KRSFએ VSSMની સાથે સહયોગ સાધ્યો:બંને સંસ્થાઓ ખભાથી ખભો મિલાવી કામ કરશે; વૃદ્ધોને કમ્યુનિટી કિચનમાંથી રાંધેલું ભોજન પૂરું કરાશે

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શૈક્ષણિક ક્ષેત્રમાં પોતાના સફળ હસ્તક્ષેપોની પહોંચને ગુજરાતની વિચરતિ જાતિઓ સુધી વિસ્તારવા માટે ડૉ. કે.આર. શ્રોફ ફાઉન્ડેશન (KRSF)એ જનકલ્યાયણની કામગીરીઓ સાથે સંકળાયેલી અમદાવાદ-સ્થિત નોટ-ફૉર-પ્રોફિટ સંસ્થા વિચરતા સમુદાય સમર્થન મંચ (VSSM)ની સાથે સહયોગ સાધ્યો છે. VSSM ગુજરાતની વિચરતિ જાતિઓ અને વિમુક્ત સમુદાયોનું સશક્તિકરણ કરવાની દિશામાં કામ કરે છે. આ સહયોગના ભાગરૂપે બંને સંસ્થાઓ શિક્ષણના ક્ષેત્રમાં તો કામ કરશે જ પરંતુ તેની સાથે-સાથે નાણાંકીય સહાય પૂરી પાડવાનું શક્ય બનાવનારી વિવિધ પહેલ હાથ ધરશે તથા આ સમુદાયોના એકંદર કલ્યાણ પર લક્ષિત હોય તેવા પર્યાવરણ, જળસંરક્ષણ અને વૃદ્ધોની કાળજીને લગતા પ્રોજેક્ટ્સને ભંડોળ પણ પૂરું પાડશે.

લાંબાગાળે તેમની આજીવિકા પર જોખમ
મુખ્ય પ્રવાહનું ઔપચારિક શિક્ષણ એ ગુજરાતના વિચરતા સમુદાયો સામે રહેલો સૌથી મોટો પડકાર છે. VSSMના સ્થાપક મિત્તલ પટેલે સમજાવ્યું હતું કે, આ સમુદાયના પરિવારો સતત વિચરતા રહે છે. અહીં કોઇપણ મહેસૂલી ગામ હેઠળ નોંધણી પામ્યાં વગર અથવા ઓળખ કે સરનામાના કોઇપણ પુરાવા વગર આ સમુદાયના બાળકોને ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લાંબાગાળે તેમની આજીવિકા પર જોખમ તોળાયેલું રહે છે. કારણ કે, તેમની પાસે કોઈ ઔપચારિક નોકરી પણ હોતી નથી.

પરિવર્તન લાવવાની દિશામાં કામ
છેલ્લાં એક દાયકામાં KRSF ગુજરાતના 480 ગામોમાં આવેલી 512 જેટલી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવામાં નોંધપાત્ર પરિવર્તન લાવવાની દિશામાં નિરંતરપણે સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે.

VSSMને આર્થિક યોગદાનો પણ આપ્યાં
આ સહયોગના ભાગરૂપે KRSF વિચરતિ જાતિઓને પણ શિક્ષણ પૂરું પાડવાના તેના વ્યાપક પ્રયાસોને વિસ્તારશે. KRSFના સ્થાપક શ્રી પ્રતુલ શ્રોફે જણાવ્યું હતું કે, KRSFના પ્રયત્નોને કારણે વિચરતિ જાતિઓના બાળકોને તેમની હોસ્ટેલોમાં ઉચ્ચ-ગુણવત્તાનું મૂલ્ય-આધારિત શિક્ષણ પ્રાપ્ત થશે. નિરંતર પ્રયાસોને પગલે વર્ષ 2022માં ઓછામાં ઓછા 92% વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા પાસ કરી શક્યાં હતાં. આ ઉપરાંત KRSFએ માણસામાં આવેલી VSSMની હોસ્ટેલમાં રહેતા 300 બાળકો માટે કરિયાણું, કપડાં તેમજ સ્ટેશનરી ખરીદવા અને આંતરમાળખાંની જાળવણી કરવા જેવી અન્ય દૈનિક કામગીરીઓમાં સહાયરૂપ થવા માટે VSSMને આર્થિક યોગદાનો પણ આપ્યાં છે.

હકારાત્મક પ્રભાવ પાડવામાં મદદરૂપ: પ્રતુલ શ્રોફ
પ્રતુલ શ્રોફે વધુ જણાવ્યું હતું કે, KRSF સમાજના કલ્યાણ અને વંચિત સમુદાયોના ઉત્થાન માટે સહયોગી NGOમાં યોગદાન આપવા અને તેમની સાથે સહયોગ સાધવા માટે કટિબદ્ધ છે. VSSM સાથેનું જોડાણ KRSFને તેના પ્રયાસોની ક્ષિતિજને શૈક્ષણિક ક્ષેત્રથી આગળ વિસ્તારવામાં અને અન્ય ક્ષેત્રોમાં પણ હકારાત્મક પ્રભાવ પાડવામાં મદદરૂપ થાય છે.

'ત્રણ ક્ષેત્રોના પ્રોજેક્ટ્સ પર કામ કરવા VSSM સાથે સહયોગ'
શિક્ષણના મૂળભૂત ક્ષેત્ર ઉપરાંત KRSF વધુ ત્રણ ક્ષેત્રોના પ્રોજેક્ટ્સ પર્યાવરણ અને જળસરંક્ષણ, વૃદ્ધોની કાળજી અને આર્થિક સહાય પર કામ કરવા માટે VSSM સાથે સહયોગ સાધશે.

'ઉદ્યોગસાહસિક પ્રવૃત્તિઓ માટે વ્યાજમુક્ત લૉન પ્રાપ્ત થઈ'
VSSM પહેલેથી જ સ્વાવલંબન પ્રોગ્રામ લૉન્ચ કરી ચૂક્યું છે. જેના હેઠળ વિચરતિ જાતિના 6 હજાર લોકો અને પરિવારોને તેમની ઉદ્યોગસાહસિક પ્રવૃત્તિઓ માટે વ્યાજમુક્ત લૉન પ્રાપ્ત થઈ હતી.

VSSMને KRSF ભંડોળ પૂરું પાડશે: પ્રતુલ શ્રોફ
પ્રતુલ શ્રોફે જણાવ્યું હતું કે, આ પહેલની રચના તેમના વ્યવસાયોમાં પ્રાણ ફૂંકવા, તેમને ફરજિયાતપણે માસિક બચત કરવા માટે પ્રોત્સાહિત કરવા, ખાસ કરીને તેમને વ્યાજના વિષચક્રમાંથી મુક્ત થવા માટે સક્ષમ બનાવવા અને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે કરવામાં આવી છે. VSSM આ પ્રોગ્રામમાં તેની કામગીરીને વિસ્તારી શકે તે માટે KRSF તેને ભંડોળ પૂરું પાડશે.

'2023માં તળાવો અને ચેક ડેમોનો લક્ષ્યાંક'
આથી વિશેષ, આ બંને સંસ્થાઓ વચ્ચેના ગઠબંધન હેઠળ ગામના તળાવોમાંથી કાંપ કાઢીને અને આ તળાવોને ઊંડા બનાવીને પાણીની પર્યાપ્તતા વધારી ઉત્તર ગુજરાતમાં પાણીના મેનેજમેન્ટમાં સહયોગ સાધવાની પણ પરિકલ્પના કરવામાં આવી છે. આ બંને સંસ્થાઓએ વર્ષ 2023માં 25 તળાવો અને કેટલાક ચેક ડેમો બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.

'અત્યાર સુધી 40 હજાર વૃક્ષો વાવવામાં આવ્યાં'
હરિયાળા આવરણને સુધારવા પર કેન્દ્રીત VSSMના આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં 40 હજાર વૃક્ષો વાવવામાં આવ્યાં છે. આગામી વર્ષે આ પ્રોજેક્ટ હેઠળ વધુ 2.5 લાખ વૃક્ષો વાવી શકાય તે માટે KRSF તેને ભંડોળ પૂરું પાડશે.

'વૃદ્ધોને કમ્યુનિટી કિચનમાંથી રાંધેલું ભોજન પૂરું કરાશે'
ઘણીવાર એમ બને છે કે આ વિચરતા સમુદાયના વૃદ્ધોની કાળજી લેનારું કોઈ હોતું નથી. KRSF અને VSSMની માવજત પહેલને પણ ભંડોળ પૂરું પાડશે, જેના ભાગરૂપે આ સમુદાયોના ઓછામાં ઓછા 100 બીમાર વૃદ્ધોને કમ્યુનિટી કિચનમાંથી રાંધેલું ભોજન પૂરું પાડવામાં આવશે.

'લોકો ચોક્કસપણે આત્મનિર્ભર બની શકશે'
આ સહયોગ પર વાત કરતાં સુશ્રી મિત્તલ પટેલે જણાવ્યું હતું કે, KRSF તરફથી પ્રાપ્ત થતું ભંડોળ અને સંસાધનોની સહાય વિચરતા સમુદાયોના જીવનના ધોરણને સુધારવામાં લાંબાગાળા માટે સહાયરૂપ થશે. તેમના સાર્વત્રિક અભિગમ અને નિરંતર સમર્થનને કારણે આ સમુદાયના લોકો ચોક્કસપણે આત્મનિર્ભર બની શકશે.

અન્ય સમાચારો પણ છે...