મુખ્યમંત્રીના હસ્તે ગૌશાળાનું લોકાર્પણ:વડાલી ધામડીમાં અન્નક્ષેત્ર અને ગૌશાળા શાળાના લાભાર્થે યોજાયેલ શ્રીમદ્દ ભાગવત કથાની પૂર્ણાહુતી

સાબરકાંઠા (હિંમતનગર)21 દિવસ પહેલા

વડાલીના ધામડી અન્નક્ષેત્ર આશ્રમ ખાતે વડીલોના વૃંદાવન કાર્યક્રમ તથા ગૌશાળાના શુભારંભના લાભાર્થે યોજાઈ રહેલી શ્રીમદ્દ ભાગવત કથાના પુર્ણાહુતી પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાજરી આપી કથાનું રસપાન કર્યુ હતુ. તેમની સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને યાદ કરી આ પ્રસંગે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, શ્રીમદ ભાગવત કથાના કલ્યાણકારી બોધને જીવનમાં ઉતારવા સાથે શ્રીમદ ભાગવત કથાના સારરૂપ ગુણો- ધૈર્ય, સહનશક્તિ, પ્રેમ, કરુણા, દયા વગેરે જીવનમાં ચરિતાર્થ કરવા અનુરોધ કર્યો હતો. રાજસત્તાને ધર્મસત્તાના આશીર્વાદ હંમેશા મળતા રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર જનતાનો વિશ્વાસ કાયમ અકબંધ છે. તે ગુજરાતની જનતાએ આ ચૂંટણીમાં પ્રચંડ વિજય અપાવીને પ્રસ્થાપિત કર્યું છે. આ વિશ્વાસને વિકાસના વિશ્વાસ સાથે જોડીને વધુ મજબૂત અને તેજ ગતિએ ગુજરાતને આગળ ધપાવવું છે. તેમણે કહ્યું કે, ટીમ-ગુજરાત વડાપ્રધાને આપેલા મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ થકી વિકસિત ભારત, વિકસિત ગુજરાત બનાવવા મક્કમ ગતિએ કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે, અહીં ગૌશાળાનું નિર્માણ સેવાકીય ભાવ સાથે થયું છે અને જયંતિભાઈ પાટીદાર પરિવાર દ્વારા ધર્મ સાથે સંસ્કૃતિના સંવર્ધનનું પણ કામ થયું છે તે અભિનંદન પાત્ર છે.

આ પ્રસંગે નીતિન પટેલ અને રાજ્ય સભાના સાંસદ જુગલજી ઠાકોરે પ્રસંગિક પ્રવચન કરી ધર્મ અને સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. કથા શ્રવણ કરનાર ધર્મપ્રેમી જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ભાગવત કથા સપ્તાહના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં મંત્રી ભીખુસિંહ પરમાર, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી ઝાલા, કથા વક્તા શ્યામ સુંદર મહારાજ, દોલતરામ મહારાજ અને સંતો મહંતો અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ, પૂર્વ ચેરમેન જેઠા પટેલ, વડાલી એ.પી.એમ.સી.ના ચેરમેન વિજય પટેલ, ઇડરના એ.પી.એમ.સી.ના ચેરમેન હિતેન્દ્ર પટેલ,પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, વડાલી, ઈડર, ખેડબ્રહ્મા અને આસપાસના ગામજનો ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...