કાર્યવાહી:વિજયનગરના આંતરીમાં આરોપીને પકડવા ગયેલ પોલીસ પર લાકડીઓ- પથ્થરોથી હુમલો

હિંમતનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસકર્મચારીનો યુનિફોર્મ ફાડી નાખ્યો અને ગાડીને પણ નુકસાન કર્યું

વિજયનગરના આંતરીમાં દારૂના વોન્ટેડને પકડવા ગયેલ એલઆરડી જવાન અને અન્ય પોલીસકર્મીઓને ઘેરી લઈને લાકડીઓથી અને પથ્થરમારો કરી હુમલો કરતાં ખળભળાટ મચી ગયો છે. વિજયનગર પોલીસે 10 શખ્સોના નામજોગ અને 5 અજાણ્યા શખ્સો સહિત 15 વિરુદ્ધ રાયોટિંગ સહિતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આંતરીના રાહુલ મનજીભાઈ ભગોરા વિરુદ્ધ દારૂનો ગુનો દાખલ થયેલ હોય અને તેને પકડવાનો બાકી હોવાથી લોકરક્ષક વિજયભાઈ રામજીભાઈ અન્ય પોલીસ કર્મીઓ સાથે તા.08-09-22 ના રોજ સાંજે સાતેક વાગ્યાના સુમારે તેના ઘેર આંતરીમાં ગયા હતા પોલીસને જોઈને મનજીભાઈ ઉંદરાભાઈ ભગોરા,રવિભાઈ મનજીભાઈ ભગોરા, હરિભાઈ મનજીભાઈ ભગોરા, વોન્ટેડ રાહુલભાઈ મનજીભાઈ ભગોરા, સુજીત દલજી ભગોરા,સાગર દલજી ભગોરા, અંકિત દલજી ભગોરા, અજય ચકુભાઈ ભગોરા, રાજેશ ચકુભાઈ ભગોરા, ચકુ ઉંદરાભાઇ ભગોરા તથા અન્ય 5 અજાણ્યા શખ્સો આયોજનબદ્ધ રીતે લાકડીઓ અને પથ્થર લઈ દોડી આવ્યા હતા અને પોલીસ કર્મીઓને ઘેરી લઈ અપશબ્દો બોલી રીતસરનો હુમલો કરી દીધો હતો.

પથ્થરમારાને કારણે પોલીસની ગાડીના કાચ અને જાળી પણ તોડી નાખ્યા હતા અન્ય પોલીસ કર્મીનો યુનિફોર્મ પણ ફાડી નાખ્યો હતો તથા લોકરક્ષક વિજયભાઈ રામજીભાઈ ને પકડવા કેમ આવ્યો કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા લાકડીઓ તથા છૂટા પથ્થરો મારી ઇજાઓ કરી હતી.

વિજયનગર પોલીસે 10 શખ્સો વિરુદ્ધ નામજોગ અને પાંચ અજાણ્યા શખ્સો સહિત કુલ 15 જણાં વિરુદ્ધ સરકારી કામકાજમાં રુકાવટ રાયોટિંગ, જાનથી મારી નાખવાની ધમકી , આયોજનબદ્ધ રીતે હુમલો સહિતની કલમો લગાવી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...