કાર્યવાહી:વડાલીના વડગામડામાં લોન ડિફોલ્ટરો મકાનનાં તાળાં તોડી ઘૂસી જતાં ફરિયાદ

હિંમતનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાઇનાન્સ કંપનીમાંથી લોન લઇ હપ્તા ન ભરતાં કંપનીએ મકાનો સીલ કર્યા હતા
  • બે મકાનના તાળાં​​​​​​​ તૂટતાં પિતા-પુત્ર સહિત ત્રણ વિરુદ્ધ અલગ-અલગ બે ફરિયાદ પિતા -પુત્ર અને ગામના જ શખ્સે ફાઇનાન્સમાંથી 10-10 લાખની લોન લીધી હતી

વડાલી તાલુકાના વડગામડામાં ફાઇનાન્સ કંપનીમાંથી લોન લઈ હપ્તા ન ભરવાના કિસ્સામાં બે મકાનોને તાળાં મરાયા બાદ ડિફોલ્ટર મકાન માલિકો તાળાં તોડી મકાનમાં ઘૂસી જતા વડાલી પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર સહિત કુલ ત્રણ જણાં વિરુદ્ધ બે અલગ અલગ ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વડાલીના વડગામડામાં રહેતા નારાયણભાઈ પ્રભુભાઈ પટેલ અને પરમાનંદકુમાર નારાયણભાઈ પટેલે જે તે સમયે એસ્પાયર હોમ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ અને વર્તમાન મોતીલાલ ઓસ્વાલ હોમ ફાઇનાન્સ લિમિટેડમાંથી રૂ.10,69,410ની લોન મેળવ્યા બાદ હપ્તા ન ભરવાને કારણે જરૂરી પ્રોસિજર પૂરી કરી વડાલી મામલતદારની હાજરીમાં મકાનને સીલ મારી એસ્પાયર હોમ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ કંપનીએ કબજો મેળવ્યો હતો.

પરંતુ ગત તારીખ 14-03-22થી 16-05-22ના સમયગાળા દરમ્યાન કોઈપણ સમયે મકાનનું સીલ તોડી મકાનમાં પ્રવેશ કરી કબજા હુકમનો અનાદર કરાયો હતો. બીજા કિસ્સામાં હરેશભાઈ નટવરભાઈ પટેલે રૂ.10,69,410ની લોન લીધી હતી અને હપ્તા ન ભરતાં તેમના મકાનને પણ સીલ મારી એસ્પાયર હોમ ફાઇનાન્સ કોર્પોરેશને કબજો મેળવ્યો હતો. પરંતુ તેમણે પણ 11-03-22થી 14-03-22 દરમ્યાન સીલ તોડી મકાનમાં ઘૂસી ગયા હતા .જેને પગલે ફાયનાન્સ કંપનીના પ્રતિનિધિ ચંદ્રકુમાર કનૈયાલાલ બચાણી દ્વારા ત્રણે જણાં વિરુદ્ધ બે અલગ અલગ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી છે.

આ ત્રણ સામે ફરિયાદ

  • નારાયણભાઈ પ્રભુભાઈ પટેલ
  • પરમાનંદકુમાર નારાયણભાઈ પટેલ
  • હરેશભાઈ નટવરભાઈ પટેલે (તમામ રહે. વડગામડા તા. વડાલી
અન્ય સમાચારો પણ છે...