સાબરકાંઠા જિલ્લાના ઇડરના ગોધમજી ગામના શિક્ષક હરેશ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવી ખેડૂતોને નવો રાહ ચિંધ્યો છે. હરેશ તેમના ખેડૂત મજૂર બાબુની મદદથી આ ખેતી અને 11 ગીર ગાયોનું પાલન કરે છે.
હરેશે જણાવ્યું હતું કે, 2019 પહેલા રાસાયણીક ખેતી કરતો હતો. જેમાં ઉત્પાદન મળતું પરંતુ તેની સામે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો તેમજ હાઈબ્રીડ બિયારણોનો ખર્ચો ખૂબ જ વધી જતો હતો. જેના કારણે નફો બિલકુલ ઓછો મળતો હતો. રાસાયણિક ખેતીમાં બટાકા, ઘઉં, મરચા, મગફળી, કપાસ વગેરેની ખેતી કરતા હતા.
અમદાવાદમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અંગેની રાજ્યવ્યાપી પાંચ દિવસની શિબિરમાં હું અને મારા ખેતરમાં કામ કરતો બાબુ બંને જણા પાંચ દિવસ તાલીમ લીધી હતી. આ તાલીમ બાદ પ્રાકૃતિક ખેતી કરીશું. ત્યારબાદ રાસાયણિક ખાતરની થેલીઓ વેચી દીધું. પ્રાકૃતિક ખેતી કરવા માટે દેશી ગાય લાવ્યા.
2019માં અખતરા માટે અડધા વીઘાથી ઓછી જમીનમાં ઘઉં વાવ્યા જેમાં અમે બીજામૃત પટ આપ્યો અને જેટલા પિયત થયા તે બધા પિયતમાં જીવામૃત આપ્યું. પાછળથી વાવેતર હોવા છતાં રાસાયણિકમાં જેટલા ઘઉંનું ઉત્પાદન થતું એટલું ઉત્પાદન પ્રાકૃતિક કૃષિથી થયું. ઉનાળામાં અમે અડધા વિઘાથી ઓછી જમીનમાં ઉનાળુ મગફળી અને એક વીઘામાં વિવિધ 16 પ્રકારની શાકભાજીનું વાવેતર સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પ્રમાણે કર્યું. શાકભાજી વધારે થવા લાગી તો ખેતર ઉપર જ એનું છૂટક વેચાણ ચાલુ કર્યું. પહેલા વર્ષે એક વીઘામાંથી સરેરાશ દૈનિક રૂ.400નું શાકભાજી વેચાણ થવા લાગ્યું. ઉનાળુ મગફળીમાં બાજુમાં રાસાયણિક ખેતીથી મગફળી પકવેલી તેટલો જ ઉતારો અમારી મગફળીનો રહ્યો. આ પ્રયોગ બાદ અમે નક્કી કર્યું હવે પછી અમારે રાસાયણિક ખેતી કરી જમીનને બગાડવી નથી.
હાલમાં એકથી દોઢ વિઘામાં ખેતીમાં સરગવો, રીંગણ, વટાણા, મૂળા, બીટ, પાલક, ડુંગરી, લસણ, દૂધી, દેશી મકાઇ, ધાણા, સવાની ભાજી, મેથી અને વિદેશી શાક બ્રોકલી, લાલ કોબીજ, મોગરી, શીમલા મરચા, ઝૂકીની, નોલખોલ વાવેતર કર્યું છે. આ શાક કીલોના રૂ.40 થી રૂ.60ના ભાવે અને ગીર ગાયોના દૂધનું વેચાણ કરી વધારાની આવક કમાય છે. આ વર્ષે તેમણે ખેતરમાં શેરડીનો પાક, ઘઉં, ચણા અને કપાસનો પાક કર્યો છે. હરેશ પોતાની 8 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી એટલે કે ઝીરો બજેટ ખેતી થકી વર્ષે 6 લાખથી વધુનો ચોખ્ખો નફો કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.