સાબરકાંઠા ન્યૂઝ અપડેટ:સંકલન (વ) ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ; 5 ઈ-રિક્ષાનું ધારાસભ્યએ લીલીઝંડી આપી લોકાપર્ણ કર્યું; પોસ્ટ ઓફિસમાં કોમ્પ્યુટર વિભાગના એસીમાં આગ

સાબરકાંઠા (હિંમતનગર)2 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર રેડક્રોસમાં રૂ. 15 લાખનો ચેક આપવામાં આવ્યો
સાબરકાંઠા જિલ્લાના સહકારી અગ્રણી સ્વ અમીચંદ પટેલના સ્મરણાર્થીએ બનાવવામાં આવેલા અમીધારા ટ્રસ્ટ દ્વારા રૂ. 15 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. હિંમતનગર રેડ ક્રોસ સોસાયટીમાં ફિઝિયોથેરાપી સેન્ટર અને ડેન્ટલ વિભાગ માટે આધુનિક સાધનો તેમજ નવીન જેનેરીક મેડિકલ સ્ટોરના નિર્માણ માટે આ સહાયનો ચેક અર્પણ કર્યો હતો. હિંમતનગર રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડૉ. ભુપેન્દ્ર શાહે રેડક્રોસ સોસાયટીની કામગીરી અંગે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ગુજરાત રેડક્રોસ સોસાયટી ચાલે છે. જેમાં હિંમતનગર રેડક્રોસ સોસાયટી દ્વારા શ્રેષ્ઠ સેવાઓ આપવામાં આવે છે. હિંમતનગર રેડક્રોસ દ્વારા 15 જેટલી અલગ અલગ સેવાઓ જરૂરિયાતમંદોને પૂરી પાડવામાં આવે છે. જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે સેવાઓ પૂરી છે.

સંકલન (વ) ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
સાબરકાંઠા જિલ્લા સમાહર્તા હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં સંકલન (વ) ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં અધિકારી કર્મચારીઓના પેન્શન, ખાનગી અહેવાલને લગતા પ્રશ્નો, તાબાની કચેરીઓના નિરીક્ષણના પ્રશ્નો, કચેરીઓના આંતરિક સંકલન થકી કામગીરીને વધુ સરળ અને લોક ઉપયોગી બનાવવા બાબત પર ભાર મુકવામાં આવ્યો હતો. આ સાથે આંગણવાડી કેન્દ્રો, રોડ-રસ્તા, એપ્રેંટીસ યોજના અને જિલ્લાના નક્કિ કરવામાં આવેલા અમૃત સરોવરને વિકસિત કરવા અંગે થયેલી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. 20 માર્ચથી શરૂ થનાર પોષણ પખવાડિયા અંગે સંકલનમાં રહી કામ કરવા અમલીકરણ અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અધિક કલેક્ટર દિગંત બ્રહ્મભટ્ટ, ગ્રામ વિકાસ એજન્સી નિયામક કલ્પેશ પાટીદાર, પ્રાંત અધિકારી તેમજ અન્ય અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

ઇડર રાણી તળાવ પાસેના પાવાપુરીમાં માતૃશકિત સંમેલન
ઇડરના પાવાપુરી ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહિલા સંવર્ગ દ્વારા આયોજીત માતૃશક્તિ સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ સંમેલનમાં મુખ્ય વક્તા બ્રહ્મકુમારી વર્ષાબેને જણાવ્યું હતું કે, જીવનમાં આધ્યાત્મ થકી સાચું સુખ મેળવી શકાય છે. ધાર્મિક માર્ગે અમે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ. જયારે શિક્ષક દ્વારા દેશના ભાવિનું ઘડતર થઇ રહ્યું છે. રાષ્ટ્રના ઉન્નત નિર્માણ માટે શિક્ષકોનો મહત્વનો ફાળો છે. આ માતૃશક્તિ સંબેલનમાં ભારત શિક્ષણમંત્રાલય, નેશનલ બુક ટ્રસ્ટ અંતર્ગત પી. એમ. યુવા મેન્ટોર સ્કીમ વિજેતા શ્વેતા પટેલુંનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન રમીલાબેન પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી નિતાબેન ગઢવી, જિલ્લા શૈક્ષિક મહાસંઘ પ્રમુખ ગીરીશભાઈ ભટ્ટ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અલકાબેન નિનામા, શૈક્ષિકસંઘના ધરતીબેન સુથાર, સહમંત્રી શ્વેતાબેન પટેલ, વિદ્યાબેન કુલકર્ણી, ફાલ્ગુની રાઠોડ અને જિલ્લા શૈક્ષિકસંઘના શિક્ષણગણ ઉપસ્થિત રહ્યા હતા.

5 ઈ-રિક્ષાનું ધારાસભ્યએ લીલીઝંડી આપી લોકાપર્ણ કર્યું
સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હિંમતનગર તાલુકાના હાંસલપુર, પ્રેમપુર, પુરાલ, કરણપુર તેમજ ઘોરવાડા ગ્રામ પંચાયતોને ડોર ટુ ડોર વેસ્ટ કચરા કલેક્શન માટે ઇ-રિક્ષાઓનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી લોકાપર્ણ ધારાસભ્યના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના સ્ટાફ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હિંમતનગર તાલુકાના કરણપુર, હાસલપુર ,પ્રેમપુર, ઘોરવાડા અને પુરાલ ગ્રામપંચાયતને ડોર ટુ ડોર કલેક્શન માટે ઈ-રીક્ષા અપાઈ. SBM યોજના અંતર્ગત એક ઈ-રીક્ષા 2.50 લાખની એવી રૂ. 12.50 લાખની પાંચ ઈ-રીક્ષાનું હિંમતનગર તાલુકા પંચાયતમાં ધારાસભ્ય વી.ડી.ઝાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પ્રમુખ વિનોદ પટેલ, તાલુકા વિકાસ અધિકારી પીયુસ સિસોદિયા,ગામના સરપંચો, તલાટી કમ મંત્રીઓ, તથા SBM સ્ટાફની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

પોસ્ટ ઓફિસમાં કોમ્પ્યુટર વિભાગના એસીમાં આગ
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં શનિવારે રાત્રિ દરમિયાન કોમ્પ્યુટર વિભાગના એસીમાં અચાનક આગ લાગી હતી. જે અંગે બી-ડિવિઝન પોલીસે ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગને જાણકારી મળતા તેઓએ તાત્કાલિક ઘટનાસ્થળે આવી આગ બૂઝાવી હતી.

આ અંગે હિંમતનગર ફાયર વિભાગના ઇન્ચાર્જ ફાયર ઓફિસર રાજેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, શનિવારે મધરાત બાદ ત્રણ વાગ્યાના સમયે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનથી ફાયર વિભાગને જાણ કરી હતી કે, બી-ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે આવેલા સરકારી પોસ્ટ ઓફીસમાં આગ લાગી છે. જેની માહિતી મળતા તુરંત ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચીને CO2 ફાયર એક્સ્ટીંગ્યુશર બોટલ દ્વારા આગ પર કાબૂ મેળવેલો. આગ લાગવાનું પ્રાથમિક કારણ એ.સી.માં શોર્ટ સર્કિટ થવાનું માલુમ પડેલું જેના લીધે પ્રથમ ઇલેક્ટ્રિક પાવર સપ્લાય બંધ કરીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...