દુષિત પાણીથી શિંગોડાની મિઠાશ બગડી:પ્રાંતિજની બોખમાં ગંદુ પાણી આવતા શિંગોડાના પાકને નુકશાન; ભોઈ સમાજ દ્વારા સરકાર પાસે નુકસાનીના વળતરની માગ

સાબરકાંઠા (હિંમતનગર)11 દિવસ પહેલા

પ્રાંતિજમાં આ વર્ષે શિંગોડાના પાકમાં વધુ વરસાદ અને ગંદા પાણીને લઈને પાકમાં રોગ આવતા નુકશાન થવા પામ્યું છે અને ઉત્પાદનમાં ઘટાડો થયો છે. તો બીજી તરફ પ્રાંતિજના દેશી શિંગોડાની મીઠાશ અમદાવાદ, બરોડા, સુરત, મુબઈ સહિત વિદેશમાં પહોચી છે. આઠ મહિના-વર્ષની મહેનત બાદ શિયાળાના ચાર મહિનામાં શિંગોડાનો પાક ઉતરે છે.

પ્રાંતિજના ભોઈવાડામાં રહેતા 200થી વધુ પરિવારના 500 લોકો શિંગોડાની ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તો પ્રાંતિજમાં થતાં દેશી શિંગોડાની મીઠાશ રાજ્ય, દેશ અને વિદેશમાં પ્રસરી છે. તો, દેશી શિંગોડાની ગુજરાતમાં અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત છે. મુંબઈથી લઈને દુબઈ અને અમેરિકામાં પણ શિંગોડાની માગ છે અને શિંગોડા જાય પણ છે. વર્ષમાં આઠ મહિનાની મહેનત અને માવજત બાદ શિયાળાના ચાર મહિના જેમાં સપ્ટેમ્બરથી ડીસેમ્બર સુધી ચાર મહિના પાક ઉતરે છે.

આ અંગે વેપારી ચેતનભાઈ ભોઇએ જણાવ્યું હતું કે, શિંગોડા ચાર પ્રકારના હોય છે. જેમાં દેશી શિંગોડા, કાંટાવાળા શિંગોડા, જબલપુરી શિંગોડા અને પોપટિયા શિંગોડા થાય છે. તો હાલમાં દેશી શિંગોડાનો બજાર ભાવ 600થી 700 રૂપિયા છે અને બજારમાં છુટક વેચાણ અઢી કિલોના 100થી 120 રૂપિયા છે. દેશી શિંગોડાની માંગ સૌથી વધુ છે. ત્યારે શિંગોડાનો કાચા, બાફેલા, સેકેલા અને સુકા અલગ અલગ પ્રકારથી ખાવામાં ઉપયોગ કરાય છે. દેશી શિંગોડા જિલ્લામાં પ્રાંતિજ, ઇડર, ખેડબ્રહ્મામાં થાય છે. સૌથી વધુ પ્રાંતિજની બોખમાં શિંગોડા થાય છે. પ્રાંતિજના બોખમાં પાકેલા દેશી શિંગોડાની માગ ખુબજ છે.

આ અંગે શિંગોડાની ખેતી કરતા કરસનભાઈ ભોઈ અને કાન્તીભાઈ ભોઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે વધુ વરસાદ પડતાં બોખમાં પાણીની આવક સારી થઇ હતી. છેલ્લા 10 વર્ષમાં સારી પાણીની આવક થઇ છે અને બોખ ભરાઈ છે. પરતું સાથે બોખમાં કેમિકલયુક્ત ગંદુ પાણી આવતા શિંગોડાના પાકને નુકશાન થવા પામ્યું છે અને શિંગોડાના પાકમાં રોગ આવતા ઉત્પાદન ઓછુ અને ઉતારો પણ ઓછો આવ્યો છે. તો બોખમાં પાલિકા દ્વારા ગટરનું ગંદુ પાણી છોડાતા અને કાટવાડ ખાતે આવેલી ફેકટરીઓનું ગંદુ કેમિકલયુક્ત પાણી ચોમાસામાં કેનાલમાં થઈને બોખમાં આવતા શિંગોડાની ખેતીમાં રોગનો ઉપદ્રવ વધ્યો છે.

આ ખેતી આઠ મહીના પાણીમાં થાય છે. મોટી બોખમાં ભોઈ સમાજના પરિવારો દ્વારા શિંગોડાની ખેતી કરવામાં આવે છે. ત્યારે તેના એકર દીઠ નાણા પણ ચુકવવામાં આવે છે. ત્યારે તંત્ર દ્વારા ગંદુ પાણી આવતું અટકાવી યોગ્ય પગલા લેવાની માગ છે. તો શિંગોડાની ખેતી કરતો ભોઈ સમાજ કહી રહ્યો છે કે, ખેડૂતોને નુકશાન થાય તો વળતર મળે છે. તો અમારી શિંગોડાની ખેતી નાશ પામી છે તો, નુકશાનીનું વળતર કોણ આપશે? આવા સવાલો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...