તલોદના માંઢવાકંપા નજીક હરસોલ રણાસણ રોડ પર શનિવારે બપોરે ત્રણેક વાગે બે બાઈક સામસામે ટકરાતાં બંને બાઈકચાલકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે દાખલ કરાયો હતો.
ધનસુરાના કીડી આમોદરાના સંજયસિંહ ચૌહાણ તા.4-3-23 ના રોજ હોળી નિમિત્તે જેમ આપવા ભરડીયા ગયા બાદ તેની સાસરી પ્રાંતિજના નાની ભાગોળમાં થતી હોવાથી પ્રાંતિજ ગયો હતો અને બપોરે સાડા ત્રણેક વાગ્યાના સુમારે તેના પિતા શિવસિંહ રામસિંહ ચૌહાણે ફોન કરતાં ફોન રિસીવ કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે આ બાઈક ચાલકનો બીજા બાઇક સાથે અકસ્માત થયો છે અને બંને જણાને તલોદ સિવિલમાં લવાયા છે.
જેથી શિવસિંહ ચૌહાણ તલોદ સિવિલમાં પહોંચ્યા હતા અને ત્યાં ગયા બાદ તેમને વિગત મળી હતી કે તેમનો દીકરો બાઈક નંબર જીજે-09-એઆર-4836 લઈને હરસોલ રાણાસણ રોડ પર માઢવા કંપા પાસે થી પસાર થઈ રહ્યો હતો અને તલોદ તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન બાઈક નંબર આરજે-12- ચએસ-1657 નો ચાલક બે સવારીમાં ગાંભોઈ તરફ જઈ રહ્યો હતો અને બંને બાઈક સામસામે ટકરાતાં રાજસ્થાનના બાઈક ચાલક અશોક કાંતિભાઈ ડામોર (રહે.ગામડી તા.વીંછીવાડા જિલ્લો ડુંગરપુર) અને સંજય સિંહ ચૌહાણ (રહે. કીડી આમોદરા તા.ધનસુરા) બંને જણા રોડ પર પટકાયા હતા અને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થતા બંનેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું જ્યારે રાજસ્થાનના મૃતક સાથે મુસાફરી કરી રહેલ યુવકને પણ ગંભીર ઇજાઓ તથા સારવાર અર્થે લઈ જવાયો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.