રાજ્યમાં ગઈકાલે સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર જિલ્લામાં વરસાદના સમાચાર હતા. ત્યારે આજે ઉત્તર ગુજરાતમાં પણ અમુક ઠેકાણે વરસાદ વરસ્યો છે. આકરી ગરમી વચ્ચે બપોર બાદ સાબરકાંઠાના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામે ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો. જેથી લોકોને ગરમી સામે રાહત થઈ હતી.
કાળઝાળ ગરમીમાં વરસાદે ઠંડક આપી
મળતી વિગતો અનુસાર સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પાસે આવેલા મટોડા ગામે બપોરના 3 વાગ્યા બાદ ઝરમર વરસાદ વરસ્યો હતો. જેથી કાળઝાળ ગરમીમાં લોકોએ કમોસમી વરસાદ વરસતાં રાહતનો દમ લીધો હતો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકો છાસ, લીંબુ પાણી અને ઠંડા પીણા પીને રાહત મેળવતાં હોય છે. ત્યારે વાતાવરણમાં પલ્ટો થતાં લોકોને ગરમી સામે રાહત મળી હતી.
વાતાવરણમાં પલ્ટો આવ્યો
સાબરકાંઠા જિલ્લામાં આજે તાપમાન 41 ડીગ્રી નોંધાયું છે. ત્યારે બપોર બાદ કમોસમી વરસાદને પગલે લોકોને રાહત થઈ હતી. આકરા તાપમાન વચ્ચે લોકો ઘરની બહાર નીકળતા પણ વિચાર કરે છે. ત્યારે અચાનક વરસાદના આગમનથી લોકોમાં ખુશી જોવા મળી હતી. આજે શુક્રવારે સવારથી જ વાતાવરણમાં બદલાવ આવતો દેખાતો હતો. જે બપોરના સમયગાળા દરમિયાન ઝરમર વરસાદના રૂપે પડતાં વાતાવરણમાં શીતળતા પ્રસરી ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.