અમદાવાદ - ઉદેપુર બ્રોડગેજ રેલ સેવા શરૂ થવાનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ગયું છે ડુંગરપુર ઉદેપુર વચ્ચે ખારવા વાંદા ટ્રેક પર 31 મેના રોજ ગુડઝ ટ્રેન સહી સલામત પસાર થઈ જતા જૂન માસના અંતિમ ચરણમાં સીઆરએસ થઇ જવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે અને મહદ્દઅંશે 15 ઓગસ્ટથી અમદાવાદ-ઉદેપુર વાયા હિંમતનગર 208 કિમી બ્રોડગેજ રેલ સેવાનો પ્રારંભ થનાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
અમદાવાદ-ઉદેપુર 208.48 કિમી રેલ્વે ટ્રેકનું ગેજપરિવર્તન કરવાની કામગીરી સાડાપાંચ વર્ષથી ચાલી રહી છે અને હવે અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. અમદાવાદ ડુંગરપુર 94.73 કિમી રેલ્વે ટ્રેકની કામગીરી પૂર્ણ થઇ ગયા બાદ 15 જાન્યુઆરીથી બ્રોડગેજ રેલ સેવાનો પ્રારંભ કરાયો હતો. ડુંગરપુર થી જય સમન્દ સ્ટેશન 52.50 કિમીના રેલવે ટ્રેકની કામગીરી મહદ્દઅંશે પૂર્ણ થઈ ગઈ છે અને સીઆરએસ નિરીક્ષણ પણ થઈ ચૂક્યુ છે.
ઉદેપુર- ખારવા વાંદા ટનલની કામગીરી કપરી હતી અને તેમાં સૌથી વધુ સમય લાગ્યો હતો 24.26 કિમી ના આ રેલ્વે ટ્રેકની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે તથા જય સમન્દ થી ખારવા વાંદા ટનલ 37 કિમી રેલ્વે ટ્રેક તૈયાર થઇ ગયા બાદ 31 મે ના રોજ સૌપ્રથમ વખત ગુડઝ ટ્રેન દોડાવાઈ હતી અને પંથકના સૌથી ઊંચા ઓડા બ્રિજ પરથી સહી સલામત પસાર થઇ ગઇ હતી.
ગુડઝ ટ્રેન પસાર થઇ ગયા બાદ અજમેર ડિવિઝન દ્વારા આશા સેવાઇ રહી છે કે આગામી દસ-પંદર દિવસમાં નાનું-મોટું કામ પૂર્ણ થઇ જતા જૂન માસના અંતિમ ચરણમાં સીઆરએસ ઇન્સ્પેક્શનની સંભાવનાઓ વધી ગઈ છે. વેસ્ટર્ન રેલ્વે પીઆરઓ ફૂલચંદભાઈએ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં જુલાઈથી રેલ સેવા શરૂ થવાની વાત ખોટી છે અજમેર ડિવિઝન દ્વારા સીઆરએસ નિરીક્ષણ થયા બાદ સ્પષ્ટતા થઇ શકે તેમ છે પરંતુ મોટાભાગની કામગીરી હવે પૂર્ણતાને આરે છે.
208.48 કિમી બ્રોડગેજ રેલ્વે ટ્રેકની હાલની સ્થિતિ
બ્રોડગેજ લાઇનનું વિદ્યુતિકરણ પણ પૂરજોશમાં
અમદાવાદ ઉદેપુર બ્રોડગેજ રેલ્વે ટ્રેકને ઇલેક્ટ્રીક સેવાથી જોડવા મંજૂરી અપાઇ ગઇ છે અને વર્ષ 2023 ના અંતે કામગીરી પૂર્ણ કરવાનુ લક્ષાંક છે. ત્યારે ઉદેપુરથી ખારવા વાંદા ટનલ સુધી ઇલેક્ટ્રીક પોલ લગાવવા સિમેન્ટના બ્લોક લગાવી પ્લેટ ફોર્મ તૈયાર કરી દેવાયા છે અને પૂરજોશથી કામગીરી શરૂ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.