ભ્રષ્ટાચાર:સાબરડેરીના 400 કરોડના બે પ્રોજેક્ટમાં NDDBની બાદબાકી કરી 25-50 કરોડની ખાયકી કર્યાનો આક્ષેપ

હિંમતનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠા જિલ્લા દૂધ મંડળી એસોસિએશના પ્રમુખ મહેન્દ્ર પટેલના સીધા આક્ષેપથી ખળભળાટ
  • ડેરી ઉદ્યોગના તમામ પ્રોજેક્ટની કન્સલ્ટન્સી એનડીડીબી દ્વારા થાય છે અને ટેકનિકલ સહાય પૂરી પડાય છે માત્ર 3 ટકા ચાર્જમાં

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન સાબરડેરીના રોહતાંગ અને હિંમતનગરમાં રૂ.400 કરોડના બે પ્રોજેક્ટમાં પ્રથમ વખત એનડીડીબીની કન્સલ્ટન્સીની બાદબાકી કરી મોટી ખાયકી કરવાનો માર્ગ મોકળો કરવા પેરવી થઇ રહ્યાનો સીધો આક્ષેપ સાબરકાંઠા જિલ્લા દૂધ મંડળી એસો.ના પ્રમુખ મહેન્દ્ર પટેલ દ્વારા કરતાં ખળભળાટ મચી ગયો છે અને 25 થી 50 કરોડના ભ્રષ્ટાચારની પેરવી થઈ રહ્યાના આક્ષેપને દબાવી દેવા ધમપછાડા પણ શરૂ ગઇ ગયા છે.

રોહતાંગ પ્લાન્ટનું એકસ્પાન્શન કરવા તાજેતરમાં રૂ.250 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું હતું. ઉપરાંત હિંમતનગરમાં સાબરડેરી નજીક આવેલ કેટલ ફીડ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ રૂ.150 કરોડમાં કરવા તજવીજ હાથ ધરાઇ છે. સામાન્ય રીતે ડેરી પ્રોજેક્ટની કન્સલ્ટન્સી એનડીડીબી માત્ર 3 ટકા ચાર્જ લઇ કરે છે અને એનડીડીબી દ્વારા ટેકનિકલ સ્ટાફ, એક્સપર્ટ કોન્ટ્રાક્ટીંગ લઘુત્તમ ખર્ચ વગેરે સહાય પૂરી પડાય છે.

જ્યારે ડેરી દ્વારા હાથ ધરાયેલ બંને પ્રોજેક્ટમાં એનડીડીબીની બાદબાકી કરાઇ છે. જેને પગલે સાબરડેરી નોન ટેકનિકલ સ્ટાફથી જાતે કામ કરવા જવા પાછળ ભ્રષ્ટાચારના આક્ષેપ શરૂ થયા છે. દૂધ મંડળી એસો. દ્વારા ગંભીર આક્ષેપ કરાઇ રહ્યો છે કે કરોડોના ભ્રષ્ટાચારના માર્ગને મોકળો કરવા પ્રવિણ પટેલ નામના ‘એક્સપર્ટ ’ને ડેરી સંચાલકો દ્વારા લવાયો છે.

ડેરીની પ્રોજેક્ટ કોસ્ટ વધતાં ભાવફેરની આવકમાં ઘટાડો
ડેરીમાં 8 - 10 વર્ષથી દૈનિક સરેરાશ 25 લાખ લિટર દૂધ સંપાદન થાય છે. 8 વર્ષ અગાઉ દૂધ ઉત્પાદકોને 11 થી 12 ટકા ભાવફેર નફો વહેંચાતો હતો નવા પ્લાન્ટ પ્રોજેક્ટ પાછળ થયેલા ખર્ચાને કારણે સંસ્થાનો સરેરાશ નફો ઘટતાં દૂધ ઉત્પાદકોને મળતા નફાનુ ધોરણ 12 ટકાથી ઘટીને 6 થી 9 ટકા સુધી આવી ગયુ છે સંસ્થાનો વિકાસ થયો પરંતુ દૂધ ઉત્પાદકોના નફાને એરણે ચઢાવીને.

તમામ કામગીરી NDDBના માર્ગદર્શન હેઠળ થાય છે
સાબરડેરીના ચેરમેન શામળભાઇ પટેલે જણાવ્યું કે એનડીડીબીના અભિપ્રાય વગર કોઈ કામગીરી થતી નથી. બોર્ડમાં ઠરાવ કરાય છે અને એનડીડીબીની કન્સલ્ટિંગ ટીમના અભિપ્રાય મેળવીને જ ટેન્ડરીંગ માટે ડેરી આગળ વધે છે.એનડીડીબી નો પ્રતિનિધિ હાજર હોય છે નાના પ્રોજેક્ટ ડેરી કરે છે બોર્ડમાં નિર્ણય લેવાયા બાદ ટેન્ડરીંગ પણ એનડીડીબીના માર્ગદર્શન હેઠળ થાય છે.

આ છે સમગ્ર વિવાદ
હિંમતનગર સ્થિત કેટલફીડની હાલ 1300 ટન પ્રતિદિનની ક્ષમતા છે તેમાં વધારો કરી 1800 ટન પ્રતિદિન કરવા રૂ.150 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે અગાઉ 800 ટન પ્રતિદિનની ક્ષમતા વાળો પ્લાન્ટ એનડીડીબીની સંલગ્ન સંસ્થાના ટેકનિકલ સપોર્ટથી બનાવાયો હતો તે જ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ હવે 150 કરોડમાં થનાર છે.

25 થી 50 કરોડની ખાયકીની પેરવી થઇ રહી છે
સાબરકાંઠા જિલ્લા દૂધ મંડળી એસો.ના પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલે સીધો આક્ષેપ કરતાં જણાવ્યુ કે એનડીડીબી ની કન્સલ્ટન્સીની બાદબાકી કરવા પાછળ ખાયકી કરવાનો જ મનસૂબો છે 25 થી 50 કરોડ ઓળવી જવા સાબરડેરીએ જાતે પ્રોજેક્ટ હાથ ઉપર લીધો છે જેમાં તેમની પાસે એનડીડીબી જેવા નિષ્ણાંતો કે ટેકનિકલ સપોર્ટ નથી. આમાં ડેરીના સંચાલકોનો કોઇ દોષ નથી. પૈસા લઇને વોટ આપનારે તેમને આ હક આપ્યો છે. આગામી સપ્તાહમાં કરોડોની ખાયકી કરવાની પેરવી અટકાવવા સરકારમાં લેખિત રજૂઆત કરનાર છું. સંભવિત કૌભાંડને છુપાવવા રૂ.10 નો ફેટના ભાવમાં વધારો કરી પશુપાલકોને મૂર્ખ બનાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...