વિજયનગરનું શ્રી આદિનાથ દિગંબર જૈન બીસપંથી દેરાસર એ ગુજરાતનું એકમાત્ર મંદિર છે, જ્યાં સ્ત્રી અને પુરુષ કોઈપણ ભેદભાવ વિના સમાનરૂપે પૂજા અને અભિષેક કરી શકે છે, આ પરંપરા મુલનાયક શ્રી આદિનાથ ભગવાનની વર્ષ 1866માં થયેલ પ્રતિષ્ઠાથી સતત ચાલી રહી છે. વિજયનગરના શ્રી આદિનાથ દિગંબર જૈન બીસપંથી દેરાસરમાં 1866 થી મહિલા દિવસની સાચી ઉજવણી થઈ રહી છે.
અહીં વર્ષ 2011 માં ભાદ્રપદ શુક્લ પંચમીના રોજ પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય બાલયોગિની - ધર્મપ્રભાવક - વાત્સલ્યમૂર્તિ આર્યિકા શ્રી સંગમમતી માતાજીના સાનિધ્યમાં ખેતરમાંથી ખેડાણ સમયે મળી આવેલ સુવર્ણ કસોટીના પાષાણની ચમત્કારી શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાના ચમત્કારથી પ્રાચીન મંદિરની જીર્ણોદ્ધાર દ્વારા કાયાપલટ કરાઇ હતી. જે ભારતમાં અન્ય જગ્યાઓના પ્રખ્યાત તીર્થસ્થળોથી જરાપણ ઓછું નથી.
સમાજમાં સ્ત્રીઓનું યોગદાન પુરૂષો જેટલું જ રહ્યું
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. દર વર્ષે વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓના યોગદાન અને સિદ્ધિઓને બિરદાવવા માટે તેની ઉજવણી કરવામાં આવે છે. એ વાતને નકારી શકાય નહીં કે આજના સમાજમાં સ્ત્રીઓનું યોગદાન પુરૂષો જેટલું જ રહ્યું છે. શિક્ષણના ક્ષેત્ર,આરોગ્ય ક્ષેત્રથી લઇ તમામ ક્ષેત્રોમાં, જેની પહેલાની સામાજિક પરિસ્થિતિમાં કલ્પના કરવી અશક્ય હતી, તે તમામ ક્ષેત્રોમાં મહિલાઓએ વિશેષ યોગદાન આપ્યું છે.
પરંતુ હજુ પણ સમાજમાં કેટલાક લોકો એવા છે જેઓ ઘરની ચાર દીવાલોમાં જ મહિલાઓને પસંદ કરે છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિકાસશીલ અન્ય દેશોમાં પણ મહિલાઓની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. વિજયનગર સકલ દિગંબર જૈન સમાજ ગુજરાત અને સમગ્ર દેશમાં અપવાદ છે. જેનો શ્રેય સમાજના મહેનતુ કાર્યકર કાંતિભાઈ શાહ અને દર વર્ષે નિયુક્ત થતી તેમની યુવા કમિટીની ટીમને જાય છે. તેઓ તેમના અથાગ પ્રયાસોથી સમાજને સંગઠિત રાખવામાં સફળ રહ્યા છે.
નિ:સંકોચપણે પ્રભુના ચરણ સ્પર્શ કરી શકે છે
શ્રી આદિનાથ દિગંબર બીસપંથી જૈન દેરાસર વિજયનગરમાં સ્ત્રી-પુરુષના ભેદભાવ વિના દેવ-શાસ્ત્ર-ગુરુની સેવામાં મહિલા વર્ગ સર્વોપરી રહે છે. આજે પણ મહિલાઓ કોઈપણ અવરોધ વિના ભગવાનના ગર્ભગૃહમાં પહોંચીને ભગવાનના ચરણ સ્પર્શ કરી શકે છે, અભિષેક-પૂજન નિઃસંકોચ કરી શકે છે. નોંધનીય છે કે સમયના વહેણની સાથે કેટલાક દિગંબર જૈન મંદિરોના ગર્ભગૃહમાં મહિલાઓને પ્રવેશ આપવાનો પ્રારંભ થયો છે પરંતુ એવા મંદિરોની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેમ છે. > કાંતિભાઈ શાહ, મંદિરના ટ્રસ્ટી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.