આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ:ઇડર ગઢ પર ત્રીજા વર્ષે સ્પર્ધાનું આયોજન; ચાર જિલ્લાના 279 ખેલાડીઓએ ભાગ લીધો, પ્રથમ 10 ખેલાડીઓને સન્માનપત્ર અને ટ્રોફી અપાઈ

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં શનિવારે ત્રીજા વર્ષે આરોહણ-અવરોહણ સ્પર્ધાનું રાજ્યના રમત ગમત અને પ્રવાસન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાર જિલ્લાના 14-18 વર્ષના 279 ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં 1થી 10માં સાબરકાંઠાના પાંચ ભાઈઓ અને આઠ બહેનો આવી હતી.

ગુજરાત રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગરના યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય કક્ષાની તૃતીય ઐતિહાસિક પર્વત ઇડર ગઢ આરોહણ અને અવરોહણ સ્પર્ધા 2022-23નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાર જિલ્લાના 279 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તો ઇડર ગઢની તળેટીમાં ઈડર પ્રાંત અધિકારી અને નગરપાલિકા પ્રમુખ દ્વારા ફ્લેગ ઓફ કરી આરોહણ-અવરોહણ સ્પર્ધાની શરૂઆત કરાઈ હતી. જેમાં પ્રથમ ભાઈઓની સ્પર્ધા યોજાઈ હતી. ત્યારબાદ બહેનોની સ્પર્ધા યોજાઈ હતી. 20 ખેલાડીઓનો એક રાઉન્ડ હતો. ભાઈઓએ 15 મિનિટમાં અને બહેનોએ 15 મિનિટના સમયમાં રાઉન્ડ પૂર્ણ કરવાનો હતો.

આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાઈઓમાં 1થી 10માં પાંચ ખેલાડીઓ સાબરકાંઠાના, ચાર બનાસકાંઠા, અને એક અરવલ્લીનો આવ્યો હતો. તો બહેનોમાં આઠ સાબરકાંઠા ,એક બનાસકાંઠા અને, એક અરવલ્લીનો આવ્યો હતો. જેમાં ભાઈઓમાં પ્રથમ અને બીજા નંબરે બનાસકાંઠા ત્રીજા નંબરે અરવલ્લી, ચોથા અને પાંચમા નંબરે સાબરકાંઠા, છઠ્ઠા નંબરે બનાસકાંઠા, સાતમા, આઠમા, નવમા નંબરે સાબરકાંઠા અને દશમા નંબરે બનાસકાંઠા આવ્યું હતું. તો બહેનમાં સાબરકાંઠાએ સારો દેખાવ કર્યો હતો અને એકથી સાત નંબરમાં સાબરકાંઠા, આઠમાં નંબરે અરવલ્લી, નવમાં નંબરે બનાસકાંઠા અને દશમાં નંબરે સાબરકાંઠા આવ્યું હતું. ભાઈઓ અને બહેનોમાં અલગ-અલગ જેમાં પ્રથમ નંબરને રૂ. 12,500, બીજાને રૂ 10,000, ત્રીજા નંબરને રૂ. 7500, ચોથા નંબરને રૂ. 6000, પાંચમા નંબરને રૂ. 5000, છઠ્ઠા નંબરને રૂ. 4500, સાતમા નંબરને રૂ. 4000, આઠમા નંબરને રૂ. 3500, નવમા નંબરને રૂ. 3000 અને દશમા નંબરને રૂ. 2500નો ચેક આપવામાં આવ્યો હતો.

આ અંગે સાબરકાંઠા જિલ્લા યુવા વિકાસ અધિકારી આશા પટેલે જણાવ્યું હતું કે, ઇડર ખાતેની આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના 171 ભાઈઓ અને 108 બહેનોએ ભાગ લીધો હતો. સ્પર્ધા પૂર્ણ થયા બાદ બહેનો અને ભાઈઓમાં 1થી 10 આવનાર ખેલાડીઓનું સન્માન કરાયું હતું. જેમાં પ્રથમ, બીજો અને ત્રીજા નંબરે આવનાર ખેલાડીઓને ટ્રોફી, ચેક અને સન્માનપત્ર આપ્યું હતું. તો 4થી 10 નંબરે આવનારા ખેલાડીઓને સન્માનપત્ર અને ચેક આપવામાં આવ્યા હતા. આગામી ફેબ્રુઆરી-2023માં ગિરનાર પર્વત ખાતે યોજાનારી નેશનલ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેશે

અન્ય સમાચારો પણ છે...