સાબરકાંઠા જિલ્લામાં વડાલી ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી બી.સી. શાહ આર્ટસ કોલેજ ખાતે આવતીકાલે મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. જેમાં વિવિધ સ્કુલના 500થી વધુ વિધાર્થીઓ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરશે. તો ફૂલ ડ્રેસમાં રીહર્સલ પૂર્ણ થયું છે. ઉજવણીને લઈને સરકારી કચેરીઓને રોશનીથી શણગારવામાં આવી છે. તો પ્રજાસતાક પર્વની ઉજવણીને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.
વડાલીમાં જિલ્લા કક્ષાના 74માં પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગરૂપે વડાલીની આર્ટસ કોલેજના મેદાનમાં ફૂલડ્રેસ સાથે જુદા જુદા વિભાગોનું રીહર્સલ યોજાયું હતું. ધો 6થી 12ના 500થી વધુ વિવિધ સ્કુલના વિધાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દેશભક્તિ ગીત, લોકનૃત્ય, ગરબા, પીરામીડ અને પોલીસ દ્વારા પરેડ કરવામાં આવી હતી. જેમાં અશ્વ પણ જોડાયા હતા જેનું જિલ્લા કલેક્ટરે નિરીક્ષણ કર્યું હતું.
વડાલીમાં જિલ્લા કક્ષાના 74માં પ્રજાસતાક પર્વની ઉજવણીને લઈને મામલતદાર કચેરી, નગરપાલિકા, તાલુકા પંચાયત કચેરી, પોલીસ સ્ટેશના વિવિધ માર્ગો, માર્કેટયાર્ડ, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને કાર્યક્રમ સ્થળ બી.સી.શાહ આર્ટસ કોલેજને રોશનીથી શણગારવામાં આવી છે. જ્યાં હાલ ઉજવણીને લઈને વડાલીમાં દેશભક્તિનો માહોલ સર્જાયો છે. 74માં પ્રજાસતાક પર્વની ઉજવણી આવતી કાલે સ્કૂલો કોલેજો, પોલીસ ગ્રાઉન્ડ, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ થશે. જેને લઈને હિંમતનગર શહેરના માર્ગો પર મહિલાઓ અને બાળકો ઠેર-ઠેર રાષ્ટ્રધ્વજ વિતરણ કરવા માટે ઉભા રહેલા જોવા મળી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.