સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના રામપુર વાસણા ગામે ખેતરમાં કામ કરતા એક મહિલા સહીત ત્રણ પર જંગલી સુવરે હુમલો કરતા ત્રણેયને સારવાર અર્થે ખસેડાયા હતા. બીજી તરફ બુધવારે વડાલી વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી તો ગત રાત્રે ઘટનાસ્થળ નજીક ખેતરમાં જંગલી સુવર જોવા મળ્યું હતું.
55 વર્ષીય આધેડને પેટના ભાગે 60 ટાકા આવ્યા
રામપુર વાસણા ગામની સિમમાં પોતાના એરંડાના ખેતરમાં 55 વર્ષીય કોદરજી માધાજી ઠાકોર કામ કરતા હતા. તે દરમિયાન જંગલી સુવરે હુમલો કરી પેટ પર ઈજાઓ કરી હતી. જેને લઈને સારવાર અર્થે ઇડરની ધરતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં તેમને પેટના ભાગે 60 ટાંકા આવ્યા હતા. ખેતરમાં પાણી વાળતા 46 વર્ષીય ધુળીબેન બાબુજી ઠાકોરને પગે ઈજાઓ થતા વડાલી ખાનગી દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં મહિલાના પગે 12 ટાંકા આવ્યા હતા. જંગલી સુવર હુમલો કરતા ખેતરના શેઢા પર ઉભા રહેલા 26 વર્ષીય શૈલેષભાઈ કચરાભાઈ ઠાકોર દોડ્યા હતા અને પડી જતા તેમના પર હુમલો કર્યો હતો. જેમને જમણી આંખ બહાર નીકળી ગઈ હતી અને માથાના ભાગે ઈજાઓ થઇ હતી. જેમને 108માં તાત્કાલિક સારવાર અર્થે ઇડરની લાઈફ લાઈન હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે હિમતનગર સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ ત્રણેય ઈજાગ્રસ્તો હાલ પર હોસ્પીટલમાં સારવાર હેઠળ દાખલ કરેલા છે.
જંગલી સુવર ખેતરમાં રાત્રે ફરી જોવા મળ્યું હતું
જંગલી સુવરે ત્રણ જણા પર હુમલો કર્યા અંગે વડાલી વન વિભાગને જાણ કરવામાં આવી હતી. રાત્રે ખેતરોમાં જંગલી સુવરનો ભારે અવાજ આવતો હતો. આ અંગે રામપુર વાસણા ગામના અને વડાલી ઠાકોર સેનાના પ્રમુખ કમલેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, ગામની સિમમાં ત્રણ જણા પર હુમલો કરતુ જંગલી સુવર ગઈકાલે બનેલી ઘટના નજીકના ખેતરમાં રાત્રે ફરી જોવા મળ્યું હતું. જેને મોબાઈલમાં કેદ કરાયું હતું જે ભારે અવાજ કરતુ હતું. જે અંગે વન વિભાગને વાકેફ કર્યા હતા.
વન વિભાગની ટીમે સુવરને પકડવા તપાસ હાથ ધરી
વડાલીના આરએફઓ તુષાર દેસાઈએ જણાવ્યું હતું કે, જંગલી સુવરનો ત્રણ જણા પર હુમલો થયા અંગે જાણ થયા બાદ ગુરુવારે સવારે વન વિભાગની ટીમ ગામમાં પહોચી હતી. ઘટના જોનારા ગ્રામજનોના જવાબ મેળવ્યા હતા. ઘટના બની હતી તે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તો આસપાસના વિસ્તારની અને સ્થળની પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી અને જંગલી સુવરે કેમ, ક્યારે અને શા માટે હુમલો કર્યો તેવા સવાલોના જવાબો મેળવા તે દિશામાં તપાસ હાથ ધરી છે. સુવર રાત્રે આવ્યું હતું તે વીડિયો પણ જોવા મળ્યો છે અને તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.