હિંમતનગરથી સોનાના બિસ્કીટ, ડાયમંડ, ઇમિટેશન જ્વેલરી, રોકડ લઈને એસટી બસમાં નીકળેલા આંગડિયા કર્મીના થેલાને પાછળથી પાંચથી છ ઇંચ જેટલો કટ મૂકી ₹ 6.93 લાખની મતાની ચોરી થયાની 20 જ મિનિટમાં આંગડિયાકર્મીને જાણ થઈ જતા ફરાર થઈ ગયા હતા. ગેંગને જીપીએસ ટ્રેકરની મદદથી ટ્રેક કરી પ્રાંતિજ અને તલોદ પોલીસને જાણ કરી ચારેક કલાકના સમયમાં જ તલોદ પોલીસે 6 શખ્સોને તલોદમાંથી ઝડપી પાડતા આંગડિયા પેઢીના માલિકે રાહતનો દમ લીધો હતો.
6/03/23ના રોજ હિંમતનગરની જયંતીભાઈ સોમાભાઈ આંગડિયા પેઢીમાં નોકરી કરતા દશરથભાઈ જમનાદાસ પટેલ સાંજે પાંચેક વાગ્યાના સુમારે 50 ગ્રામ સોનાનું બિસ્કીટ કિંમત રૂપિયા 2,75,000 ઇમીટેશન દાગીના તથા વિંટીમાં લગાડવાના નંગના પાર્સલ ચાર રૂ. 20,500 ડાયમંડના પાર્સલ નંગ ચાર રૂ. 3,70,000 અને 24,645 રોકડાનું એક પાર્સલ મળી કુલ રૂપિયા 6.93 લાખની મતા અમદાવાદ ખાતેની પેઢીમાં પહોંચાડવા હિંમતનગર બસસ્ટેન્ડથી મહોરથી અમદાવાદ જતી બસમાં બેઠા હતા અને દલપુર આવતા પગમાં મુકેલ થેલામાં સામાન ન હોવાનો અહેસાસ થતાં થેલો લઈ જોતા પાછળના ભાગે અડધા ફૂટ જેટલો કાપો મુકેલો જોવા મળતા કંડક્ટરને કહીને સલાલ નજીક ઉતરી ગયા હતા અને તેમના શેઠ મોહિતભાઈ પટેલને આ અંગે જાણ કરી હતી.
પાર્સલોની થેલી(કમરીયું)માં લગાડેલ જીપીએસ ટ્રેકરથી મોહિતભાઈએ ટ્રેકિંગ શરૂ કરી જીપીએસ લોકેશન મળતા પ્રાંતિજ પોલીસ અને તલોદ પોલીસને જાણ કરી હતી. તલોદ પીએસઆઇ ગૌતમભાઈએ વિગત આપતા જણાવ્યું કે જીપીએસ ટ્રેકરની મદદથી આ શખ્સો તલોદમાં હોવાનું લોકેશન મળ્યું હતું. જેમને બજારમાં શોધવા મુશ્કેલ થઈ રહ્યું હતું.
પરંતુ એક રિક્ષામાંથી તમામને ઝડપી પાડ્યા હતા. તેમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તમામ શખ્સો સલાલ ઉતરી ગયા હતા અને ત્યાંથી ઇકો ગાડી કરીને મજરા ગયા હતા અને મજરાથી તલોદ પહોંચી રિક્ષામાં બેઠા હતા અને તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા.
તેમણે ઉમેર્યું કે આ શખ્સો મુસાફરી દરમિયાન આવી પ્રવૃત્તિ કરતા હોવાનું કબૂલ્યું હતું તલોદ પોલીસે અજીત દલપત દેવીપૂજક, કીર્તિ લીલા દેવીપૂજક, ઈસુ ધમા દેવીપૂજક, નવીન નગીન દેવીપૂજક, મુકેશ ચતુર દેવીપૂજક અને હંસા વિનોદ દંતાણી (રહે. માત્રોટા તા.સમી જિ.પાટણ)ની અટકાયત કરી મુદ્દામાલ કબ્જે લઈ પ્રાંતિજ પોલીસને સુપ્રત કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.