માલિકોમાં દોડધામ:વડાલીની 4 જિનિંગ મિલમાં ખેતીવાડી વિભાગની તપાસ, હજારો કિલો કપાસનું બિયારણ શંકાસ્પદ

હિંમતનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
હસમુખભાઈ મગનભાઈ પટેલની આનંદ જીનમાં ખેતીવાડી વિભાગના ગુણવત્તા નિયંત્રણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. - Divya Bhaskar
હસમુખભાઈ મગનભાઈ પટેલની આનંદ જીનમાં ખેતીવાડી વિભાગના ગુણવત્તા નિયંત્રણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી.
  • હર્બીસાઇડ ટોલરન્સ મામલે સાબરકાંઠા અને ગાંધીનગરની ક્વોલિટી કંટ્રોલ વિભાગનો સપાટો
  • મોડી રાત સુધી સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલી, કેટલો જથ્થો સ્ટોપસેલ કરાયો છે તેની સ્પષ્ટતા કરાઇ નથી

વડાલીની આસપાસ ધમધમતી કોટન સીડસ પ્રોસેસીંગની ફેક્ટરીઓ કપાસીયામાં પ્રતિબંધિત હર્બીસાઇડ જીન દાખલ કરવાની હબ બની ગઇ છે. ગાંધીનગર અને સાબરકાંઠાની ક્વોલિટી કંટ્રોલની ટીમોએ સોમવારે ચાર જીનીંગ ફેક્ટરીઓમાં સપાટો બોલાવી તપાસ હાથ ધરતાં ખળભળાટ મચી ગયો છે અને હજારો કિલો બિયારણ શંકાસ્પદના દાયરામાં આવી જતાં કરોડોના નુકસાનની ભિતીમાં તપાસનુ ફીંડલુ વાળી દેવા દોડધામ મચી છે. વિભાગની ટીમોએ મોડી રાતે સુધી સેમ્પલ લઇ હર્બીસાઇડ ટોલરન્સના પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે. જોકે, કેટલો જથ્થો સ્ટોપસેલ કરાયો છે તેની વિભાગ દ્વારા સ્પષ્ટતા કરાઇ ન હતી.

કપાસીયામાં પ્રતિબંધિત જીન દાખલ કરીને પર્યાવરણ અને તેલ સ્વરૂપે માનવ જાતને સીધુ નુકસાન કરાઇ રહ્યુ છે. જીનીંગ યુનિટ ચલાવનારને આ બાબતની જાણ હોવા છતાં અનૈતિક પ્રવૃત્તિ આચરાઇ રહી છે. માન્યતા પ્રાપ્ત ધારા ધોરણવાળા બિયારણ અને હર્બી સાઇડ ટોલરન્સના પરીક્ષણ માટે ખેતીવાડી વિભાગના ક્વોલીટી કંટ્રોલ વિભાગ દ્વારા નિયમિત અંતરાલે તપાસ હાથ ધરાય છે અને શંકાસ્પદ જણાતા કિસ્સામાં જ સેમ્પલ લઇને પરીક્ષણ કરાવાય છે.

બિયારણ બનાવતી જીનીંગ યુનીટો જોબવર્ક કરાવતી હોય છે ખેતરમાંથી આવતા કપાસ રૂ નુ જીનીંગ કરીને કપાસીયાનુ ડિલીન્ટીંગ કરાય છે અને ત્યારબાદ સીડ ટ્રીટમેન્ટ આપી હર્બી સાઇડ ટોલરન્સ ઘૂસાડી બિયારણ બજારમાં મૂકાય છે. જે પ્રતિબંધિત છે.

ખેતીવાડી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સોમવારે ગાંધીનગર અને સાબરકાંઠાની સંયુક્ત ટીમોએ એવરેસ્ટ જીન-મણીભાઈ જોઈતાભાઈ પટેલ અને ભાગીદારો, આનંદ જીન-હસમુખભાઈ મગનભાઈ પટેલ અને ભાગીદારો, યોગેશ્વર જીન-બેચરભાઈ પટેલ અને વિનુભાઈ પટેલ (વડાલી કંપા) ના યુનિટોમાંથી સેમ્પલ લેવાયા છે તમામ પેકીંગ વાળા સેમ્પલ છે ચારેય યુનિટમાંથી કરોડો રૂપિયાનો હજારો કિલો કપાસીયા બિયારણનો જથ્થો સ્ટોપ સેલ કરવા તજવીજ હાથ ધરાઇ છે.

પેકિંગ ન થાય ત્યાં સુધી બિયારણ ગણાતું નથી
રૂ નુ જીનીંગ કરી કપાસીયાનુ ડીલીન્ટીંગ કર્યા બાદ તેને સીડ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ટ્રીટમેન્ટ કરેલ કપાસીયાનું જ્યાં સુધી પેકીંગ ન થાય ત્યાં સુધી બિયારણની વ્યાખ્યામાં આવતુ નથી જેનો ફાયદો ઉઠાવી જીનીંગ યુનીટ મોટા ભાગે આવા જથ્થાને ઢગલા સ્વરૂપે રાખતા હોય છે.

15 દિવસ અગાઉ ઇન્દોરમાં વડાલીના મેસર્સ પાટીદાર સીડ્સ યુનિટ પર કેસ દાખલ થયો છે
વડાલી બીટી કપાસમાં ગેરકાયદે જીનીંગનું હબ બની ગયુ છે પંદરેક દિવસ અગાઉ ઇન્દોરમાં કૃષિ વિભાગે વડાલીના મેસર્સ પાટીદાર સીડસ કોર્પોરેશનના અવૈદ્ય કપાસ બીજ ના પેકેટ મળવાને મામલે રાવજી બજાર થાનામાં ફરિયાદ પણ દાખલ થઇ છે.

મોડી રાત સુધી સ્પષ્ટતા ન થતાં કાર્યવાહી એરણે
ગાંધીનગર અને સાબરકાંઠાની સંયુક્ત ટીમોએ વડાલી પંથકના ચાર જીનીંગ યુનિટમાં તપાસ હાથ ધરી મોડી રાત સુધી કોઇ સ્પષ્ટતા ન કરતા અને રાજકીય અગ્રણીઓ દોડી આવવાને કારણે સમગ્ર કાર્યવાહી એરણે ચઢી છે.

ખેતીવાડી અધિકારી કલ્પેશ દેસાઇએ જણાવ્યું કે અલગ અલગ લોટમાંથી સેમ્પલ લેવાઇ રહ્યા છે અને પ્રક્રિયા ચાલુ હોઇ હાલમાં સ્પષ્ટતા થઇ શકે તેમ નથી. સેમ્પલીંગ-રોજકામ વગેરેની કામગીરી મોડી રાત સુધી ચાલી શકે છે.

અન્ય સમાચારો પણ છે...