ઇડર બેઠક પરથી હિતુ કનોડીયાની બાદબાકી:ભાજપે પ્રાંતિજથી ગજેન્દ્રસિંહ પરમાર, ખેડબ્રહ્માથી અશ્વિન કોટાવાલ અને ઇડરથી રમણ વોરાને ઉમેદવારો જાહેર કર્યા

સાબરકાંઠા (હિંમતનગર)21 દિવસ પહેલા

વિધાનસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ ભાજપ દ્વારા ગુરૂવારે સવારે પ્રાંતિજ, ઇડર અને ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રાંતિજ બેઠક પરથી ગજેન્દ્રસિંહ પરમાર, ખેડબ્રહ્મા બેઠક પરથી અશ્વિન કોટાવાલ અને ઇડર બેઠક પરથી રમણ વોરાના નામની જાહેરાત કરાઈ છે.

આપએ યુવા અલ્પેશ પટેલને ટિકિટ આપી
પ્રાંતિજ વિધાનસભા બેઠક પર 44 વર્ષીય રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપવામાં આવી છે. ગજેન્દ્રસિંહ પરમાર તલોદ તાલુકાના વકતાપુર ગામના વતની છે. ગત વખતે તેઓ કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ બારૈયાને હરાવીને વિધાનસભા બેઠક પર જીત મેળવી હતી. જોકે, આ વખતે મહેન્દ્રસિંહ બારૈયાએ કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ મેળવી લીધો છે. મોવડી મંડળે ગજેન્દ્રસિંહ પરમારના નામની મહોર મારી છે. આમ આદમી પાર્ટી દ્વારા પાટીદાર યુવા અલ્પેશ પટેલને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત બાકી છે.

આપ તરફથી બિપીન ગામેતીને ટિકિટ
ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર 58 વર્ષીય અશ્વિન કોટવાલના નામની જાહેરાત થતાં જ સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી છે. અશ્વિન કોટવાલએ વિજયનગર તાલુકાના પરવઠ ગામના વતની છે અને વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં હતા. કોંગ્રેસે હજુ સુધી ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર કોઇ ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. આમ આદમી પાર્ટી તરફથી બિપીન ગામેતીને ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસે રામા સોલંકીને ટિકિટ આપી
ઇડર વિધાનસભા બેઠક પર વર્તમાન ધારાસભ્ય હિતુ કનોડીયાની ટિકિટ કાપીને 70 વર્ષીય રમણ વોરાના નામની જાહેરાત કરવામાં આવી છે. રમણ વોરા અગાઉ વિધાનસભાના બેઠક પરથી જીત મેળવી ચૂક્યા હતા, પરંતુ ગત વિધાનસભા બેઠક પર હિતુ કનોડીયાને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે રમણ વોરાને દશાડા બેઠક પર ટિકિટ આપીને ચૂંટણી લડાવી હતી. દશાડા બેઠક પર રમણ વોરાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઇડર વિધાનસભા બેઠક પર કોંગ્રેસે રામા સોલંકી તથા આમ આદમી પાર્ટી દ્વારા જયંતિ પ્રણામીને ટિકિટ આપવામાં આવી છે. હિંમતનગર વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા હજુ સુધી વિધિવત રીતે કોઇ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી. તો કોંગ્રેસમાંથી કમલેશ પટેલ અને આમ આદમી પાર્ટીમાંથી નિર્મલસિંહ પરમારને ઉમેદવાર જાહેર કર્યાં છે.

જિલ્લામાં પ્રથમ દિવસે 25 ઉમેદવારી પત્રો ઉપડ્યા
સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા વિભાગમાં નોમીનેશનની પ્રકિયાનો આજથી પ્રારંભ થઇ ગયો છે. તો જિલ્લામાં પ્રથમ દિવસે 25 ફોર્મ ઉપડ્યા, જેમાં હિંમતનગરમાં 8, ઈડરમાં 8, ખેડબ્રહ્મા 7 અને પ્રાંતિજમાં 2 ઉમેદવારી પત્રો ઉપડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...