સાબરકાંઠાની ઇડર વિધાનસભામાં બુધવારે કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારીપત્ર ભર્યું તો ત્રણ દિવસમાં 26 ઉમેદવારી પત્રો ભરાયા છે. આવતીકાલે હિંમતનગરમાં ભાજપના ઉમેદવાર ઉમેદવારીપત્રો ભરવાના છે, ત્યારે તેમની સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહેશે.
ફરી એકવાર રમણલાલ વોરા અને રામ સોલંકી વચ્ચે જંગ જામશે
ઈડર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રામ સોલંકી તેઓના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ રેલી કાઢી પ્રાંત ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં ટેકેદારો સાથે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. વર્ષ 2012માં પણ કોંગ્રેસ પક્ષમાંથી રામ સોલંકી ઉમેદવાર રહ્યા હતા. ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા સામે પરાજય થયો હતો. જોકે ફરી એકવાર 2022 વિધાનસભા ચૂંટણીમાં રમણલાલ વોરા અને રામ સોલંકી વચ્ચે જંગ જામશે.
ઈડરના રૂંધાયેલા વિકાસ પર પણ સવાલો ઉઠાવ્યા
રામ સોલંકીએ આજે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવ્યા બાદ રામભાઈએ ઇડરમાં એક હથ્થું શાસન છેલ્લાં 25 વર્ષથી ચાલે છે. જેને લઇને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યાની વાત કરી હતી. બીજી તરફ ઈડર તાલુકાની શાન સમા ઈડરિયા ગઢના ખનન પર પ્રક્રિયા આપી હતી કે, હું જીતીશ સરકાર ગમે તે હશે અને ઈડરિયા ગઢનું થતું ખનન હું અટકાવીશ. તેમાં મારી જાન જશે તો પણ ખચકાયા વિના તેનો વિરોધ કરીશ. છેલ્લાં શ્વાસ સુધી હું ઇડર ગઢ બચાવવા અને ઇડરિયા ગઢનું થતું ખનન અટકાવવા લડતો રહીશ. સાથેજ ઈડરના રૂંધાયેલા વિકાસ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
આવતીકાલે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ
સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર ત્રણ દિવસમાં કુલ 26 ઉમેદવારી પત્રો ભરાયા છે. તો હિંમતનગર વિધાનસભા બેઠક પર 6 ,ઇડર વિધાનસભા બેઠક પર 7, ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર 7 અને પ્રાંતિજ વિધાનસભા બેઠક પર 6 ઉમેદવારી પત્રો ભરાયા છે. આવતીકાલે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે.
સી.આર. પાટીલ હાજર રહેશે
સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર વિધાનસભા બેઠક પર આવતીકાલે ભાજપના ઉમેદવાર વી.ડી.ઝાલા સમર્થકો સાથે રેલી સ્વરૂપે બહુમાળી ભવન પહોંચશે. સાબરકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ જે.ડી.પટેલે જણાવ્યું હતું કે, હિંમતનગરમાં ભાજપના ઉમેદવાર વી.ડી.ઝાલા ટાવર ચોકમાં ભગવાન પરશુરામ પાર્કથી પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જશે, ત્યારે સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહેશે. તો સાથે જિલ્લાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.