ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:TP સ્કીમ કાયદાની આંટીઘૂંટીમાં શામળાજીનો વિકાસ ફસાયો

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાત વર્ષથી મુખ્ય પ્રવેશદ્વારનું કામ પણ અટક્યું, દેવની મોરીના વિકાસની વાતો પણ હવામાં ઓગળી
  • યાત્રાધામનો વિકાસ થાયતો આજુબાજુના 40 થી વધુ ગામમાં રોજગારી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે

પ્રાચીન અને આસ્થાના પ્રતિક ભગવાન શામળિયાનું ધામ અરવલ્લીની ગિરિકંદરાઓથી ઘેરાયેલું છે. નદીના તટે બિરાજમાન શામળિયાના દર્શને નામી-અનામી હસ્તીઓ પહોંચે છે નજીકમાં જ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત દેવનીમોરી-બૌદ્ધ સ્થાનક છે દોઢ દાયકા દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન સહિતના ટોચના નેતાઓએ બંને સ્થળના વિકાસની વાતો કરી હતી.

પરંતુ છેલ્લા દસેક વર્ષથી કાયદાની આંટીઘૂંટીમાં ફસાતા યાત્રાધામ શામળાજીના વિકાસને બ્રેક લાગી ગઈ છે ટાઉન પ્લાનિંગ સ્કીમમાં રાજ્ય સરકાર સાત સાત વર્ષથી જરૂરી સુધારા પણ કરી ન શકતા ભગવાન શામળિયાના ધામનું મુખ્ય પ્રવેશ દ્વાર પણ બની શક્યું નથી ! સ્થાનિકોના જણાવ્યા અનુસાર 100 થી વધુ વેપારીઓ છે રાજસ્થાનને જોડતો નેશનલ હાઈવે ડુંગરોને કોરીને અહીંથી પસાર થાય છે ચોમાસામાં ડુંગરોનું પાણી યાત્રાધામ તરફ ધસી આવતા સો થી વધુ વેપારીઓની દુકાનો ધંધા રોજગારના સ્થળ પાણી પાણી થઈ જાય છે આ નખશીખ યાત્રાધામ છે મકાનો ઓછા છે.

આંતરિક રોડ રસ્તાની સુવિધા નથી. જગવિખ્યાત યાત્રાધામ છતાં મંદિર સુધી આવવા જવાના દ્વિમાર્ગી વ્યવસ્થા કે પાર્કિંગની સુવિધા નથી. યાત્રાધામનું ભોજનાલય પણ બની શક્યું નથી વૈકલ્પિક જગ્યાએ ભોજનાલય ચલાવાઈ રહ્યું છે નજીકમાં જ આં.રા. ખ્યાતિપ્રાપ્ત યાત્રાધામ દેવની મોરી છે જેને વિકસાવવા પણ થયેલ વાતો પણ ગુલબાંગો બની રહી છે અહીં ખરા અર્થમાં વિકાસને મૂર્તિમંત કરાય તો આજુબાજુના 40 થી વધુ ગામોમાં રોજગારી સહિતની તકો પણ ઉપલબ્ધ થાય તેમ છે અહીંથી નેશનલ હાઈવે 8 પસાર થાય છે જે સિક્સલેન બની ગયો છે

બ્રોડગેજ રેલ સેવા પણ શરૂ થઈ ગઈ છે નેશનલ હાઇવે અને રેલ સુવિધા વધતાં યાત્રિકોની અવરજવર માટેની સુવિધા વધતા વેપાર રોજગાર વધવાની પણ સંભાવના છે વેપારીઓના જણાવ્યા અનુસાર માળખાકીય સુવિધાઓ માત્ર કાગળ પર રહી ગઈ છે સરકારને સાત સાત વર્ષથી હાઇકોર્ટની સૂચનાનુસાર ટાઉન પ્લાનિંગ સ્કીમ માં સુધારો કરવાનો સમય મળ્યો નથી. યાત્રાધામના વિકાસ માટેના મંડળમાં ભાજપના મળતીયા જ ગોઠવાઈ ગયા છે સ્થાનિક યોગ્ય વ્યક્તિઓ લીધા નથી.

70 ટકાથી વધુ આદિવાસી મતદારો
શામળાજી યાત્રાધામનો ભિલોડા એસટી અનામત બેઠકમાં સમાવેશ થાય છે ભિલોડા બેઠકમાં મેઘરજ તાલુકો પણ સમાવિષ્ટ છે આ બેઠક પર કુલ 3.04 લાખ મતદારો છે જેમાં 70 ટકા થી વધુ આદિવાસી મતદારો છે યાત્રાધામ શામળાજીમાં દોઢ હજારથી વધુ સ્થાનિક મતદારો છે અને અહીંના મતદારો દર ચૂંટણીમાં કોંગ્રેસને અહીંથી દોઢસો થી બસ્સો મતની સરસાઈ અપાવે છે. અરવલ્લી જિલ્લામાં પશ્ચિમ ઉત્તર પૂર્વી વિસ્તાર આદિવાસી બહુલ મતવિસ્તાર છે આઝાદીના 7 દાયકા બાદ પણ આ વિસ્તાર વિકાસ ઝંખી રહ્યો છે

પાંચ ટર્મથી ભિલોડા બેઠક કોંગ્રેસ પાસે છે
યાત્રાધામ શામળાજી ભિલોડા વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ છે તેનો ઇતિહાસ જોઈએ તો 1985 અને 1990 માં કોંગ્રેસમાંથી ઉપેન્દ્ર ત્રિવેદીની અને 1995માં ભાજપના ડો.અનિલ જોશીયારાની જીત ગઈ હતી. જે રાજપામાં જોડાતાં 1998માં ઉપેન્દ્ર ત્રિવેદી અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા વર્ષ 2002 થી 2017 સુધી ડો.અનિલ જોશીયારા કોંગ્રેસમાંથી જીતતા આવ્યા હતા. આ બેઠક પર કોંગ્રેસ અને ભાજપના વોટ શેરમાં 6.50 ટકાથી વધુનો તફાવત જોવા મળે છે વર્ષ 2017 માં કોંગ્રેસના ડો.અનિલ જોશીયારાની 12417 મતથી જીત થઈ હતી. આ બેઠક પર સરેરાશ 65 ટકાની આજુબાજુ મતદાન થાય છે.

અન્ય સમાચારો પણ છે...