• Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • Employee Of Himmat High School, Himmat Nagar Shows Honesty, Free Kunda Distribution Program In Khed Brahma, E rickshaws Launched By Talod Taluka Panchayat

સાબરકાંઠા ન્યૂઝ અપડેટ:હિંમતનગરની હિંમત હાઈસ્કૂલના કર્મચારીએ પ્રમાણીકતા દર્શાવી, ખેડબ્રહ્મામાં નિ:શુલ્ક કુંડા વિતરણ કાર્યક્રમ, તલોદ તાલુકા પંચાયત દ્વારા ઇ રિક્ષાઓનું લોકાર્પણ કરાયું

સાબરકાંઠા (હિંમતનગર)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિંમત હાઇસ્કૂલમાં ફરજ બજાવતા કર્મચારીની પ્રામાણિકતા
હિંમત હાઇસ્કૂલમાં નોકરી કરતા ભરતભાઇ પોતાની સાઇકલ લઇને ટાવર ચોક થઇને પોસ્ટ ઓફિસ તરફ જતા હતા. ત્યારે અમરસિંહજી શોપીંગ મોલ નજીક રસ્તામાં પાકીટ નજરે પડ્યું હતું. જેથી પાકીટ લઇને તેમણે તપાસ કરતા તેમાં રોકડ નાણા તથા વિજીટીગ કાર્ડ તથા અનેક દસ્તાવેજો માલુમ પડ્યા હતા. રોકડ રકમ પાકીટમાં હોવા છતા પણ ભરતભાઇએ સહેજ પણ મન ડગાવ્યા વગર પ્રમાણિકતા દર્શાવી પાકીટમાં રહેલા ડોક્યુમેન્ટના આધારે મોબાઇલ નંબર મેળવી મૂળ માલિકને ફોન કર્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, લાંબડીયા ગામના વતની વિજયભાઇ હિંમતનગર ટાવર રોડ પર આવેલી દુકાનમાં ખરીદી કરવા માટે આવ્યા હતા. ત્યારે રસ્તામાં પાકીટ કોઇ સ્થળે પડી ગયું હતું. જોકે તપાસ કરવા છતા પણ પાકીટ ન મળતા તેઓ નિરાશ થઇને અમદાવાદ જતા રહ્યા હતા. જોકે ભરતભાઇએ વિજયભાઇને ફોન કરતા સગળી હકીકતથી વાકેફ થયા બાદ નાણા ભરેલુ પાકીટ તેની પાસે હોવાનું જણાવી પાકીટ પરત લઇ જવા કહ્યું હતું. હિંમત હાઇસ્કૂલમાં સેવક તરીકે ફરજ બજાવતા આ કર્મચારીએ મોટુ મન રાખી હરખભેર વિજયભાઇને તેમનુ પાકીટ પરત કર્યુ હતુ અને પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. વિજયભાઇએ પણ પાકીટ પરત મળતા આનંદની લાગણી અનુભવી ભરતભાઇનો આભાર માન્યો હતો.

અંબાઇગઢા ખાતે નિ:શુલ્ક કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો
ખેડબ્રહ્મા તાલુકાના અંબાઇગઢા ગામે મેલડી માતાના મંદિરે મંદિર ટ્રસ્ટ તરફથી અબોલ પક્ષીઓ માટે નિ:શુલ્ક કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા અને બનાસકાંઠા શ્રી મેલડી રામ જલ સેવા દ્વારા બ્લ્ડ ડોનેશન સેવા પણ આપવામાં આવે છે. જીવદયા પ્રેમી મોહન આર દેસાઇ દ્વારા અકસ્માતમાં ઘાયલ થયેલ પશુ-પક્ષીઓને સારવાર આપવામાં મદદરૂપ થાય છે.

તલોદ તાલુકા પંચાયત દ્વારા ઇ રિક્ષાઓનું લોકાર્પણ કરાયું
તલોદ તાલુકા પંચાયત દ્વારા ઇ રિક્ષાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તલોદ તાલુકાના અણીઓડ, ખેરોલ, રોઝડ અને મોહનપુર એમ ચાર ગ્રામ પંચાયતોમાં તાલુકા વિકાસ અધિકારીના હસ્તે ઇ રિક્ષાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુકો અને ભીનો કચરો ભરીને ગામમાં સ્વચ્છતા જળવાય તે માટે ઇ રિક્ષાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અણીયોડ સરપંચ કનકસિંહ ઝાલા, રોઝડ સરપંચ વિષ્ણુસિંહ વાઘેલા હાજર રહ્યાં હતા.

ઈડરમાં ખેડૂત શિબિર કાર્યક્રમ યોજાયો
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર, પ્રેરિત પ્રમુખસ્વામી લોક-વિજ્ઞાન કેન્દ્ર બડોલી સાબરકાંઠા દ્વારા વીરપુર(જાદર) ગામે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જાદર સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને વિજ્ઞાન કેન્દ્ર થકી આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેડૂત શિબિરની અંદર પ્રાકૃતિક ખેતીનું શું મહત્વ છે અને આવનાર સમયમાં કેટલો એનો ફાયદો થશે અને સાથે સાથે દેશી ગાયનું પણ શું મહત્વ છે અને એમાંથી બનતી તમામ પ્રકારની વસ્તુઓની માહિતી નિષ્ણાત અરવિંદ પટેલ, ભાવેશ પટેલ અને મુકેશ પટેલ દ્વારા માહિતી સાથે પ્રેક્ટીકલી પણ ખેડૂતોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ કાર્યક્રમની અંદર ગામના સરપંચ પિયુષ પટેલ અને કોલેજની તમામ ટીમે ખૂબ જ સાથ અને સહકાર આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંવાહક દીપક પટેલ તેમજ પ્રોગ્રામ ઓફિસર અનિલ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...