પ્રવચન:ક્રોધ આગ છે, બળે છે, ભેદભાવ વિના બાળે છે

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં મુનિ જ્ઞાનોદય વિજયજી અને મુનિ પંચામૃત વિજયજીએ જણાવ્યું

ક્રોધ મનના વનમાં આગ લગાડે છે આ આગને વધતી રોકવામાં ન આવે તો આપણને જ નહીં બીજાને પણ બાળે છે. ક્રોધ શીખવવા કોઈ વિદ્યાશાળા નથી છતાં બધાને આવડે છે. નાનું બાળક પણ ક્રોધ કરવામાં હોશિયાર હોય છે, આશ્ચર્ય એ વાતનું છે કે ન શીખવા છતાં ક્રોધ કરતા આવડે છે, ને હજાર વાર શીખવવા છતાં ક્ષમા રાખતા આવડતી નથી.

ગુસ્સામાં સમજ્યા વિચાર્યા વિના બોલાયેલા શબ્દોના ગુલામ છીએ, નહીં બોલાયેલા શબ્દોના માલિક છીએ, લોકોની સહાનુભૂતિના પાત્ર પણ છીએ. યાદ રહે, લોકો ક્રોધીના પક્ષમાં હોતા નથી પરંતુ ક્ષમા રાખી મૌન ધારણ કરનારનો પક્ષ લે છે. આગ ક્યાં સુધી ભડભડ બળતી રહે ? તેમાં ક્રોધના લાકડા નાખો ત્યાં સુધી.

આજે ઘર ઘરમાં આગ લાગી છે. સહનશીલતા ઘટી છે વાતે વાતે માણસનો પિત્તો છટકે છે. દેરાણી જેઠાણી કે સાસુ વહુ તો લડે છે પણ પિતા-પુત્ર, ભાઈ-બહેન અને પતિ-પત્ની પણ પરસ્પર ખૂબ લડે છે. તેનું મુખ્ય કારણ ક્રોધની આગ છે. બીડી, સિગારેટ, તમાકુ કે ગુટકા ની જેમ ઘણાને ક્રોધની પણ આદત પડી જાય છે ઝઘડા વગરનો દિવસ એ મીઠા વગરના ભોજન જેવો ફીક્કો ફીક્કો લાગે.

ક્રોધે નંદનવન જેવા કેટલાયના જીવનને સ્મશાન જેવું બનાવ્યું છે. તેણે કેટલાય દુર્યોધનો, દુર્વાસાઓ અને હિટલરોને જન્મ આપીને વિશ્વને નરક બનાવ્યું છે. ક્રોધના સંસ્કારો જન્મો જનમના છે તેથી શીખ્યા વિના જ નાનો બાળક પણ ક્રોધ કરવામાં હોશિયાર છે. એટલે ક્રોધ તો રહેવાનો જ ! સવાલ ક્રોધનો નથી પણ માણસની નિયંત્રણ શક્તિ અને વિવેક બુદ્ધિનો છે.

આપણે સતત 24 કલાક ક્રોધ કરી શકતા નથી તેથી ક્રોધ એ આત્માનો મૂળ સ્વભાવ નથી જ્યારે 24 કલાક શાંત રહી શકીએ છીએ. ક્રોધ આપણી અંદર જ બેઠો છે તે આપણો ખરો શત્રુ છે. તેને ખતમ કરવા બહાર જવાની જરૂર જ નથી. એને મૂળથી દૂર કરીએ એટલે બધા જ શત્રુઓ પર આપણો વિજય નક્કી !

ક્રોધ તો ઘણીવાર આવે, પણ એ ટકે કેટલી વાર ? આપણો ગુસ્સો કેવો ? આકાશની વીજળી જેવો, દીવા જેવો, સગડી જેવો, કુંભારની ભઠ્ઠી જેવો કે કારખાનાની ભઠ્ઠી જેવો ? વીજળી ચમકીને તરત જ લુપ્ત થઈ જાય, દીવો અડધો કલાક સળગે, સગડીની ગરમી દિવા થી વધારે હોય તે ચાર છ કલાક તાપ આપે, સગડી કરતાં પણ વધારે તીવ્રતાપ કુંભારની ભઠ્ઠીમાં હોય દિવસોના દિવસો સુધી બળે, કારખાનાની ભઠ્ઠી આખું વર્ષ ભડભડ બળે, કુંભારની ભઠ્ઠી કરતાય તીવ્ર તાપાશે. કુંભારની ભઠ્ઠી ચોમાસામાં બુજાયેલી હોય, કારખાનામાં સતત 365 દિવસ સળગતી હોય.

આપણો ક્રોધ અગ્નિ કેવો ? આપણાથી જે નબળા હોય તેના પર. બળીયાને સલામ ભરીએ છીએ ને નબળા પર ગુસ્સો કરીએ છીએ. સિંહને બકરી પર ગુસ્સો ન શોભે તો આપણે શું જવાબ આપીએ, તો ગુસ્સો ક્યાં કરવો ? બળવાન પર. ખરેખર તો નબળા પર ગુસ્સો ન આવે તો ગુસ્સો બેઘર બની જાય કેમ કે શક્તિવાન પર તો આમેય ગુસ્સો થતો નથી. વ્યવહારમાં પણ મગજ ઠંડું હોય તો સફળ થવાય છે.

અન્ય સમાચારો પણ છે...