બોલ મારી અંબે જય જય અંબે:દરેકની કોઇ ને કોઇ ઈચ્છા માનતા પૂર્ણ થઈ છે જેને પગલે માના આશિષ લેવા નીકળ્યા છીએ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક સંઘ 300 કિમી અને બીજો સંઘ 180 કિમી અંતર કાપી અંબાજી પહોંચશે
  • વડોદરના વાઘોડિયાથી નીકળેલ સંઘમાં 250 પદયાત્રી, 10 દિવસમાં 300 કિમીથી વધુ અંતર કાપી માના ચરણે શીશ નમાવવાની નેમ
  • બાયડના પુંસરીના 3 ટાબરીયા 4 દિવસમાં 180 કિમી અંતર કાપી મા અંબાના ધામમાં પહોંચશે

વડોદરાના વાઘોડિયાથી નીકળેલ 250 પદયાત્રીનો સંઘ 10 દિવસમાં 300 કિમીથી વધુ અંતર કાપીને માના ચરણોમાં શીશ નમાવવાની નેમ સાથે સવારે 5:30 કલાકે હિંમતનગર શહેરની સીમામાં પ્રવેશી ગયો હતો અને સવારે સાત કલાકે શહેરના ન્યાય મંદિર રોડ પર સવારની આરતી કરી હતી.

સંઘમાં નીકળેલ પદયાત્રી મહેશભાઈ રમેશભાઈ વસાવાએ જણાવ્યું કે અમે 250 જણા છીએ તમામ યુવાનો છે પાંચ દિવસ અગાઉ વાઘોડિયાથી નીકળ્યા હતા. દરેકની કોઈને કોઈ ઈચ્છા માનતા પૂર્ણ થઈ છે જેને પગલે માના આશિષ લેવા નીકળ્યા છીએ વર્ષોથી અમારા ગામનો સંઘ નીકળે છે પ્રતિદિન 35 થી 45 કિલોમીટર અંતર કાપતા આવ્યા છીએ શનિવાર સુધીમાં અંબાજી પહોંચી જઈશું અને અનંત ચતુર્દશીએ માના ચરણોમાં શીશ નમાવી તે દિવસે જ પરત ફરીશું વર્ષોથી બધા આવી રહ્યા હોવાથી અમને કોઈ સમસ્યા નડતી નથી અમે મળસ્કે ત્રણેક વાગે સફર શરૂ કરી દઈએ છીએ અને હવે પ્રતિદિન સરેરાશ 20 થી 25 કિમીનું અંતર કાપીશું સવાર સાંજ બંને સમય જગત જનનીની આરતી કરી આશીર્વાદ મેળવીએ છીએ.

જય અંબે પગપાળા સંઘમાં ગામના 25 કરતાં વધુ યુવાનો અંબાજી જવા નીકળ્યા
બાયડના ગાબટ પાસે પુંસરીના યુવાનો 15 વર્ષ કરતાં વધુ સમયથી જય અંબે પગપાળા સંઘ દ્વારા માતાજીના રથડા સાથે અંબાજી ખાતે ભાદરવી પૂનમના દર્શનાર્થે નીકળ્યા છે આ પગપાળા સંઘમાં ગામના ત્રણ નાના ટાબરીયા પણ હર્ષા ઉલ્લાસ સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. માત્ર 10 થી 12 વર્ષના આ ત્રણે મિત્રો 4 દિવસમાં 180 કિમી અંતર કાપીને અંબાજી પહોંચવાના છે.

પુંસરીના જય અંબે પગપાળા સંઘના 25 કરતાં વધુ પદયાત્રીઓએ સોમવારે વહેલી સવારથી માતાજીના રથડા સાથે વાજતે ગાજતે અંબાજી તરફ પ્રયાણ શરૂ કર્યું છે. કાળઝાળ ગરમીમાં આ ત્રણેય ભૂલકાંઓ ધનસુરા અણિયોર રોડ ઉપર પ્રથમ દિવસે 25 કિલોમીટર અંતર કાપીને આગળ વધી રહ્યા છે.

જય અંબે પગપાળા સંઘના પદયાત્રીઓએ જણાવ્યું હતું કે સંઘના પદયાત્રીઓ ત્રણ રાત દિવસ પગપાળા ચાલીને ચોથા દિવસે 180 કિલોમીટર લાંબી મજલ કાપીને અંબાજી માતાજીના રથડા સાથે પહોંચશે અને ભાદરવી પૂનમના માતાજીના દર્શન કરી સંઘ દ્વારા માતાજીને ધજા અને રથ સાથે રહેલી જ્યોત પણ અર્પણ કરાશે માતાજીના રથ સાથે ત્રણ ટાબરીયા અંબાજી તરફ જય અંબેના નારા સાથે આગળ વધી રહ્યા છે. રસ્તામાં આ ત્રણેય ટાબરીયાઓને જોઈને લોકો કહે છે કે શ્રદ્ધા હોય ત્યાં સબૂત ની જરૂર નથી.

અન્ય સમાચારો પણ છે...