ધર્મબોધ:જે પરિવારમાં સંપ નહીં ત્યાં રોજ ધરતીકંપ થાય છે

હિંમતનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં મુનિ શ્રી જ્ઞાનોદય વિજયજી અને મુનિ શ્રી પંચામૃત વિજયજીનું પ્રવચન

શ્રવણ બનીને તીર્થયાત્રાના કરાવી ન શકો તો કાંઈ નહીં પણ માતા- પિતાની જીવન યાત્રા યાતનામય ન બને તેનું પૂરૂ ધ્યાન તો રાખજો જ. રડવું હોયતો ખભો તો કોઈનો પણ મળે તેમ છે પણ ખોળો તો માત્ર માતાનો જ મળે. વૃદ્ધાશ્રમમાં મુકવા ગયેલા દીકરાને મા-બાપ કહે છે કે બેટા આ ભૂલ તારી નથી અમારી છે. તારો જન્મ થતાં જ અમે અનાથ આશ્રમમાં નથી મૂક્યો માટે આજે અમારે વૃદ્ધાશ્રમમાં જોવા પડે છે. ઘરડો માણસ જમવાનું મળે એની જેટલી અપેક્ષા નથી રાખતો તેટલી દીકરો દિવસમાં એકવાર તો મળે એવી અપેક્ષા રાખતો જ હોય છે.

મંગલસૂત્ર વેચીને પણ પોતાના વ્હાલા સંતાનને મોટા કરનારા મા-બાપને ઘરની બહાર કાઢનારા યુવાન તું તારા જીવનમાં અમંગલના શ્રી ગણેશ કરે છે. પ્રેમ હોય ત્યાં પાણાય (=પથ્થર) બોલતા લાગે, પ્રેમ ના હોયતો જીવંત માં-બાપ પણ મૂંગા લાગે. જે પરિવારના સભ્યોમાં સંપ નહીં તે પરિવારમાં રોજના ધરતીકંપ થાય છે. સંપત્તિ અને સગવડ ઘરમાં ઓછી હોયતો ચલાવી લેજો પણ ઘરમાં પરસ્પર સંપ, પ્રેમ અને સ્નેહનો દીવડો બુજાય નહીં એનો ખ્યાલ રાખજો. ગાંડા દીકરાને પણ માતા જીવનભર નભાવે છે, પણ ડાહી માતા દીકરાને ન ભાવે તે કેવું આશ્ચર્ય છે?

નાનપણમાં માતાને ભીની પથારીમાં રાખી, ને યુવાનીમાં માતાની ભીની આંખો રાખી. 14 માણસ પણ સાથે રહી શકે છે જો હૃદયમાં પ્રેમ હોયતો અને 4 માણસ પણ સાથે રહી ન શકે જો વહેમ હોયતો બાળપણમાં ખોળો દેનાર માતા-પિતાને ઘડપણમાં તું દગો દેનારો ના બનતો. બાળપણમાં જે દીકરાને મા-બાપે બોલતા શીખવાડ્યું હતું એ દીકરો ઘડપણમાં મા-બાપને ચૂપ રહેતા શીખવાડે છે. સંતાને જ્યારે ધરતી પર પહેલો શ્વાસ લીધો ત્યારે તેના માતા-પિતા તેની પાસે હતાં. હવે સંતાનની ફરજ છે કે માતા-પિતા છેલ્લા શ્વાસ સુધી તે તેમની પાસે રહી સેવા ચાકરી કરે.

પહેલા આંસુ આવતા હતા ત્યારે માતા યાદ આવતી હતી. આજે માતા યાદ આવે છે ને આંસુ આવી જાય છે. જે દીકરાના જન્મ વખતે માં-બાપે હરખભેર જગતમાં પેંડા વહેંચ્યા, આ કેવું આશ્ચર્ય છે? માતાએ પૂર્ણ શબ્દ છે, માતાએ ગ્રંથ છે, માતાએ યુનિવર્સિટી છે, માતાએ મંત્ર બીજ છે, પ્રત્યેક સર્જનનો આધાર માતા છે મંત્ર- તંત્ર અને યંત્રની સફળતાનો મુળઆધાર માતા છે. બે કિલોની દુધી બે કલાક હાથમાં ઉંચકીને ઉભા રહેતા આપણને હાથ દુખી જાય છે તો આપણે 9 મહિના માતાએ પેટમાં કેવી રીતે ઉંચક્યા હશે?

આટલું વિચારતા આંખો ભીની થયા વિના ના રહે. બચપણમાં જેણે આપણને પાળ્યા- પોષ્યા ઘડપણમાં એના હૈયા બાળ્યાં તો યાદ રાખીએ કે આપણા ભાગ્ય પરવાર્યા. માતા- પિતાએ આપણો સાચો વારસો- પૈસો નહીં પણ પવિત્રતા અને પ્રમાણિકતા છે. ઘરમોટા હોવાથી ભેગા નથી રહેવાતું પણ મન મોટા હોયતો ભેગા રહેવાય છે. ઘરની માતાને રડાવે અને મંદિરની માતાને ચુંદડી ચડાવે તો યાદ રાખજે મંદિરની માતા તારા પર ખુશ નહીં થાય. કદાચ થશે તો ખફા જરૂર થશે.

પત્ની એ પસંદગીથી મળતી ચીજ છે, પણ મા-બાપ પુણ્યથી મળતું વરદાન છે. પસંદગીથી મળતી ચીજ માટે પૂણ્યથી મળતા વરદાનને ઠુકરાવશો નહીં. બાળપણ દૂધથી જીવે, ઘડપણ ફૂંફ થી જીવે, તને દૂધ દેનારીને હૂંફ દેવાનું ચૂકતો નહીં. કમાલ એ છે કે મરતી માતા રડતાં દીકરાનો વિચાર કરે છે પણ જીવતો દીકરો મરતી માતાનો વિચાર નથી કરતો.

અન્ય સમાચારો પણ છે...