ચકચાર:હિંમતનગરમાં ગરમ મસાલા વેચનાર પાસેથી બુલેટ અને કાર પડાવી લીધી

હિંમતનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠામાં વ્યાજખોરીની વધુ ત્રણ ફરિયાદ નોંધાતાં ચકચાર

સરકારે વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ કર્યા બાદ સમગ્ર રાજ્યના પોલીસબેડામાં હિસ્ટીરિયા જેવી મનોસ્થિતિ જોવા મળી રહી છે અને અત્યાર સુધી કાનૂની કાર્યવાહીથી બચી રહેલા વ્યાજખોરો વિરુદ્ધ અચાનક ફરિયાદો નોંધાવાની શરૂ થઈ ગઈ છે. જોવું રહ્યું કે આરોપી બનાવાયેલ વ્યાજખોરો વિરુદ્ધ કેવી કડક કાર્યવાહી થાય છે અને વ્યાજખોરોના શોષણથી પાયમાલ થઈ ચૂકેલ અરજદારો વ્યાજખોરોની ચુંગાલમાંથી આઝાદ થઈ શકે છે કે નહીં. હિંમતનગરમાં રોજનું 10 ટકા વ્યાજ વસૂલતા વ્યાજખોરોની પણ કમી નથી.

કિસ્સો -1 10,000 આપી 33 હજાર વ્યાજ વસૂલ્યું, બીજીવાર 35000 આપી 54000 વ્યાજ વસૂલ્યું છતાં 2 લાખ બાકી
હિંમતનગરના માળીના છાપરીયામાં ભાડાના મકાનમાં રહેતા રાબિયાબેન મહેરબાન રોશનખાન મીરના પિતા બીમાર થવાને પગલે તેમને પૈસાની જરૂર ઊભી થતાં મહોલ્લામાં રહેતા અન્ય એક મહિલાના માધ્યમથી મહેતાપુરામાં ફાયનાન્સ ચલાવતા દશુભાઈ નથ્થુભાઈ રબારી પાસેથી ₹100 ના સ્ટેમ્પ પર લખાણ કરી 10,000 માંથી 3000 એડવાન્સ કાપી લઈ પૈસા આપ્યા હતા.

આ પૈસા ભરપાઈ કર્યાના ત્રણેક મહિના બાદ રાબીયાબેનના ભાઈની સગાઈ કરવાની હોવાથી 35,000 ની જરૂર ઊભી થતાં ફરીથી દશુભાઈ નથ્થુભાઈ રબારી પાસે જતા ₹15,000 વ્યાજ એડવાન્સ કાપી લઈ ₹35,000 આપ્યા હતા અને આ પૈસાની સામે 54000 ભરી દીધા બાદ પણ દશુભાઈ નથુભાઈ રબારી અને તેનો મિત્ર સુરજસિંહ ઉર્ફે સુરેશ દિલીપસિંહ પરમાર અવારનવાર તમારા પૈસા બાકી છે તે ભરી દો કહી ધમકાવતા હતા અને બે લાખ આપવાના બાકી છે એમ કહી અપશબ્દો બોલી ધમકાવતા હતા. ફરિયાદમાં પુરાવા રૂપે હપ્તાના જેમ જેમ પૈસા જમા કરાવ્યા હતા અને ડાયરીમાં એન્ટ્રી કરાવી હતી તે ડાયરી પણ રજૂ કરી છે.

કિસ્સો- 2 હિંમતનગરમાં ~50,000 સામે ~₹35000 આપી ₹~67200 વસૂલ્યા છતાં હજુ ~48000 બાકી
હિંમતનગરના મહેતાપુરામાં રહેતા હેમલત્તાબેનના પતિ પરેશકુમાર વાસુદેવભાઈ ઉપાધ્યાય બે વર્ષ અગાઉ લોકડાઉન દરમિયાન તેમની માતાની તબિયત સારી ન હોય મહેતાપુરા બ્રહ્માણીનગરમાં રહેતા હર્ષ ઉર્ફે અકુભાઈ નથુભાઈ દેસાઈ પાસેથી માસિક 5 ટકાના વ્યાજે એડવાન્સ કપાવી 25000 લીધા હતા અને 16 હપ્તામાં કુલ 39200 ચૂકવી પણ દીધા હતા.

ત્યારબાદ કોરોનામાં ધંધો ચાલતો ન હોઇ ઇકોના હપ્તા ભરવા ₹15,000 લીધા હતા જે પણ એડવાન્સ 3750 વટાવ કપાવી 16 હપ્તામાં કુલ 16,800 ચૂકવ્યા હતા તે પછી હેમલતાબેન બીમાર પડતા રૂ. 10,000 લીધા હતા તેમાં પણ વટાવ કાપી પૈસા ચૂકવી દીધા હતા અલગ અલગ સમયે કુલ રૂપિયા 50,000 લઈ વટાવ અને વ્યાજ સાથે 67,200 ચૂકવી દીધા હોવા છતાં હર્ષ ઉર્ફે અકકુભાઇ નથ્થુભાઈ દેસાઈ એ રૂપિયા 48000 બાકી છે કહી મારી નાખવાની ધમકી આપી ચેક પરત ન આપતાં ઊંચા વ્યાજ દરના ચક્કરમાંથી બહાર કાઢવા હેમલતાબેને બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

કિસ્સો- 3 50,000 વ્યાજે લીધા, બે માસનું 10,000 એડવાન્સ વ્યાજ કાપી બુલેટ-આઇ ટવેન્ટી પડાવી લીધા
હિંમતનગરના સવગઢમાં મદની સોસાયટીમાં રહેતા અને ગરમ મસાલા સેલિંગનું કામ કરતા અનિશ દિલાવર અબ્દુલસત્તાર મેમણને પાંચેક મહિના પહેલા વ્યાપાર કરવા ગરમ મસાલા લાવવાના હોવાથી અને પૈસાની વ્યવસ્થા ન હોવાથી સની બાપુને વાત કરતા ગાંભોઈમાં કિરપાલસિંહ (રહે.ગાંભોઈ)ની મોબાઈલની દુકાન ઉપર બે મહિનાનું 10,000 વ્યાજ કાપી ₹40,000 અનિશભાઈ ને આપ્યા હતા જેના બદલામાં કિરપાલસિંહ અને સની બાપુએ બે કોરા ચેક લીધા હતા અને આ નાણાંની સિક્યુરિટી પેટે બુલેટ નંબર જીજે-01-પીએન-0313 સની બાપુએ તેમની પાસે રાખેલ લીધું હતું.

આ નાણાં બે મહિનામાં પરત આપી દેવાની વાત થઈ હતી પરંતુ અનીશભાઈ નાણાં પરત ન કરી શકતાં તા. 20-12-22ના રોજ અનિશભાઈ તેમની આઈ 10 નંબર જીજે-13-સીસી-1591 લઈ ગરમ મસાલાનું સેલિંગ કરવા નીકળતા ગાંભોઈ ત્રણ રસ્તા ખાતે કિરપાલસિંહે અનીશભાઈને અપશબ્દો બોલી આઈ 10 ચાવી કાઢી લઈ ગાડીમાંથી ઉતારી દઈ ગાડી લઈ લીધી હતી. અનિશભાઈના જણાવ્યાનુસાર બુલેટ અને આઈ 10 પડાવી લીધી હોવા છતાં પેનલ્ટી સાથે રૂ.1.10 લાખનો હિસાબ બાકી હોવાનું બતાવી ધમકીઓ આપી ટોર્ચર કરાઇ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...