રાજકીય ગરમાવો:ભાજપ દ્વારા 38 દિવસનો પ્રજાનો સંપર્ક કરો સહિત કાર્યક્રમો જ્યારે કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી સાથેના મુદ્દ ઉઠાવશે

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ બંને ઇલેક્શન મોડમાં

વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું હોય તેમ ભાજપ-કોંગ્રેસ બંને રાજકીય પક્ષો ઇલેક્શન મોડમાં આવી ગયા છે વિધાનસભા ચૂંટણીને 6 માસ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા તા.29/05/22 થી 38 દિવસના ચૂંટણીલક્ષી આયોજન પર કામ શરૂ કરી દેવાયુ છે. જેમાં કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓને ઉજાગર કરતી પુસ્તિકા અને ગીતનું વિમોચન કરવા સહિત 75 કલાકના જનસંપર્કની ધારાસભ્યો, સંસદસભ્યો, જિલ્લા-મંડલના હોદ્દેદારોને જવાબદારી સોંપી દેવાઇ છે.

1 લી જૂને કાર્યકરો પાસેથી ચૂંટણી ફંડ પણ એકત્રિત કરાયું હતું. 38 દિવસ દરમિયાન પ્રાથમિક સદસ્યતા અભિયાન 20 ટકા વધારા સાથે, ફૂલછોડ કુંડાનું વિતરણ, બૂથ સશક્તિકરણ, આંગણવાડી - આશાવર્કરોનો સંપર્ક મિટિંગ કરી તેમનો અસંતોષ દૂર કરવો, બાબાસાહેબ આંબેડકર છાત્રાલયની મુલાકાત, અનુ. જનજાતિ સમુદાય સાથે ખાટલા બેઠક, દરેક વિધાનસભા વર્કશોપ, બક્ષીપંચ જ્ઞાતિ સમૂહ સાથે બેઠકો, સરકારે મેળવેલ સિદ્ધિઓ બાબતે પ્રજાનો રીવ્યુ, વગેરેની સંલગ્ન સેલને જવાબદારી સોંપી દેવાઈ છે અને તા.05/07/22 ના રોજ 38મા દિવસે બૂથ સશક્તિકરણ એસેસમેન્ટ રિપોર્ટ તૈયાર કરાશે.

બીજી બાજુ કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓને લઈને પ્રજા સમક્ષ જવાનું આયોજન કરાઇ રહ્યું છે જેમાં નિયમિત અંતરાલે પ્રદેશમાંથી નેતાઓ ઉપસ્થિત રહેનાર છે. કોંગ્રેસ દ્વારા ભાજપની કેન્દ્રની સરકાર મોંઘવારી અને બેરોજગારીને નાથવામાં નિષ્ફળ ગઈ હોવાનું પૂરવાર કરવા પૂરો પ્રયાસ થનાર છે. બંને પક્ષોનાે કાર્યક્રમોની હારમાળાથી રાજકીય ગરમાવો આવી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...