ધર્મ બોધ:આયંબિલ એ જૈન ધર્મની મોનોપોલી છે: મુનિરાજ, હિંમતનગરમાં મહારાજ સાહેબના પ્રવચને લોકોએ લાભ લીધો

હિંમતનગરએક દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્રમણ ભગવાન મહાવીરે જેની સ્થાપના કરી છે એવા જૈન ધર્મની અંદર અનેક પ્રકારના તપ બતાવ્યા છે. જેમાં આયંબિલ તપ સર્વશ્રેષ્ઠ અને મહામંગલકારી છે. જીવનના ગમે તેવા કષ્ટો આપત્તિ, દુઃખો, સંકટો, ઉપાધિ, અશાંતિ, રોગો, મારી મરકીનો આ તપ ભાવપૂર્વક કરવાથી નાશ થાય છે. લાખો ખર્ચતા જે સારવાર ન થાય તે સારવાર માત્ર આયંબિલ તપથી થાય છે.

તપ તન (શરીર)ના સ્તરે રોગનો નાશ કરે. મનના સ્તરે વિકારો (ક્રોધ, માન, માયા, લોભ, જીવતિરસ્કાર, અહંકાર, ઈર્ષા, જૂથ, હિંસા)નો નાશ કરે છે અને જીવનના સ્તરે આપત્તિઓ સંકટો ઉપાધિઓને ખતમ કરે છે. આત્માના સ્તરે ભૂતકાળના પાપોનો નાશ કરે છે. વિશ્વની તમામ ભાષાની તમામ ડીક્શનરી (શબ્દકોશ)માં આયંબિલ શબ્દ શોધ્યો નહીં મળે ! એકમાત્ર જૈન ધર્મના આગમગ્રંથોમાં આ જોવા મળે છે. આયંબિલ એ જૈન ધર્મની મોનોપોલી છે.

આ જીવને સૌથી વધુ મમત્વ બે ચીજો પર છે પહેલા નંબરે શરીર બીજા નંબરે આહાર . આ તપમાં આ બંને ચીજોનું મમત્વ ખૂબ જ ઘટે છે અથવા નામરોષ થાય છે. આયંબિલ તપ એટલે જીભને સજા પેટને મજા. જીભ મનગમતું ભોજન કરીને પેટ બગાડે, મન બગાડે, રોગોને આમંત્રણ આપે, હોસ્પિટલોના ધક્કા ખવડાવે, જીવનભર દવાઓના ચક્કરમાં ફસાવે !

જગતમાં જેટલા પણ રોગો છે તે સ્વાદિષ્ટ ટેસ્ટી મસાલેદાર ભોજન કરીને લોકો જીભની મનમાની પૂરી કરે છે અને તેથી જ ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી, અસ્થમા, હાર્ટ અટેક વગેરે અનેક રોગોને જીવનમાં પ્રવેશ કરવાની બધી જ સગવડ મળી જાય છે તેથી જ હોટલો ઉભરાય છે.જેટલી ભીડ હોટલોમાં છે કદાચ તેનાથી મોટી ભીડ હોસ્પિટલોમાં છે જીભના ચટાકા ને લીધે ! ભોજન કરતી વખતે ખરેખર જીભ નહીં પેટનો વિચાર કરવાનો છે. પેટને સાદું, લુખ્ખું, સુકુ, ભોજન માફક આવે છે જલ્દી પચાવે છે.

આયંબિલ તપમાં શું ખવાય ,શું ન ખવાય દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, છાશ, પનીર, તળેલા ફરસાણ, મરચું, હળદર, ધાણાજીરૂ, બદામ, પિસ્તા, કાજુ, અખરોટ, કીસમીસ તમામ લીલા શાકભાજી તમામ ફ્રૂટ અને ડ્રાયફ્રુટ વગેરેનો સંપૂર્ણ ત્યાગ આ તપમાં હોય છે. બાફેલા કઠોળ, અનાજ વગેરે મસાલા વિના ખાઈ શકાય. દિવસમાં એક જ વાર બેસીને (લગભગ 11 થી 2 સુધી ) આ તપ ભાગ્યશાળીઓ કરે છે.

સવારે 10 થી સાંજે સૂર્યાસ્ત સુધીમાં ઉકાળેલું પાણી પી શકાય. બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, ડિપ્રેશન, (વિદ્યાર્થી, વેપારી, કર્મચારીઓને કોમન રોગ) વગેરે અનેક રોગોની અક્ષિર દવા છે આ તપ ! આયંબિલ તપ નો મુખ્ય અને મહત્વનું ફળ મોક્ષ છે. શરીરનું આરોગ્ય તો બાય પ્રોડક્ટ છે. જેમ ઘઉં ઉગાડો તો ઘાસ મળે જ. પૂજ્ય સાધ્વીજી હંસકીર્તિ શ્રીજી લગભગ 45 વર્ષથી આ તપ કરે છે. વર્ષમાં માત્ર 10 - 15 દિવસ પારણા. પ.પૂ. આચાર્ય શ્રી રાજતિલક સુરીજી એ લગભગ 40 વર્ષ સુધી આ તપ કર્યો. પ. પૂ. આચાર્યશ્રી હિમાંશુ સુરીજીએ 10,000 થી અધિક દિવસ આયંબિલ કર્યા. પ.પૂ. આચાર્યશ્રી હેમવલ્લભ સૂરીજી જેઓ છેલ્લા 25 - 27 વર્ષથી સતત અખંડ આ તપ કરી રહ્યા છે.શત શત વંદન તપસ્વીઓને !

અન્ય સમાચારો પણ છે...