હાલાકી:લર્નિંગ લાયસન્સના ફોર્મમાં થયેલ ભૂલ ન સુધરતાં બબ્બેવાર પૈસા ભરવા અરજદારો મજબૂર બન્યા

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોર્મ અને ડોક્યુમેન્ટસની ચકાસણીમાં ક્ષતિ જોવા મળતાં ITIમાં ના પાડી દેવાય છે

મોટર વ્હીકલ લાયસન્સ માટે ઓનલાઇન ફોર્મ ભરી આઇટીઆઇમાં પરીક્ષા આપવા જતા અરજદારો નામ, જાતિ વગેરેમાં થયેલ ભૂલોને કારણે ભારે હાલાકીમાં મૂકાઇ રહ્યા છે અને એડિટનો ઓપ્શન જ ન હોવાથી અરજદારોને ફરીથી પૈસા ભરવાનો વારો આવતા આઇટીઆઇ કર્મચારીઓ સાથે નિયમિત અંતરાલે ઘર્ષણ થઇ રહ્યું છે. ત્યારે સોફ્ટવેરમાં બદલાવ કરી એડિટનો ઓપ્શન આપવો જરૂરી બની રહ્યો છે.

વાહનોના લર્નિંગ લાયસન્સ માટે આઇટીઆઇ કોલેજની નિમણૂંકો કરાઇ છે. લર્નિંગ લાયસન્સની ફોર્મ ભરી પ્રોસેસ કરીને અરજદારો આઇટીઆઇમાં પહોંચે છે. કોમ્પ્યુટરની પરીક્ષા આપવા ત્યારે ફોર્મ અને ડોક્યુમેન્ટસની ચકાસણી દરમિયાન જાતિ, નામ, સહી વગેરેમાં ક્ષતિ જોવા મળતા ના પાડી દેવાય છે અને આરટીઓ કચેરીમાં જવા જણાવાય છે. કારણ એપ્લીકેશન વાહન વ્યવહાર વિભાગની છે. પોર્ટલમાં બદલાવની માંગ ઉઠવા પામી છે.

બે અરજદારોએ ફિમેલ ના બદલે મેલ કરતાં ન સુધર્યું
વસીમાબેન નુરહુસેન મસી, આલીયા સલીમભાઇ મસી નામના બે અરજદારોએ ફોર્મ ભરતી વખતે ફિમેલ ના બદલે મેલ અને દિશાબેનના ફોર્મમાં સહીની ભૂલ નીકળતા આઇટીઆઇ દ્વારા ના પાડી દેવાઇ હતી આવી સ્થિતિમાં અરજદારોને 900 અને બીજી કેટેગરીમાં 1350 ફરીથી ભરવા પડે છે. દિશાબેને ફરીથી રૂ.900 ભર્યા હતા. દર મહિને આવા ત્રણથી ચાર કિસ્સા બને છે અને આઇટીઆઇ તથા આરટીઓ કચેરીને ઘર્ષણમાં ઉતરવુ પડે છે જેથી પોર્ટલમાં સત્વરે બદલાવ આવે તેવી માંગ ઉભી ગઇ છે.

સોફ્ટવેરમાં એડિટ ફંક્શન ન હોવાથી એક્સેસ કરી શકાતું નથી
આરટીઓ અધિકારી રોહિત પ્રજાપતિએ જણાવ્યું કે સોફ્ટવેરમાં એડિટ ફંક્શન ન હોવાથી એક્સેસ કરી શકાતું નથી. જ્યારે હિંમતનગર આઇટીઆઇ કોલેજના પ્રિન્સીપાલ આર.જી. પુરોહિતે જણાવ્યું કે અરજીકર્તાઓ બહારથી ફોર્મ ભરીને પ્રોસેસ કરીને આવે છે. અમે ફક્ત અપલોડ થયેલ ફોર્મ અને દસ્તાવેજોની ચકાસણી કરી શકીએ છીએ. એડિટની અમને સત્તા નથી અરજીકર્તાઓએ તકેદારી રાખવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...