાદને લઈને હાથમતી જળાશય 100 ટકા ભરાયો હતો અને લગભગ દોઢ મહિનાથી વધુ ઓવરફલો થયો હતો. ત્યારે હાલમાં હાથમતીમાં પણ પાણી આવી રહ્યું છે. જે પાણી હાથમતી વિયરમાં આવ્યું છે અને હિંમતનગર હાથમતી નદીમાં 160 ક્યુસેક પાણી ચાલી રહ્યું છે. અગામી દિવસમાં રવિ સીઝન માટે પાંચ મહિનામાં કેનાલ દ્વારા સિંચાઈ માટે ખેડૂતોને પાણી આપવામાં આવશે.

નવેમ્બર-2022 થી માર્ચ-2023 દરમિયાન પાણી
હિંમતનગર સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ડી.કે. પટેલે જણાવ્યું હતું કે, ખેડૂત મંડળીઓની માંગણીને લઈને ખેડૂતોને રવિ સીઝનમાં સિંચાઈ માટે કેનાલ દ્વારા પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ ઝોનમાં 100 કયુસેક, બ અને ક ઝોનમાં 200 કયુસેક એમ કુલ બે-ત્રણ ઝોનમાં 300 ક્યુસેક પાણી રવિ સિઝનમાં સિંચાઈ માટે કેનાલમાં છોડવામાં આવશે. નવેમ્બર-2022 થી માર્ચ-2023 દરમિયાન પાંચ મહિનામાં પાંચ પાણેત આપવામાં આવશે.

કેનાલમાં 15 દિવસ પાણી ચાલશે
હિંમતનગર, પ્રાંતિજ, ગાંધીનગર અને દહેગામ તાલુકાના ખેડૂતોને લાભ થશે. જેમાં અ ઝોનની 24 કિમી લાંબી કેનાલ થકી 24 ગામોના 5500 હેક્ટર અને 80 કિમી લાંબી બ અને ક ઝોનની કેનાલ થકી 35 ગામોના 8000 હેક્ટરમાં ખેડૂતોને લાભ થશે. પાંચ મહિનામાં પાંચ પાણેત અપાશે. પ્રથમ 17 નવેમ્બર 2022ના રોજ છોડવામાં આવશે જે કેનાલમાં 15 દિવસ પાણી ચાલશે.

અન્ય સમાચારો પણ છે...