• Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • Child Dies After Being Hit By An Echo Near Moosh Paj; 30 Sheep, Including The Owner, Died When A Ram Full Of Sheep Rammed Into The Back Of A Truck Near Hunaj

એક જ દિવસમાં 2 અકસ્માત:મૂછની પાળ પાસે ઇકોની ટક્કરે બાળકનું મોત; હુંજ પાસે ટ્રક પાછળ ઘેટા ભરેલું ડાલું ઘુસી જતા માલિક સહિત 30 ઘેટાના મોત

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાંભોઈ પાસે બે અલગ અલગ અકસ્માતમાં બાળક સહિત બેના મોત નીપજ્યાં હતાં. તો, ઘેટા ભરેલા ડાલાને અકસ્માત સર્જાતા 30 ઘેટાના મોત નીપજ્યાં હતાં. બંને અકસ્માત અંગે ગાંભોઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.એફ.ઠાકોરે જણાવ્યું હતું કે, ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારની ટક્કરે 6 વર્ષીય બાળકનું ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તો, હુંજ પાસે રાત્રી દરમિયાન રોડની સાઈડે ઉભા રહેલા ટ્રક પાછળ ઘેટા ભરેલું ડાલું ઘુસી જતા ઘેટાના માલિકનું મોત નીપજ્યું હતું. તો ડાલામાં ભરેલા ઘેટા પૈકી અંદાજીત 30 ઘેટાના મોત નીપજ્યા હતા.

પ્રથમ અકસ્માત અંગે તપાસ કરનારા ગાંભોઈ પોલીસ સ્ટેશનના યોગેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, ગાંભોઈ-રૂપાલ રોડ પરથી મૂછની પાળ ગામમાં જવાના રોડ પર શુક્રવારે મોડી સાંજે ગામમાંથી બહાર નીકળતી ઇકો કારની ટક્કરે ગામના 6 વર્ષીય ધો-2માં અભ્યાસ કરતા હરેશ દશરથસિંહ રાઠોડને ટક્કર વાગી હતી. ત્યારબાદ બાળકને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગરની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલો હતો. જ્યાં સારવાર દરમ્યાન રાત્રે 11 વાગે બાળકનું મોત નીપજ્યું હતું. જે અંગે ગાંભોઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. તો, બાળકનું શનિવારે હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં પીએમ કરીને ઇકો ચાલક સામે ગુનો નોધવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

બીજા અકસ્માત અંગે તપાસ કરનાર મહેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગાંભોઈથી ભિલોડા રોડ પર શુક્રવારે રાત્રે 12 વાગેના સમયે હુંજ ગામ નજીક રોડ સાઈડે લાકડા ભરેલી ટ્રક ખામી સર્જાતા પાર્ક કરી હતી. તે દરમિયાન રાજસ્થાનના સલુંમ્બરથી જીપ ડાલા ઘેટા ભરીને આવી રહી હતી. ત્યારે ટ્રક પાછળ જીપ ડાલું ઘુસી ગયું હતું. જેને લઈને ચાલક પાસે બેસેલા સલુંમ્બરના 40 વર્ષીય કનૈયાલાલ રામચંદ ખટીકનું ગંભીર ઈજાને કારણે ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તો, ડાલામાં ભરેલા ઘેટા પૈકી અંદાજીત 30 જેટલા ઘેટાનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જેને લઈને અકસ્માત અંગે ગાંભોઈ પોલીસને જાણ થતા ટ્રકચાલક સામે ગુનો નોધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...