સાબરકાંઠા જિલ્લાના ઈડર સ્થિત ટ્રેક્ટરના સબ ડિલરે એલ એન્ડ ટી કંપનીના ફિલ્ડ લેવલ સેલ્સ ઓફિસર સાથે મળીને ટ્રેક્ટર કૌભાંડ આચર્યાનું બહાર આવ્યા બાદ એલસીબીની તપાસને અંતે જુદા જુદા ડિલરો અને સંખ્યાબંધ લાભાર્થીઓના ડોક્યુમેન્ટસ લઈ 177 જેટલા ટ્રેક્ટરનું અંદાજે 8.20 કરોડનું કૌભાંડ બહાર આવવાના મામલામાં ત્રણ આરોપીઓની જામીન અરજી ઈડરના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે ફગાવી હતી.
એલ એન્ડ ટી કંપનીના ફિલ્ડ લેવલ સેલ્સ ઓફિસરે ગ્રાહકોના નામના દસ્તાવેજો તથા સીબીલ તથા લોન ભરવા સક્ષમ છે કે નહીં તેની ખરાઈ કરી લોન મંજુર કરાવ્યાનુ કૌભાંડ બહાર આવ્યા બાદ ઇડર પોલીસ સ્ટેશનમાં 177 ગ્રાહકો સાથે રૂપિયા 8,20,13,749 ની છેતરપિંડી કરવા અંતર્ગત ફરિયાદ નોંધાયા બાદ એલસીબીએ 85 ટ્રેક્ટર રિકવર કર્યા હતા જે પૈકી રાજદીપસિંહ કિશોરસિંહ પ્રતાપસિંહ ચૌહાણ (ઉવારસદ રોડ વાવોલ ગાંધીનગર) ગજેન્દ્રસિંહ ખેંગારસિંહ રાણા (રહે. દેવડીયા તા.લખતર જિ.સુરેન્દ્રનગર) અને મકસુદ અહેમદ અબ્દુલ સત્તાર ગુલામનબી મનસુરી (રહે. ધોળકા બાબુડીચોક ઘડિતવાડા તા.ધોળકા) એ ઇડરના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં જામીન અરજી કરી હતી.
તે પૈકી રાજદિપસિંહ ચૌહાણે જામીન અરજી ચલાવવા માગતા નથી જણાવી જામીન અરજી વિડ્રો કરી હતી જ્યારે બાકીના બંને આરોપી ઓએ રજૂઆત કરી હતી કે તા. 30-11-22 થી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને કહેવાતા ગુના વિશે કશું જાણતા નથી અને ઠગાઈ કરી નથી જેથી જામીનમુક્ત કરવામાં આવે.
પોલીસની તપાસમાં રાજદીપસિંહે અબ્દુલ મજીદ પાસેથી 54 ટ્રેક્ટર ખરીદયાનું બહાર આવ્યું હતું તે પૈકી ગજેન્દ્રસિંહને 8 મકસુદ મન્સૂરીને 6 દિપસિંહને 5 મહિપાલસિંહ ને 5 જયરાજસિંહ ને 3 ભગીરથસિંહને 10 મનહરસિંહને 8 રાજેન્દ્રસિંહ ને 1 રોહાતસિંહને 1 અરવિંદસિંહ ને 1 અમરદીપસિંહને 9 ટ્રેક્ટર વેચ્યા હતા તે પૈકી 36 ટ્રેક્ટર કિંમત રૂ. 17,50,000 ના કબજે કરાયા હતા. ગજેન્દ્રસિંહ ખેંગારસિંહ રાણા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેથી જામીનમુક્ત કરવા યોગ્ય જણાતું ન હોવાની પોલીસ દ્વારા દલીલ કરાઈ હતી. જેને પગલે ઈડરના બીજા એડિશનલ સેશન્સ જજ સવાઈસિંહ મોહનસિંહ રાજપુરોહિતે ગજેન્દ્રસિંહ ખેંગારસિંહ રાણા અને મકસુદ અહેમદ અબ્દુલસત્તાર ગુલામનબી મન્સૂરીની જામીન અરજી નામંજૂર કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.