હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં નવીન બની રહેલ પીએચસી અને ઇલોલ આઉટ પોસ્ટ વચ્ચેથી મહાકાળી મંદિર તરફ જતા 20 ફૂટના માર્ગને કોટ કરી દરવાજો મૂકી બંધ કરવા તજવીજ હાથ ધરાતા રોષે ભરાયેલ હિંદુ સમાજ દ્વારા ગંભીર આક્ષેપો સાથે રસ્તો બંધ કરવાની કામગીરી અટકાવાઇ હતી અને હિંદુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડવાની પ્રવૃત્તિ બંધ નહી થાય તો આંદોલન સહિતના ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ચીમકી ઉચ્ચારાઇ હતી.
સમગ્ર વિવાદની ટૂંકમાં વિગત એવી છે કે અગાઉ મહાકાળી મંદિર તરફ જવાના રસ્તા પર આસપાસના ખાણ માલિકોએ ખોદકામ કરી મંદિર જતા શ્રદ્ધાળુઓ માટે અંતરાય ઉભો કરવાનો પ્રયાસ કરતા જે તે સમયે કોંગ્રેસના સાંસદ મધુસૂદન મિસ્ત્રી સમક્ષ મહાકાળી મંદિરથી ઇલોલ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન થઇ હિંમતનગર ઇલોલ માર્ગને જોડતા રસ્તાને સીસી રોડ બનાવવા ગ્રાન્ટની માંગણી કરતા તેમણે ફાળવેલ ગ્રાન્ટમાંથી સીસીરોડનુ કામ કરાવ્યું હતું પરંતુ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન તરફના છેડાનુ કામ બાકી રહી ગયુ હતું જેના માટે પંચાયતમાં ઠરાવ પણ થયો હતો
દરમિયાનમાં ઇલોલ પીએસસીના બિલ્ડીંગનું કામ હાથ ધરાયું હતું અને તાજેતરમાં પીએચસી અને આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન વચ્ચે કમ્પાઉન્ડ વોલ ચણી નાખી દરવાજો મૂકી મહાકાળી મંદિર તરફ જતો માર્ગ બંધ કરી દેવાનો હિન પ્રયાસ થતા બુધવારે રોષે ભરાયેલ હિંદુ સમાજના ટોળા ઉમટ્યા હતા અને દરવાજાના પીલ્લરનું કામ અટકાવી આક્રોશ ઠાલવ્યો હતો કે ગામના લઘુમતિ સમાજના કેટલાક લોકો હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડી સૌહાર્દ લગાડવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે તંત્ર દ્વારા તાકીદે કમ્પાઉન્ડ વોલ દૂર કરી મંદિર તરફ જવાનો રસ્તો ખૂલ્લો નહી કરાવાય તો આંદોલન સહિતના ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવુ પડશેની ચીમકી ઉચ્ચારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.