ચાર બેઠક માટે 75 ઉમેદવારી પત્રો ભરાયા!:હિંમતનગરમાં ભાજપ અને પ્રાંતિજમાં કોંગ્રેસના ઉમેદવારે સમર્થકો સાથે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું

સાબરકાંઠા (હિંમતનગર)3 મહિનો પહેલા

સાબરકાંઠા જીલ્લામાં ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે હિંમતનગરમાં ભાજપના ઉમેદવાર વી.ડી.ઝાલાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તો પ્રાંતિજ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના બેચરસિંહ રાઠોડે પોતાનું ઉમેદવારી પત્ર ભયું હતું. ચાર વિધાનસભામાં 75 ઉમેદવારી પત્રો ભરાયા છે.

સાબરકાંઠાની બેઠકો પર કુલ 75 ઉમેદવારી પત્રો ભરાયા
સાબરકાંઠા જીલ્લામાં 10 નવેમ્બરે જાહેરનામુ બહાર પાડ્યા બાદ સાત દિવસમાં ઉમેદવારી પત્ર વિતરણ થયું હતું અને ત્યારબાદ જીલ્લામાં ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ઉમેદવારોએ અને ડમી ઉમેદવારો સમર્થકો સાથે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. હિંમતનગર વિધાનસભામાં 24, ઇડર વિધાનસભામાં 15, ખેડબ્રહ્મા વિધાનસભામાં 16 અને પ્રાંતિજ વિધાનસભામાં 20 મળી કુલ 75 ઉમેદવારી પત્રો ભરાયા હતા.

સી.આર.પાટીલની અધ્યક્ષતામાં જંગી જાહેરસભા યોજાઈ
ગુજરાત વિધાનસભામાં બીજા તબક્કાના મતદાન માટે આજે હિંમતનગર વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય પદ માટે વીડી ઝાલાએ ઉમેદવારી નોંધાવી છે. આ તબક્કે હિંમતનગરના ટાવર ચોકમાં આવેલ ભગવાન પરશુરામ પાર્કમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં જંગી જાહેરસભા યોજાઈ હતી. તેમજ વિજયનો વિશ્વાસ રજૂ કરવામાં આવ્યો હતો. આ તબક્કે બોલતા વી.ડી ઝાલાએ જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં ભાજપની સ્થાપના કરવામાં અમારી પાયાની ભૂમિકા રહી છે, તેમજ આગામી સમયમાં હિંમતનગરમાં ફરી એકવાર ભાજપના ઉમેદવારની જીત થશે તે નક્કી છે. સાથોસાથ વિશ્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે તમામ મતદારોને એકરૂપ થવા હાકલ કરી હતી.

જંગી મતથી ભાજપને જીતાડશે તે નક્કીઃ વી.ડી ઝાલા
રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યા બાદ ભાજપના ઉમેદવાર વી.ડી ઝાલાએ જણાવ્યું હતું કે, હિંમતનગરની જનતા વિકાસને પ્રાધાન્ય આપશે અને આ વખતે ગત વર્ષોમાં બાકી રહી ગયેલા કામોને અગત્યતા આપી વિકાસની વાતને સ્વીકારી જંગી મતથી ભાજપને જીતાડશે તે નક્કી છે.

પ્રાંતિજ બેઠક પર બેચરસિંહ રાઠોડે ઉમેદવારી નોંધાવી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પ્રાંતિજ વિધાનસભાના કોંગ્રેસના બુધવારે મોડી સાંજે ઉમેદવાર બેચરસિંહ હરિસિંહ રાઠોડનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. ગુરુવારે સવારે બેચરસિંહ રૂપસિંહ રાઠોડ પોતાના ગામ સીતવાડાથી વાજતે ગાજતે રેલી સ્વરૂપે પ્રાંતિજમાં ભાખરિયા પાસેના મહાકાલી મંદિર ખાતે આવ્યા હતા. જ્યાં વાડીમાં જાહેર સભાને સંબોધન કર્યા બાદ મહાકાલી મંદિરથી ડી.જે.સાથે પ્રાંતિજ તલોદના કોંગ્રેસ કાર્યકરો, આગેવાનો, સમર્થકો સાથે રેલી સ્વરૂપે નિકળી પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ટેકેદારો સાથે પોતાનુ ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. તો પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...