પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં રોષ:હિંમતનગરમાં નેશનલ હાઈવે 8 પર સાબરકાંઠા-અરવલ્લીના ખેડૂતોનો ચક્કાજામ; કિસાનોને સમજાવ્યા બાદ ટ્રાફિક પૂર્વવત કરાયો

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાજેન્દ્રનગર પાસે નેશનલ હાઈવે રોડ 8 પર આજે રવિવારે સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના કિસાન સંઘના ખેડૂતો માંગણીઓને લઈને રોડ પર બેસી ગયા હતા અને ચક્કાજામ કર્યું હતું. ચક્કાજામ કરતા બંને તરફ ટ્રાફિક જામ થયો હતો અને કિસાનોને સમજાવ્યા બાદ ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો.

નેશનલ હાઇવે ચક્કાજામ કરાતાં પોલીસ દોડી આવી
આ અંગે સાબરકાંઠા કિસાન સંઘના પ્રમુખ અમૃતભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતીય કિસાન સંઘ દ્વારા પડતર પ્રશ્નોની માંગણીઓનું નિરાકરણ ન આવતાં રાજેન્દ્રનગર નજીક સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કિસાન સંઘ દ્વારા મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા ચક્કાજામ કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ચક્કાજામના કારણે હાઇવે પર અનેક વાહનોની લાંબી કતારો લાગી જતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો અને અગ્રણી કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં હજારો ખેડૂતો દ્વારા નેશનલ હાઇવે ચક્કાજામ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

કિસાનોને સમજાવ્યા બાદ ટ્રાફિક પૂર્વવત કરાવવામાં આવ્યો
ભારતીય કિસાન સંઘના આગેવાનોએ આક્રોશ વ્યકત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી છે. ખેડૂતોના પ્રશ્નો જેવા કે દિવસે 12 કલાક વીજળી આપવી, ટેકાના ભાવ જાહેર કરવા, ખેડૂતોને પાક વિમો તેમજ અન્ય પ્રશ્નો અંગે વારંવાર રજૂઆત કરવા છતા પણ કોઇ નિરાકરણ ન થતા રવિવારે રાજેન્દ્રનગર ચોકડી ખાતે ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો. તો કિસાનોને સમજાવ્યા બાદ ટ્રાફિક પૂર્વવત કરાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...