એક નવ યુવાન હતો, તેના લગ્નની ઉંમર થઈ તેથી માતા-પિતાએ લગ્ન કરાવ્યાં. ઘરમાં એક સભ્યની વૃધ્ધિ થઈ અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યું. નવી આવેલી વહુ ઘરના બધાની ખુબ સારસંભાળ રાખતી હતી. ઘરના તમામ કામો રસોઈ, કપડા, સાફ-સફાઈ વગેરેની જવાબદારી ઉત્સાહપૂર્વક નિભાવતી હતી. આ નવા સભ્યના આગમનથી ઘરના બધા સભ્યો ખૂબ આનંદમાં હતાં પણ એક માત્ર યુવાનની માતા થોડી ઉદાસ રહેતી હતી.
નવયુવાનના પિતાને થોડાક દિવસો પસાર થયા પછી ખબર પડી ગઈ કે બહુ આવ્યા પછી એમની પત્ની થોડી ઉદાસ થઈ ગઈ છે. પત્નીની આ ગમગીનીનું કારણ જાણવા માટે એકવાર ઘરમાં કોઈ ન હતું ત્યારે એ ભાઈએ પોતાની પત્નીને પૂછ્યું જેથી પત્નીના મનને હળવાશ થાય. હું જોઈ રહ્યો છું કે વહુના આવ્યા પછી તું ચિંતાઓના વાદળોથી ઘેરાઈ ગઈ છે, ગમે ત્યારે તને જોઉં છું ત્યારે તું ઉદાસ હોય છે આ માટે કોઈ ખાસ કારણ છે? પત્નીએ પતિને કહ્યું, તમે કોઈ નોંધ લીધી છે! લગ્ન પહેલાંનો આપણો દીકરો અને લગ્ન પછીનો આપણો દીકરો સાવ જુદો છે.
લગ્ન પહેલાં મારી સાથે બેસીને ઘણી વાતો કરતો હતો પણ હવે એમ લાગે છે કે મારા માટે ટાઈમ જ નથી. ક્યારેક ક્યારેક જ મારી સાથે વાતો કરે છે, મારા કરતાં એના સાસુ-સસરાને વધારે મહત્વ આપે છે. જો એકાદ દિવસની રજા પડેતો દીકરો તેની પત્નીને લઈને એના સસરાને ત્યાં પહોંચી જાય છે. મારા કરતાં તેની સાસુ સાથે હવે વધારે વાતો કરે છે. બળાપો કાઢતાં સાસુજી બોલ્યા કે આપણો દીકરો હવે અડધો એના સસરાનો થઈ ગયો છે. બસ આ બધા વિચારોની માયાજાળથી હું સતત બેચેન રહું છું.
પેલા ભાઈએ પોતાની પત્નીને મીઠા શબ્દોમાં સૌમ્ય ભાષામાં કહ્યું, તારી વાત બિલકુલ સાચી છે હવે આપણો દીકરો પૂરેપૂરો આપણો રહ્યો નથી. પણ મારે પણ તને એક વાત પૂછવી છે, તારા અંતરને પૂછીને તુ જવાબ આપજે તને એમ લાગે છે કે આપણી પુત્ર વધૂએ આ ઘરમાં આવીને ઘરનું વાતાવરણ કજીયા- કંકાસવાળું કરીને બગાડી નાખ્યું છે? નવ યુવાનની મમ્મી બોલી ના બિલકુલ નહીં. એ તો રોયલ સ્વભાવની છે, તમારૂ, મારૂ આખા પરિવારનું ખૂબ ધ્યાન રાખે છે.
દીકરાના પિતાએ હસતાં હસતાં કહ્યું, કોઈ પારકા ઘરની દીકરી પૂરેપૂરી આપણી થઈ જતી હોય તો પછી આપણો દીકરો અડધો એનો કે એના માતા-પિતાનો થાયતો એમાં ઉદાસ થવાનું ન હોય. એક સ્ત્રી પોતાનું તમામ વર્ચસ્વ છોડીને તમારા થવા માટે તમારા આંગણે આવે છે ત્યારે જો તમે પૂરેપૂરા નહીં માત્ર અડધાં પણ એના અને એના પરિવારના બનો તો પારિવારિક પ્રશ્નોનું સમાધાન મળી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.