હાથીમતી નદીએ 2 કિશોરોનો ભોગ લીધો:હિંમતનગરમાં નહાવા પડેલા કિશોરો પાણીમાં ગરકાવ; મૃતદેહો મળી આવતા ગામમાં શોક છવાયો

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

હિંમતનગર તાલુકાના ડેમાઇ-પ્રતાપુરા વચ્ચે પસાર થતી હાથમતી નદીમાં સાંજના સુમારે વિરાવાડા ગામના 7 કિશોરો નહાવા પડયા હતા. ત્યારે અચાનક નદીના પાણીમાં બે કિશોર ડૂબવા લાગ્યા હતા. જે અંગેની જાણ હિંમતનગર ફાયર બ્રીગેડને કરતા ફાયર બ્રીગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીમાં ડુબેલા 2 કિશોરોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં મોડી સાંજે નદીમાં ડુબી ગયેલા 2 કિશોરનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમાર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

બુમાબુમ થતા આસપાસથી લોકો દોડી આવ્યા
આ અંગે હિંમતનગર ફાયર બ્રીગેડના ઇન્ચાજ ચીફ ફાયર ઓફિસર રાજેન્દ્રસિહ પરમારે જણાવ્યું હતું કે, હિંમતનગર તાલુકાના ડેમાઇ તથા પ્રતાપુરા વચ્ચે પસાર થતી હાથમતી નદીમાં પાણી વહેતુ હોવાથી શનિવારે સાંજે વિરાવાડા ગામના 7 કિશોરો નદીના પાણીમાં ન્હાવા પડયા હતા. તે દરમિયાન અચાનક 2 કિશોરો ડુબવા લાગ્યા હતા, જેથી બુમાબુમ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા.જે અંગે હિંમતનગર ફાયર બ્રીગેડને જાણ કરતા ફાયર બ્રીગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કિશોરોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં મોડી સાંજે પ્રથમ એક અને બાદમાં અન્ય એક કિશોર એમ બે કિશોરોના મૃતદેહો નદીમાંથી મળી આવ્યા હતા.

સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઇ
નદીના વહેણમાં ડુબી ગયેલા રાવળ વિશાલભાઇ રાજુભાઇ (ઉં.વ.16, રહે. વિરાવાડા) તથા વણઝારા રાહુલ કાન્તીજી (ઉં.વ.16, રહે.વિરાવાડા)ના મૃતદેહો પાણીમાંથી બહાર કાઢ્યા હતા. બન્ને મૃતક કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા બાદ પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અચાનક આ બનેલી ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...