ચૂંટણી જંગ:હિંમતનગર બેઠક પર ભાજપ પાટીદારને ટિકિટ આપી શકે છે

હિંમતનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે ભાજપ દ્વારા ઉમેદવારના નામની વિધિવત જાહેર કરવાની સંભાવના,પાટીદાર ઉમેદવાર માટે લોબિંગ થતાં હિંમતનગર બેઠકનું કોકડું ગૂંચવાયું
  • હિંમતનગર​​​​​​​ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાને કાપવા પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરતાં અને રાજ્ય કિસાન મોરચાના પ્રમુખ હિતેશ પટેલનું નામ આગળ કરાયું

સાબરકાંઠા જિલ્લાની ચાર બેઠકો પૈકી સૌથી મહત્વની હિંમતનગર બેઠક વિવાદાસ્પદ બની ગયા બાદ છેલ્લે મળતી માહિતી અનુસાર પાટીદાર ઉમેદવારની પસંદગીને મંજૂરીની મ્હોર લગાવી દેવાઇ છે અને સોમવારે ઉમેદવારના નામની વિધિવત જાહેરાત કરવામાં આવનાર હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. ત્યારે હિંમતનગર બેઠકનો ચૂંટણી જંગ રસપ્રદ બની ગયો છે અને ભાજપ કોંગ્રેસ બંને પાટીદાર ઉમેદવાર ઉતારવાની સ્થિતિમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ ઘેલમાં આવી જાય એ સ્વાભાવિક છે.

સામાન્ય રીતે વિકાસની વાતો વચ્ચે જ્ઞાતિ સમીકરણ આધારિત જ ચૂંટણી જંગ લડવામાં આવે છે કોઈપણ રાજકીય પક્ષ જ્ઞાતિ સમીકરણો જોઈને જ ઉમેદવારની પસંદગી કરે છે ભાજપે સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં સાત પૈકી 6 બેઠકો પર એક પણ પાટીદારને મોકો ન આપતા હિંમતનગર બેઠક માટે પાટીદાર ઉમેદવાર માટે દબાણ થઈ રહ્યું હતું.

હિંમતનગર બેઠક પર ઠાકોર ક્ષત્રિય મતદારોનું 32 ટકાથી વધુ પ્રતિનિધિત્વ છે અને તેથી જ હિંમતનગર બેઠક ઠાકોર ક્ષત્રિય ઉમેદવારની પસંદગી થશે તેવું માનવામાં આવી રહ્યું હતું પરંતુ ગુરુવારે ભાજપે હિંમતનગર બેઠક પર ઉમેદવારની જાહેરાત ન કર્યા બાદ આ બેઠક ચર્ચાસ્પદ બનવાની સાથે વિવાદાસ્પદ પણ બની ગઈ છે.

ભાજપના વિશ્વસ્ત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ચાલુ સપ્તાહમાં ચિત્ર બદલાઈ ગયું છે અને પાટીદાર ઉમેદવાર માટે લોબિંગ થતાં હિંમતનગર બેઠકનું કોકડું ગૂંચવાયું છે. હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાને કાપવા માટે પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરતાં અને રાજ્ય કિસાન મોરચાના પ્રમુખ હિતેશ પટેલનું નામ આગળ કરવામાં આવ્યું છે અને મહદઅંશે તેમના નામ પર સહમતિ સધાઈ ગઈ છે છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર નહીં થાય તો પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરવાની તક તેમને જ મળનાર હોવાનું માનવામાં આવી રહ્યું છે અને સોમવારે તેમના નામની વિધિવત જાહેરાત થઈ જનાર હોવા અંગે સંભાવના વ્યક્ત થઈ રહી છે.

અત્રે નોંધનીય છે કે 78 હજારથી વધુ ઠાકોર ક્ષત્રિય મતદાર ધરાવતી હિંમતનગર બેઠક પર પહેલા કોંગ્રેસ અને હવે ભાજપ પાટીદાર ઉમેદવાર ઉતારે છે તો આમ આદમી પાર્ટીના ઠાકોર ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરતા ઉમેદવારને ઠાકોર ક્ષત્રિય મતનું ધ્રુવીકરણ કરવામાં ઝાઝી મહેનત નહીં કરવી પડે એવું માનવામાં આવી રહ્યું છે. તદુપરાંત વર્તમાન ધારાસભ્યના નામની જાહેરાત ન થતાં બ્રાહ્મણ ઓબીસી દાવેદારોમાં પણ આશાનું કિરણ જોવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...