સમીકરણો ગૂંચવાયા:સાબરકાંઠામાં ચારેય બેઠકો જીતવા ભાજપનો અન્ય પક્ષો પર દારોમદાર

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચારેય બેઠકો પર જ્ઞાતિ,કોમ, પાર્ટી કેડરના સમીકરણો ગૂંચવાયા

સાબરકાંઠા જિલ્લાને પછાત ગણતા રાજનાયીકોને જિલ્લાની પ્રજા અવારનવાર પછડાટ આપતી આવી છે જિલ્લાના ચોક્કસ જ્ઞાતિ સમૂહમાં કોંગ્રેસ હજુ કાચી પડી નથી વર્ષ 2017 માં ભાજપે ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકો જીતી હતી તેમાં ભાજપની પરંપરાગત એકમાત્ર ઇડર બેઠકને બાદ કરી દઈએ તો હિંમતનગર અને પ્રાંતિજ બેઠક પર પાતળી સરસાઈથી જીત મળી હતી. જ્યારે 2012માં ભાજપે હિંમતનગર પ્રાંતિજ અને ખેડબ્રહ્મા ત્રણેય બેઠક ગુમાવી હતી. આ વખતે કોંગ્રેસની પરંપરાગત ખેડબ્રહ્મા બેઠક જીતવા ભાજપે પક્ષાંતર કરાવી ચારેય બેઠકો અંકે કરવા કવાયત હાથ ધરી હતી.

પરંતુ ચૂંટણી ટાણે જ ઉમેદવારોની પસંદગી મામલે અસંતોષ અને ખટરાગ પેદા થતાં ભાજપ માટે નવા સંઘર્ષના મંડાણ થયા છે બીજી બાજુ કોંગ્રેસે ખેડબ્રહ્મા હિંમતનગર અને પ્રાંતિજ બેઠકો પર સ્થાનિક જ્ઞાતિ અને સામાજિક સમીકરણને નજર સમક્ષ રાખી ઉમેદવારોની પસંદગીમાં ચૂંટણીના પ્રથમ ચરણમાં મેદાન મારી લીધું છે અને નિરસ બની ગયેલ ચૂંટણીને જંગમાં પરિવર્તિત કરી દીધી છે.

જિલ્લાની ચારે બેઠક પર ભાજપને જીત મેળવવા ત્રીજુ પરિબળ એટલે કે આમ આદમી પાર્ટી અન્ય રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો જ તારણહાર બની શકે તેમ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખેડબ્રહ્મા વિજયનગર પોશીના પંથકમાં ઔદ્યોગિક વિકાસ ન હોવાથી રોજગારી, પર્વતીય ડુંગરાળ વિસ્તાર અનુસંધાન-પેજ-2-પર

હિંમતનગર: મુસ્લિમ દલિત પટેલ મતનો બંટવારો જ ભાજપનો તારણહાર
હિંમતનગર બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટી એ ઠાકોર ક્ષત્રિય ઉમેદવારનું ચયન કર્યું છે જ્યારે કોંગ્રેસે પાટીદારને તક આપી છે કુલ 2.80 લાખ મતદારો પૈકી ઠાકોર ક્ષત્રિય 32.34 ટકા, પટેલ અને લઘુમતી 15-15 ટકા તથા 10 ટકા દલિત મતદારો છે બેઠક પર સરેરાશ 70 ટકા મતદાન થાય છે અને ભાજપ કોંગ્રેસ વચ્ચે ત્રણ થી 6 ટકા જેટલો વોટ શેર નો તફાવત અત્યાર સુધી જોવા મળ્યો છે છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે 1200 થી અઢી હજાર મતની સરસાઈ રહી છે ત્રીપાંખીયો જંગ ન થાય તો પણ જીત માટે ઉમેદવારે 80,000 ની આજુબાજુ વોટ મેળવવા પડશે દલિત મુસ્લિમ પટેલ મતદારો નો હિસ્સો 40 ટકા જેટલો થવા જાય છે આવી સ્થિતિમાં દલિત મુસ્લિમ પાટીદાર મતદારોનું સંભવિત ધ્રુવીકરણ ભાજપ માટે ખતરાની ઘંટડી બની શકે છે ભાજપ માટે આ વખતે ચૂંટણીમાં જીતનું સમીકરણ ઓબીસી ઈતર નહીં પરંતુ આ ત્રણ સમાજના મતદારો નક્કી કરશે.

ઇડર: ચહેરા જૂનાને જાણીતા, વ્યક્તિગત છબી નિર્ણાયક બનશે
ઈડર બેઠક એસ.સી. અનામત બેઠક છે અને 1995 થી આ બેઠક ભાજપને મળતી આવી છે કુલ 2.86 લાખ મતદારો પૈકી 83,146 પાટીદાર મતદારો દર વખતે ભાજપના તારણહાર બને છે આ વખતના ભાજપના ઉમેદવાર છઠ્ઠી વખત ચૂંટણી લડી રહ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઈડર પંથકનો જાણીતો ચહેરો છે ત્રીજુ પરિબળ ભાજપને ફાયદો કરાવશે તેવું માનવામાં આવી રહ્યું છે જ્યારે ઇડર ગઢના અસ્તિત્વનો મુદ્દો પણ ઓબીસી ઈતર અને ઠાકોર ક્ષત્રિય સમાજમાં મહત્વનો બની રહે તેમ માનવામાં આવી રહ્યું છે ભાજપ કોંગ્રેસ બંનેના ચહેરા જૂના અને જાણીતા છે તેમની વ્યક્તિગત છબી નિર્ણાયક બની રહેનાર છે બાકી ઇડરમાં બાયપાસ રોડ, ઈડર ગઢનું અસ્તિત્વ બે સળગતી સમસ્યાઓ છે જેના નિરાકરણનો વિશ્વાસ સંપાદન કરી શકશે તેને આ વખતે ફાયદો થનાર હોવાનું માનવામાં આવી રહ્યું છે

ખેડબ્રહ્મા: સમૃદ્ધ કુદરતી સંપદા પરંતુ વિકાસ અનામત
સાબરકાલા જિલ્લાની આ આદિવાસી બહુલ બીજી અનામત બેઠક છે કુલ 2.82 લાખ મતદારો પૈકી 73.79 ટકા આદિવાસી મતદારો છે જેમાં પોશીના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકાનો સમાવેશ થાય છે ત્રણેય તાલુકાની ભૌગોલિક સામાજિક પરિસ્થિતિ અલગ અલગ છે સમગ્ર મતવિસ્તાર સમૃદ્ધ કુદરતી સંપદા ધરાવે છે પોશીના તાલુકામાં કેટલાક વિસ્તાર એવા છે જ્યાં હજુ સુધી કેબલ મોબાઈલ નેટવર્ક પણ પહોંચ્યું નથી સિંચાઈ, પીવાના પાણીની પણ ભૌગોલિક સ્થિતિને કારણે સમસ્યા છે ઔદ્યોગિક વિકાસ ન થવાને કારણે રોજગારીની સૌથી મોટી સમસ્યા છે ભાજપ કોંગ્રેસે મજબૂત ઉમેદવાર ઉતાર્યા છે બંને પાર્ટીમાં જૂથવાદ અને આંતરિક ખટરાગ છે વિકાસને ઝંખી રહેલ પરંપરાગત કોંગ્રેસની બેઠકના મતદારો આ વખતની ચૂંટણીમાં મન કળવા દેતા નથી ભાજપને આ બેઠક જીતવા પહેલા સંગઠન અને કેડર બેઝ કાર્યકરોનો વિશ્વાસ તથા સહકાર પ્રાપ્ત કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...