ઇડરમાં ચાંડપની યુવતીની હત્યા:અન્ય સાથે સંબંધની શંકામાં પતાવી દીધી, ખેતરમાં ભેંસોને ચારો નીરવા ગયેલી 18 વર્ષીય યુવતીની લાશ મળી હતી

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચાંડપ સીમમાંથી યુવતીની લાશ મળ્યાના સમાચાર વાયુવેગે ફેલાતાં લોકોના ટોળાં ઉમટ્યા હતા, ગુનેગારનું પગેરૂ મેળવવા ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ હતી. - Divya Bhaskar
ચાંડપ સીમમાંથી યુવતીની લાશ મળ્યાના સમાચાર વાયુવેગે ફેલાતાં લોકોના ટોળાં ઉમટ્યા હતા, ગુનેગારનું પગેરૂ મેળવવા ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ હતી.
  • ગણતરીના કલાકોમાં પોલીસે હત્યારાને જેલના સળિયા પાછળ ધકેલ્યો
  • મૃતકના પિતાની નિશાનદેહી બાદ યુવકે હત્યાની કબૂલાત કરી

ઇડર તાલુકાના ચાંડપ ગામમાં શનિવારે બપોરે ખેતરમાં ભેંસોને ચારો પાણી નીરવા ગયેલ 18 વર્ષીય યુવતીને દુપટ્ટાથી ગળામાં બે ગાંઠ મારી હત્યા કરવાના પ્રકરણમાં મૃતકના પરીજનોને અંગુલીનિર્દેશ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં ડિટેક્શન કરી હત્યારા 26 વર્ષીય યુવકને ઝડપી લીધો હતો.

યુવતીને મોતને ઘાટ ઉતારી હત્યારો ફરાર
ચાંડપ ગામના ખેતરમાં યુવતીને મોતને ઘાટ ઉતારી હત્યારો ફરાર થઇ ગયાની અને ખેતરમાં યુવતીની લાશ પડી હોવાની વાત વાયુવેગે શનિવારે બપોર બાદ ગામમાં પ્રસરી જતા ચકચાર મચી જવા પામી હતી અને લોકોના ટોળા ઉમટ્યા બાદ પોલીસને જાણ કરાતા ઇડર પોલીસ, એલસીબી, એસઓજી,ડોગ સ્ક્વોડ સહિત જિલ્લા પોલીસનો કાફલો ઉતરી પડ્યો હતો.

આરતીને કોઈએ મારી નાખી છે: રણછોડસિંહ
ડીવાયએસપી દીનેશસિંઘ ચૌહાણે વિગત આપતા જણાવ્યું કે ચાંડપ ગામમાં ખેતરમાં ત્રીજા ભાગથી કામ કરી રહેલ રણછોડસિંહ જવાનસિંહ ડાભીની દીકરીઓ શગુણા અને આરતી કૂવા ઉપર ગઈ હતી. અને શગુણા રડતી ઘેર આવી હતી અને સુમિતભાઈ વિરાભાઈ ડાભી અને રણછોડસિંહને કહ્યું હતું કે આરતીને કોઈએ મારી નાખીને આંકલાના ઝાડમાં નાખી દીધી છે.

આરતીને દુપટાથી ગળામાં બે ગાંઠો મારેલ હતી
સુમિત ભાઈ અને રણછોડસિંહ બંને બાઈક ઉપર કૂવા ઉપર ગયા હતા. આરતીને દુપટાથી ગળામાં બે ગાંઠો મારેલ હતી અને દુપટાનો બીજો છેડો મોઢા ઉપર ઢાકેલો હતો. આરતીની લાશ મળી આવ્યા બાદ જાણ કરતા ઘટનાસ્થળે જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતકને પીએમ માટે ઇડર સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવી હતી શકમંદોને રાઉન્ડ અપ કરવા શરૂ કર્યા હતા.

ડીવાયએસપીના માર્ગદર્શનમાં તપાસ હાથ ધરાઈ હતી
ઇડર પીઆઇ ઓમદેવસિંહ જાડેજાએ જણાવ્યું કે ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી મૃતકના પરીજનોને નિવેદનો લેવા દરમ્યાન પિતાએ ગામના વિપુલસિંહ ડી. ઝાલા માટે શંકા વ્યક્ત કરી જણાવ્યું હતું કે બેએક વર્ષથી બન્ને એકબીજાના સંપર્કમાં હતા જેમાં અન્ય નિવેદનોથી અને ગામમા લાશ મળવાની ચકચારી ઘટના બનવા છતાં શકમંદની ગેરહાજરી જેવા પરિબળોથી સમર્થન મળતા વિપુલસિંહને પકડી પૂછપરછ કરતા ભાંગી પડ્યો હતો અને મૃતકને બીજા સાથે સંબંધ હોવાની શંકાને લઈ બન્ને વચ્ચે ઝઘડો થયા બાદ દુપટ્ટાથી ગળે ફાંસો લગાવી હત્યા કર્યાની કબૂલાત કરી લીધી હતી. યુવતીની લાશ મળવાના ગણતરીના કલાકોમાં ઇડર પોલીસે હત્યારા 26 વર્ષીય યુવકને સળિયા પાછળ ધકેલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...