બોધ:દુઃખી જીવો પ્રત્યે દયા-ભાવ તેમના કષ્ટો દૂર કરો

હિંમતનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં મુનિ શ્રી જ્ઞાનોદય વિજયજી અને મુનિ શ્રી પંચામૃત વિજયજીનું પ્રવચન

મુંબઈ જેવી મેગાસિટીમાં એક પરદેશી મુસાફર બસમાંથી ઉતર્યો. અડધી રાત થઈ હતી અને રિક્ષાવાળા પણ બહુ ઓછા હતાં બસમાંથી અનેક મુસાફરો નીચે ઉતરીને ફટાફટ રિક્ષા કરીને જતા રહ્યા. હવે માત્ર એક જ રિક્ષા બચી હતી આ અજાણ્યો મુસાફર ત્યાં ગયો અને પૂછ્યું "ભાઇ! વીરનગર જવું છે કેટલો ભાડું લઈશ! રિક્ષાવાળાએ કહ્યું કે 200 રૂપિયા થશે. પેલા ભાઈને કોઈ જાણકારે કહ્યું હતું કે તમે બસમાંથી જ્યાં ઉતરશો ત્યાંથી વીરનગર સોસાયટી માત્ર 3 કિલોમીટર છે એટલે રિક્ષાનું વધારે ભાડું ન આપતાં.

રિક્ષાવાળાએ 200 રૂપિયા કહ્યા એટલે પેલા ભાઈ એના પર ભડુક્યાં, તું શું મને સાવ અજાણ્યો સમજે છે! અરે હું આ શહેરનો ખૂબ સારો પરિચિત છું અને વીરનગર સોસાયટી અહીંથી માત્ર 3 કિલોમીટર જ છે. રિક્ષાવાળાએ નમ્રતા સાથે જવાબ આપ્યો સાહેબ! આ તો રાતના સમયનું ભાડું છે. દિવસ અને રાતનું ભાડું સરખું થોડી હોય! આપની મરજી હોયતો બેસો, મુસાફર તો સામાન ઉપાડીને ચાલવા લાગ્યો 2 કિલોમીટર જેટલું મોટી બેગનો ભાર ઉપાડીને ચાલી ગયો પણ હવે વજન તેનાથી ખમાતું ન હતું. પગ પણ હવે શ્રમિત થયા હતાં રોડ પર કોઈ રિક્ષાવાળો પણ દેખાતો ન હતો તેથી એ થાકીને રોડ પર જ બેસી રહ્યો. થોડીવારમાં એક રિક્ષા આવી એટલે એણે રિક્ષાને ઉભી રાખી.

એ તો આંખો ફાડીને જોતો જ રહ્યો કેમકે આતો એજ રિક્ષાવાળો છે જેની સાથે થોડા સમય પહેલા વાતો થઈ હતી. મુસાફર એટલો થાકેલો હતો કે સામાન રિક્ષામાં નાખીને કહ્યું ચાલ! ભાઈ તું વીરનગર લઈ લે 200 રૂપિયા લેજે, રિક્ષાવાળાએ કહ્યું સાહેબ! માફ કરજો હવે 200 નહીં 400 રૂપિયા થશે. મુસાફર કહે છે અરે ભાઈ મારે જ્યાં જવાનું છે એ સ્થળ હવેતો માત્ર 1 કિલોમીટર જ દૂર છે.

તારે ભાડું ઘટાડવું જોઈએ એના બદલે વધારે છે તું મારી મજબૂરીનો દૂર ઉપયોગ કરે છે. રિક્ષાવાળાએ હસતાં- હસતાં કહ્યું. સાહેબ! વીરનગર સોસાયટી અહીંથી 1 કિલોમીટર નહીં પરંતુ 5 કિલોમીટર થાય, તમે 2 કિલોમીટર ચાલ્યા તે જ સાચું પણ વિરુદ્ધ દિશામાં ચાલીને ગંતવ્યસ્થાનનું અંતર વધારી દીધું છે. આપણે પણ જીવનમાં કેટલાય રસ્તાઓ પર કાંઈ વિચાર્યા વિના જ ચાલવા માંડીએ છીએ.

જીવનભર નાશવંત ચીજો પ્રાપ્ત કરવા મથામણ કરીએ છીએ છતાં તેમ માનીએ છીએ કે આત્મકલ્યાણ ના પંથે પ્રગતિ ચાલુ છે. આત્માહિતાર્થે વિકાસ કરવા માટે સરળતા, પરોપકાર, શ્રદ્ધા, ગુરૂસમર્પણ ભાવ, પરમાત્માની ભક્તિ, સંતોષ, પ્રામાણિકતા, દુઃખી જીવો પ્રત્યે દયા-ભાવ તેમના કષ્ટો દૂર કરવા યથાશક્તિ પ્રયત્ન વગેરે ગુણો મેળવવા મહેનત કરીશું તો સાચી મંઝિલે અવશ્ય પહોંચીશું.

અન્ય સમાચારો પણ છે...