ઇડર વલાસણા રોડ પર ગુરુવારે સાંજે રોડની સાઈડમાં બંધ પડેલ ટ્રકને પાછળથી આવી રહેલ ટ્રકના ચાલકે ટક્કર મારતા બંધ પડેલ ટ્રકના ટાયર નીચે આવી જતાં 69 વર્ષીય વૃદ્ધનું મોત નિપજયું હતું. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઉદયપુરના ખેરવાડા તાલુકાના જવાસ ગામના મહંમદ જાવેદ સત્તાર ખાન મકરાણી તેમના પિતા સાથે તા. 05-01-23 ના રોજ ટ્રક નંબર જીજે-09-એવી-9849 લઈને રેતી ભરવા વલાસણા જઈ રહ્યા હતા. તે દરમિયાન ઉમેદગઢ ગામની સીમમાં ટ્રક બંધ પડી જતાં કારીગર બોલાવી રિપેરિંગ કરાવી રહ્યા હતા.
તે દરમિયાન સાંજે સાડા સાતેક વાગ્યાના સુમારે સાબરમતી ગેસ એજન્સીના ટ્રક નંબર જીજે-21-વાય-9600 ના ચાલકે પાછળથી ટક્કર મારતાં બંધ પડેલ ટ્રક આગળ સરકી હતી અને સત્તારખાન મકરાણી ટાયર નીચે દબાઈ ગયા હતા. અકસ્માતને પગલે ટોળું ભેગું થઈ ગયું હતું અને ઇજાગ્રસ્ત સત્તારખાનને 108 માં ઇડર સિવિલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા મહંમદ જાવેદ મકરાણીની ફરિયાદ ને આધારે ઇડર પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.