મહાસંમેલનમાં ચૌધરી સમાજ ઉમટ્યો:તલોદમાં અર્બુદા સેના મહાસંમેલન અને બાઈક રેલી યોજાઇ; અર્બુદા સેના દ્વારા 20 અને 21 ઓક્ટોબરે જેલ ભરો આંદોલન અને ધરણાં કરાશે

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા

સાબરકાંઠા અર્બુદા સેના દ્વારા તલોદની વાવડી ચાર રસ્તા પાસે આજે બુધવારે અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીના સમર્થન અને ખોટી રીતે તેમની કરવામાં આવેલી ધરપકડના વિરોધમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તલોદના યુવાનો, આગેવાનો અને અર્બુદા સેનાના સૈનિકોએ બાઈક, ટ્રેક્ટર અને કાર દ્વારા રેલી કાઢી હતી. આ રેલી વેરાઈ માતાજીના મંદીર ખાતેથી નીકળી સભા સ્થળે પહોંચી હતી. જ્યાં સમાજના પ્રતિક પાઘડીને સન્માનપૂર્વક સંત, મહાત્મા અને સમાજના આગેવાનોએ વિપુલભાઈ ચૌધરીના પ્રતિક રૂપે સ્ટેજ પર શોભિત કરી હતી.

અર્બુદા સેનાના સૈનિકોએ બાઈક, ટ્રેક્ટર અને કાર દ્વારા રેલી કાઢી
તલોદના વાવડી ચોકડી પાસે આયોજિત આ સભામાં આગામી સમયમાં જો અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીની મુક્તિ જલ્દી કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમજ તેમની પર કરવામાં આવેલા ખોટા કેસો દ્દૂર કરવા અંગે સરકારને પડકાર ફેંકવામાં આવ્યો હતો.

20-21 ઓક્ટોબરે જેલ ભરો આંદોલન-ધરણાં કરાશે
11 ઓકટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન ચૌધરી સમાજના 1253 ગામોમાં ચૌધરી પંચાયત દ્વારા સમાજના અને પશુપાલકોના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી ઠરાવ સ્વરૂપે મુખ્યમંત્રીને લેખિતમાં પ્રશ્નો લખવામાં આવી રહ્યા છે. તેમજ જો જલ્દી વિપુલભાઈ ચૌધરીની મુક્તિ કરવામાં નહિ આવે તો 20 અને 21 ઓક્ટોબરે ઉગ્ર કાર્યક્રમ કરાશે. જેમાં 20 ઓક્ટોબરે ઉપવાસ અને ધરણાંનો કાર્યક્રમ મહેસાણા, પાટણ અને બનાસકાંઠા તથા 21 ઓકટોબરે અરવલ્લી, સાબરકાંઠા અને મહીસાગર સહિતના સહિતના જિલ્લા ખાતે અર્બુદા સેનાના કાર્યકરો દ્વારા જેલ ભરો આંદોલન તથા ધરણાં કરાશે. જ્યારે 30 ઓક્ટોબર ગાંધીનગરમાં ચૌધરી મહાપંચાયત યોજીને સમાજનું શક્તિ પ્રદર્શન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...