કપાસની ખરીદી:કપાસના ભાવ પ્રતિ મણે ‌રૂં.3000ને પાર જતાં સહકારીજીનોએ ખરીદી બંધ કરી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર તાલુકાના વીરાવાડામાં આવેલ સાબર કોટનમાં કપાસના ઢગ ખડકાયા છે. - Divya Bhaskar
હિંમતનગર તાલુકાના વીરાવાડામાં આવેલ સાબર કોટનમાં કપાસના ઢગ ખડકાયા છે.
  • સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે કપાસનું વાવેતર સરેરાશ 25 થી 30 ટકા ઓછું થયું છે
  • 1 વર્ષમાં બમણાંથી વધુ ભાવ વધ્યા, હાલમાં માત્ર ખાનગી જીનર્સ કપાસની ખરીદી કરી રહ્યા છે

ચાલુ વર્ષે સાબરકાંઠામાં કપાસનું વાવેતર કરનાર ખેડૂતની આવક સાચા અર્થમાં બમણી થઇ છે. સિઝનમાં રૂ.2200 પ્રતિમણનો ભાવ મળ્યા બાદ અત્યારે કપાસના ભાવ રૂ.3000 ને પાર કરી ગયા છે ભાવ એટલા ઊંચા જતા રહ્યા છે કે સહકારીજીનોએ ખરીદી બંધ કરી દીધી છે. માત્ર ખાનગી જીનર્સ કપાસની ખરીદી કરી રહ્યા છે અને કપાસમાં ઊંચા ભાવની સ્થિતિ આગામી ત્રણેક વર્ષ સુધી જળવાઇ રહેવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.

સાબરકાંઠામાં ચાલુ વર્ષે કપાસનું વાવેતર સરેરાશ 25 થી 30 ટકા ઓછું થયુ છે અને ઉત્પાદન ઓછુ આવતા સિઝનમાં કપાસના ભાવ રૂ.2200 સુધી પહોંચ્યા હતા. ગત વર્ષે એ-ગ્રેડ કપાસના ભાવ 1400 ની આજુબાજુ અને બી ગ્રેડના ભાવ રૂ.1270 રહ્યા હતા પરંતુ ચાલુ વર્ષે કપાસની સિઝનમાં ભાવ એટલા ઊંચકાયા કે સહકારીજીનોનું ભંડોળ પણ ખૂટી ગયુ અને ખરીદી પણ પ્રથમ તબક્કાથી બંધ કરવી પડી છે.

સરકારે નક્કી કરેલ ભાવ કરતાં બમણાં ભાવે ખરીદી શરૂ થઇ હતી
આ અંગે હિંમતનગર સહકારીજીનના મેનેજર શૈલેષભાઇ પટેલે જણાવ્યું કે સરકારે નક્કી કરેલ રૂ.1200 ના ભાવ કરતાં લગભગ બમણા ભાવે ખરીદી શરૂ થઇ હતી. વધતી જતી માંગ અને ઓછી આવકને કારણે ઉચ્ચત્તમ ભાવ હોવાથી સહકારીજીનોને ખરીદી પોસાય તેમજ ન હોઇ બંધ કરવી પડી હતી.

મિલો 30- 45 દિવસ બંધ રાખવી પડે તેવી સ્થિતિ
કપાસની માંગ, ઉત્પાદન અને ઉપલબ્ધતા ત્રણેય બાબતો માટે આગામી ચાર મહિના નિર્ણાયક બની રહેનાર છે તામિલનાડુમાં અર્લી સોઇંગ થાય છે પરંતુ પ્રિ-મોન્સૂનને કારણે સમસ્યા આવી શકે છે. ત્યારબાદ પંજાબ, હરિયાણા, રાજસ્થાનથી આવક શરૂ થાય છે અને નવે-ડીસેમ્બરમાં સ્થાનિક આવક શરૂ થાય છે. મે મહિના સુધીમાં માંગની સામે એકંદરે 20 ટકાથી વધુની ઘટ છે જેને કારણે મિલો 30 થી 45 દિવસ એકાંતરે અથવા અન્ય કોઇ રીતે બંધ રાખવી પડે તેવી સ્થિતિ પેદા થઇ છે.

8.40 લાખ ગાંસડીનો કેરી ફોરવર્ડ સ્ટોક પણ ખાલી
કપાસની વૈશ્વિક ઘટ ઉભી થઇ છે જેને કારણે હાલનો શોર્ટ ફોલ આગામી નવેમ્બર - ડિસેમ્બરમાં પણ પૂરો થઇ શકે તેમ નથી 3 વર્ષનું સાયકલ ડિસ્ટર્બ થઇ ગયુ છે 8.40 લાખ ગાંસડીનો વર્લ્ડ કેરી ફોરવર્ડ સ્ટોક પણ ખતમ થઇ ગયો છે. એકંદરે દોઢ મહિનાનો માલ જ નથી બચ્યો. જેને કારણે ભાવ લગભગ બમણા થઇ જતાં ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ પણ વધી ગઇ છે.

આગામી ત્રણ વર્ષ સુધી સ્થિતિ જળવાઇ રહેવાની સંભાવના
કપાસના ભાવ અગામી ત્રણેક વર્ષ સુધી ઉચ્ચત્તમ સ્તરે જળવાઇ રહેશે જણાવી વિગત આપતાં સાબર કોટનના ભરતભાઇ પટેલે જણાવ્યુ કે અગાઉ 3.20 કરોડ ગાંસડીની જરૂરિયાત રહેતી હતી તે વધીને 3.50 કરોડ સુધી પહોંચી છે 15 મે સુધીમાં 2.70 કરોડ સુધી પહોંચી છે 75 લાખ ગાંસડીનો શોર્ટ ફોલ છે.

તેમાં 40 લાખ ગાંસડી એક્સપોર્ટ થઇ ગઇ છે. જેટલી જરૂરિયાત છે તેમાં 30 ટકા જેટલી ઘટ પ્રર્વતી રહી છે ગઇકાલે બાબરા, સાવરકુંડલા, અમરેલીથી એ ગ્રેડ 2956 અને બી ગ્રેડ 2475 ના ભાવે ખરીદી થઇ છે જેની પડતર 3000 ને પાર થઇ ગઇ છે. હાલ ભારતને ઇમ્પોર્ટ કરવાની સ્થિતિ પેદા થઇ ગઇ છે. માંગ અને ઉત્પાદન - જરૂરિયાતની સ્થિતિને સરભર થતા ત્રણેક વર્ષ જેટલો સમય નીકળી જવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...