સાબરકાંઠા જીલ્લાની પ્રાંતિજ વિધાનસભા બેઠક પર ભાજપ અને ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર કોંગ્રસના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તો બુધવારે ઇડર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરશે.
ગજેન્દ્રસિંહ પરમારે જંગી મતોથી વિજયી થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
પ્રાંતિજ-તલોદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારે માતા-પિતાના આશીર્વાદ લઇ તલોદ ખાતે ચૂંટણી કાર્યાલય ખુલ્લુ મુક્યું હતું. ત્યારબાદ પ્રાંતિજના ભાખરિયા વિસ્તારમાં સભા યોજાઈ હતી. જેમાં સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણ સહિત તાલુકાના અને જિલ્લાના સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. તો સભા પૂર્ણ થયા બાદ કાર્યકર્તા સાથે પદયાત્રા કરી પ્રાંત કચેરી પહોંચ્યા હતા. જ્યાં ગજેન્દ્રસિંહ પરમારે ટેકેદારો સાથે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યા બાદ શપથ લીધા હતા. ગજેન્દ્રસિંહ પરમારે જંગી મતોથી વિજયી થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તુષાર ચૌધરીએ જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી સ્વ. અમરસિંહ ચૌધરીના પુત્ર પૂર્વ કેન્દ્રિય મંત્રી તુષાર ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ કોંગ્રેસનો પંજો છોડી ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ ખેડબ્રહ્મા વિધાનસભાની કોંગ્રેસની બેઠક માટે પુર્વ મુખ્ય પ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર અને પુર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીને ઉમેદવાર તરીકે કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. ઉમેદવારી પત્ર ભરવા આદિવાસી નૃત્ય સાથે કોંગ્રેસના જય કારા બોલાવી પ્રાંત કચેરી કાર્યકર્તા સાથેની વિશાળ રેલી ખાતે પ્રાંત કચેરી પહોંચી હતી. જ્યાં તુષાર ચૌધરીએ ઉમેદવારી ફોર્મ ભરીને કાર્યકર્તાઓને સંબોધન કર્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. તો તુષાર ચૌધરીએ ખેડબ્રહ્મા વિધાનસભા જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
રામભાઈ સોલંકી પોતાનું ઉમેદવારી પત્ર બુધવારે ભરશે
ઇડર વિધાનસભા બેઠક પર બુધવારે કોંગ્રેસના ઉમેદવાર રામભાઈ સોલંકી પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. રામભાઈ સોલંકી 2012 વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રહ્યાં હતા. તેમની સામે જે તે સમયે રમણલાલ વોરા ઉમેદવાર હતા અને રામભાઈ સોલંકીનો પરાજય થયો હતો. ત્યારબાદ ફરી એકવાર કોંગ્રેસમાંથી રામભાઈને ઉમેદવાર જાહેર કર્યા છે. ત્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રથમ સભા યોજાશે. ત્યારબાદ કાર્યકર્તા અને સમર્થકો સાથે રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચી રામભાઈ સોલંકી પોતાનું ઉમેદવારી પત્ર ભરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.