હિંમતનગર તાલુકાના દેધરોટા ગામની ગ્રુપ સેવા સહકારી મંડળીના સેક્રેટરીએ વર્ષ 2002માં પોતાની ફરજ દરમિયાન 5.34 લાખની કાયમી ઉચાપત કરી હોવા અંગે તારીખ 1/10/02ના રોજ ફરિયાદ નોંધાયા બાદ કેસ ચાલી જતા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી 7 વર્ષની સાદી સજાનો હુકમ કર્યો હતો.
એપીપી પી.વી.ચૌધરીએ વિગત આપતાં જણાવ્યું કે હિંમતનગર તાલુકાના દેધરોટા ગામની ગ્રુપ સેવા સહકારી મંડળીના સેક્રેટરી ચંપકકુમાર રૂપસિંહ ઝાલાએ તેમની તા.1/04/01 થી 31/03/02 દરમ્યાનની ફરજ દરમ્યાન રૂ.5,34,533=85 પૈસાની કાયમી ઉચાપત કરી હોવાનું બહાર આવતા સેક્રેટરીને પૂછતાં આ રકમ વપરાઈ ગયાનું નિવેદન આપતા ઓડિટરે ઓડિટ રીપોર્ટમાં નોંધ કર્યા બાદ જિલ્લા રજીસ્ટ્રારે તા.24/09/02 ના રોજ સેક્રેટરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો અને મનોજભાઈ પમાભાઈ પરમારે હિંમતનગર પોલીસ સ્ટેશનમાં તા.1/10/02ના રોજ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેનો કેસ ચીફ જ્યુડીશયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા સેક્રેટરી ₹10,000 સુધીની જ રોકડ હાથ પર રાખી શકે તેવો મંડળીનો ઠરાવ, રોજમેળમાં ચેકચાક, અસ્પષ્ટ લખાણ, ટૂંકી સહીનો અભાવ, સેક્રેટરીએ રકમ વપરાઈ ગયાની કરેલ કબુલાત વગેરે આધાર પુરાવા રજૂ કરતા ચીફ જ્યુડીશયલ મેજીસ્ટ્રેટ ભાવેશ વિનોદરાય સંચાણીયાએ ચંપકકુમાર રૂપસિંહ ઝાલાને તકસીરવાન ઠરાવી સાત વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.