દુર્ગંધથી લોકો ત્રાહિમામ:હિંમતનગર ભગીની સમાજ દ્વારા ધુળેટી પર્વની ઉજવણી; સબજેલમાં લોકડાયરો યોજાયો; લો કોલેજમાં ગ્રાહક જાગૃતિ સેમિનાર

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર શહેરમાં આવેલી પ્રતિષ્ઠિત ભગીની સમાજની બહેનો દ્વારા ધુળેટી પર્વની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બહેનોએ વનભોજનનો આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમમાં ભગીની સમાજના પ્રમુખ ભારતીબેન વ્યાસ, ઉપપ્રમુખ ડાહીબેન પટેલ, ટ્રસ્ટી નિલાબેન પટેલ, સહમંત્રી હંસાબેન પિત્રોડા, મયુરાબેન, ગીતાબેન શાહ, છાયાબેન શાહ, ભજનુબેન,કુંદનબેન શાહ, રાજશ્રીબેન ત્રિવેદી, અર્ચનાબેન ભટ્ટ, અલ્પાબેન શાહ, દિવ્યાબેન પટેલ, જાગૃતિબેન નાયક અને ભગિની સમાજની દરેક બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

સંસ્કૃતિ વિકાસ ટ્રસ્ટ ઈડરના ઉપક્રમે કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી સાબરકાંઠા દ્વારા આયોજીત લોક ડાયરાનો કાર્યક્રમ હિંમતનગરની સબજેલ ખાતે યોજાયો હતો. ભારત સ્કાઉટ ગાઈડ સંઘના ચીફકમિશનર અને ભાજપના પૂર્વ પ્રદેશ સંગઠન મંત્રી અતુલભાઇ દીક્ષિતે બંદીવાનોને સજા માંથીમુક્ત થયા બાદ પરિવારજનોનું ધ્યાન રાખી સારા સમાજ કાર્યોમાં જોડાઈ ભારતના સારા નાગરિક બનવા અપીલ કરી હતી. આ પ્રસંગે હિંમતનગર પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, વિશ્વ ગુજરાતી સમાજ કેનેડા દેશના યુથ વિંગના બ્રીટેશ કોલમ્બિયા સ્ટેટના કન્વીનર જીલ દીક્ષિત ઉપસ્થિત રહ્યા હતા. જેલ અધિક્ષક ચાવડા અને દેસાઈએ ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કર્યા હતા.

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લો કોલેજ હિંમતનગર અને ગ્રાહક તકરાર નિવારણ કમિશન સાબરકાંઠા હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે ગુરૂવારના રોજ ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૨૦૧૯ હેઠળ ગ્રાહક જાગૃતિ અભિયાન સેમીનારનું આયોજન કોલેજમાં કરવામાં આવ્યુ હતુ. કમિશનના પ્રમુખ એ.એસ ગઢવી દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને ગ્રાહકના અધિકારો, ફરિયાદ કરવાની પ્રક્રિયા, કમિશનની ભૂમિકા અને સત્તાઓ વિશે મહત્વપુર્ણ માહિતી આપી હતી. જેમાં કોલેજના કા. પ્રિન્સિપાલ ર્ડા.બિનલબેન પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમનું સંચાલન કોર્ડીનેટર ર્ડા.વૈદેહી પંડ્યા દ્વારા કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમના અંતે ર્ડા.જયપ્રકાશ જાની દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. સ્ટાફ અને વિદ્યાર્થીઓના સાથ સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

જીઆઇડીસીમાં આવતી દુર્ગંધથી લોકો ત્રાહિમામ...
તલોદ શહેરમાં આવેલી જીઆઇડીસીમાં અનેક ફેક્ટરીઓ આવેલી છે. જેના કારણે વાયુ પ્રદુષણ તેમજ અસહ્ય દુર્ગંધથી જનજીવનને વ્યાપક અસર થઇ રહી છે. ત્યારે રામપુરના ગ્રામજનોએ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનને લેખિત જાણ કરી હતી. ફેક્ટરીઓમાંથી સાંજના સમયે આવતી દુર્ગંધ દુર કરવા માટેની માંગ કરી હતી.

આ અંગે રામપુરા ગ્રામજનો અને ખેડૂતોએ જણાવ્યું હતું કે, રામપુર સહિતના આસપાસના વિસ્તારમાં તલોદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી અનેક ફેક્ટરીઓ દ્વારા પ્રદુષણ નિયંત્રણ વિભાગના નિયમોનું સરેઆમ ઉલ્લઘન કરવામાં આવે છે. સાંજના સુમારે અસહ્ય ધુમાડા અને દુર્ગંધથી સ્થાનિક લોકોને ખુબજ મુશ્કેલી પડે છે. અસહ્ય દુર્ગંધના કારણે લોકોના જનજીવનને પણ નુકશાન થયુ છે. અનેક લોકો બિમારીમાં સપડાયા છે. વાયુ પ્રદુર્ષણના કારણે આસપાસના ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને પણ નુકશાન થાય છે. તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતા પણ પ્રદુષણ ઓકતી ફેક્ટરીઓના માલિકો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓ પણ માત્ર ફેક્ટરીઓમાંથી હપ્તા ઉઘરાવી રહ્યા હોય તેમ માત્ર કાગળ ઉપર કાર્યવાહી કરીને કામગીરી કર્યાનો સંતોષ માને છે. વારંવાર રજૂઆત કરવા છતા પણ આ ફેક્ટરીઓ વિરુદ્ધ કેમ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી? રામપુરાના ગ્રામજનોએ જણાવ્યુ હતું કે, આસપાસની ફેક્ટરીઓમાંથી પહેલાથી દુર્ગંધ બંધ કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે અને આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ગર્ભીત ચિમકી ઉચ્ચારી હતી. તલોદ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનને પત્ર લખીને પણ લેખિતમાં ફરિયાદ કરી હોવાનુ ગ્રામજનોએ વધુમાં જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...