માટી પુરાણની તપાસનો ધમધમાટ...
વડાલી તાલુકાના ભજપુરા પંચાયત દ્વારા સરકારી પડતર જમીનમાં પ્લોટ આપવા માટે માટી પુરાણ કરવામાં આવ્યું હતું. જે અંગે ખાણ ખનીજ વિભાગને મળેલી ફરિયાદના આધારે ચેકડેમ નજીક કરેલ માટી પુરાણ દરમિયાન 1255 મેટ્રીકટનનું ખોદકામ કર્યુ હોવાનુ માલુમ પડતા ખનીજ વિભાગ દ્વારા રૂપિયા 3,02,269ની વસુલાત કરવા નોટીસ ફટકારી હતી.
આ અંગેની વિગત એવી છે કે, વડાલી તાલુકાના ભજપુરા ગામે આવેલી સરકારી પડતર જમીનમાં ચોમાસું પાણીના સંગ્રહ માટે લાખ્ખો રૂપિયાના ખર્ચે ચેકડેમ બનાવવામાં આવ્યા હતા. આ ચેકડેમની બાજુની જગ્યા ઉપર ખોદકામ કરીને ભજપુર પંચાયત દ્વારા સરકારી પડતર જમીનમાં પ્લોટ આપવા માટે માટી પુરાણનું કામ કરવામાં આવ્યુ હતુ.
જે અંગે ગામના જાગૃત નાગરિક ભાવેશ જેસીંગભાઇ પટેલએ ભૂસ્તર વિજ્ઞાન કચેરીમાં ટેલિફોનિક ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ખનીજ વિભાગની ટીમ ભજપુરા ગામમાં આવી પહોંચી હતી અને ચેકડેમ નજીક પુરાણ કરેલ જગ્યા બતાવી હતી અને તપાસ કરી હતી. ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને અન્ય પંચોની હાજરીમાં પુછ પરછ તેમજ રોજકામ કરવામાં આવ્યુ હતુ. ગ્રામ પાંચાયત દ્વારા કોઇપણ જાતની પરમીશન કે આધાર પુરાવા રજુ કરવામાં ન આવતા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી પુરાણવાળી જગ્યાની માપણી કરવામાં આવી હતી.
સર્વે નંબર 26 અને 25માંથી 1255 મેટ્રીકટન ખોદકામ કરવામાં આવ્યુ હોવાનુ માલુમ પડતા ખાણ ખનીજ વિભાગે રૂપિયા 175 લેખે પ્રતિ મેટ્રીકટન દંડની રકમ કરવા રૂપિયા 2,14,375 તેમજ પર્યાવરણ વળતર પેટે 71.75 પ્રતી ટન 87,894 એમ કુલ 3,02,269ની રકમની વસુલ કરવા માટેની નોટીસ ફટકારવામાં આવી હતી.
ભજપુરા ગામમાં સરપંચ પતિ નરેન્દ્ર રગજીભાઈ પટેલે માટી પુરાણ કર્યુ હોવાનુ તપાસમાં માલુમ પડ્યું હતું. જેથી વસુલાત કરવા માટે ટેલીફોનીક જાણ પણ કરવામાં આવી હતી. જોકે નરેન્દ્ર રગજીભાઇ પટેલે કોઇ જવાબ આપ્યો ન હતો. જેના કારણે ભુસ્તર વિભાગ દ્વારા રૂપિયા 3,02,269 રૂપિયાની રકમનો દંડ ફટકારી ત્રણ દિવસમાં સરકારી તિજોરીમાં દંડની રકમ જમાં કરાવવાનો હુકમ કર્યો હતો અને જો હુકમનો અનાદર કરવામાં આવશે તો મહેસુલી રાહે દંડની રકમની વસુલાત કરવામાં આવશે એવો હુકમ કરવામાં આવ્યો છે.
આશાસ્પદ યુવતિનુ મોત...
હિંમતનગરના સ્ટાર સીટી નજીક નેશનલ હાઇવે રોડ પરથી એક્ટીવા લઇને જઇ રહેલી બે યુવતિઓને બુધવારે બપોરના સુમારે ટ્રેલરની ટક્કરે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક્ટીવા લઇને જઇ રહેલી એક યુવતિ ટ્રેલરના ટાયર નીચે ચગદાઇ જતા આશાસ્પદ યુવતિનુ ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવતિને શરીરે ગંભીર ઇજાઓ થતા ૧૦૮ મારફતે સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અકસ્માતના બનાવ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના અમરસિંહજી શોપીંગ મોલમાં આવેલી એક ફાયનાન્સ કંપનીમાં નિલમબેન સોલંકી તથા સુષમિતાબેન વાઘેલા બુધવારે બપોરના સમયે ફાયનાન્સ કંપનીના કામ અર્થે એક્ટીવા ઉપર બેસીને બોરીયા ખુરાદ તરફ જઇ રહ્યા હતા.
તે દરમિયાન સ્ટાર સીટી નજીક નેશનલ હાઇવે રોડ પર પસાર થઇ રહ્યા હતા. ત્યારે એક ટ્રેલરની પાછળના ભાગે કોઇ કારણોસર એક્ટીવા ટકરાતા અકસ્માત થયો હતો અને આ ગમખ્વાર અકસ્માત દરમિયાન એક્ટીવા પર બેઠેલા નિલમબેન સોલંકી ટ્રેલરના ટાયર નીચે ચગદાઇ ગયા હતા અને ગંભીર ઇજાઓના કારણે તેમનુ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
આ ઉપરાંત એક્ટીવા ઉપર જઇ રહેલ અન્ય યુવતિ સુષમિતાબેન વાઘેલાને પણ ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 108 મારફતે લઇ જવાઇ હતી. અકસ્માતની ઘટનાના કારણે હાઇવે રોડ પર થોડાક સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખાનગી ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતી આશાસ્પદ યુવતિ નિલમબેન સોલંકી હાલ હિંમતનગર તાલુકાના વિરપુર ગામમાં રહે છે. જ્યારે ઇજાગ્રસ્ત અન્ય યુવતિ સુષમિતાબેન વાઘેલા તલોદ તાલુકાના રણાસણ ગામની હોવાનુ માલુમ પડ્યું છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી હતી.
મકાનમાં આગ લાગી...
તલોદ તાલુકાના બડોદરા ગામના એક મકાનમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગતા ગરીબ પરિવારની ઘરવખરી તથા અન્ય ચીજવસ્તુઓ બળીને ખાક થઇ ગઇ હતી. પશુચારો પણ બળી જતા હાલ તો આ ગરીબ પરિવાર પર આફત આવી પડી છે. જોકે આગની ઘટનાની જાણ થતા તલોદ પાલિકાની ફાયર બ્રીગેડની ટીમ ઘટનાસ્થળે જઇ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
આ અંગેની વિગત એવી છે કે, તાલુકાના બડોદરા ગામના બાલકૃષ્ણ ચમારના ઘરમાં કોઇ અગમ્ય કારણોસર એકાએક આગ લાગતા ઘરમાં રહેલી ઘરવખરીની ચીજવસ્તુઓ ઉપરાંત પશુચારા માટે રાખેલા ઝારના 2500થી વધુ પુળા બળીને ખાક થઇ ગયા હતા. ગ્રામ પંચાયતના તલાટી દ્વારા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આ ઘટના અંગેની જાણકારી આપવામાં આવી હતી. તલોદ ફાયર બ્રીગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. આસપાસના લોકોએ પણ ગરીબ પરિવારની મદદ કરવા માટે ઘટનાસ્થળે ગયા હતા અને આગ ઓલવવામાં મદદરૂપ થયા હતા. માંડ માંડ પેટીયુ રળી ગુજરાન ચલાવતા ગરીબ પરિવારના ઘરમાં લાગેલી આગની ઘટનાથી પરિવારની હાલત દયનીય બની ગઇ હતી.
નાસતો ફરતો આરોપી ઝડપાયો...
સાબરકાંઠા જિલ્લા એસ.ઓ.જી.ની ટીમ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમીના આધારે હિંમતનગર ન્યાય મંદિર પીકઅપ સ્ટેન્ડ આગળ ઉભેલા હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો.
આ અંગે એસ.ઓ.જી. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, એસ.ઓ.જી. પી.આઇ. એન.એન. રબારીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.નો સ્ટાફ હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન બાતમીદાર પાસેથી અ.પ.કો. ભાવેશકુમાર પશાભાઇને બાતમી મળી હતી કે, હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન.ડી.પી.એસ.ના ગુનામાં નાસતો ફરતો આરોપી ફિરોજખાન પઠાણ (રહે.આઝાદ ચોક, તા.વડાલી) હિંમતનગરના ન્યાય મંદિર પાસે આવેલા પીકઅપ સ્ટેન્ડ પાસે ઉભો છે. જેને એસ.ઓ.જી.ની ટીમે ઝડપી લીધો હતો અને હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવ્યો હતો. આમ એસ.ઓ.જી.ની ટીમને છેલ્લા એક વર્ષથી એન.ડી.પી.એસ.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી.
મહિલાએ જીવન ટૂંકાવ્યું...
હિંમતનગર તાલુકાના સાયબાપુર ગામની એક પરિણીતાએ ઝેરી દવા પીને છ મહિના અગાઉ જીવન ટુંકાવી દીધું હતું. ત્યારે એક દીકરીના પિતાએ શારીરિક, માનસિક ત્રાસ આપીને મોતના દુષ્પ્રેરણ સુધી લઇ જનાર જમાઇ અને સસરા વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, વડનગર તાલુકાના શાહપુર ગામના રમેશઈ રાવળની દીકરી આરતીબેનના લગ્ન સાયબાપુર ગામના ગોવિંદ રાવળ સાથે કરવામાં આવ્યા હતા. જોકે છેલ્લા બે વર્ષથી આરતીબેનના ચારિત્ર્ય પર પતિ અને સસરા કાળુ રાવળ ખોટો વહેમ રાખી મારઝુડ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. જેથી કંટાળીને આરતીબેને ગત તા. 2 સપ્ટેમ્બરના રોજ દવા પીને મોતને વ્હાલુ કર્યુ હતું. જે અંગે રમેશ રાવળે સાયબાપુર ગામના ગોવિંદ રાવળ અને કાળા રાવળ વિરુદ્ધ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.