હોબાળો:હિંમતનગર RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થતાં અરજદારે હોબાળો મચાવ્યો

હિંમતનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેસ્ટ બાદ ફેલ થતાં ટ્રેકની અવ્યવસ્થા, બેદરકારીના આક્ષેપો કરાયાં
  • ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન સૂચનાઓ ​​​​​​​સંભળાતી ન હોવાની ફરિયાદ કરવા દંપતી જતાં પોલીસ ફરિયાદ કરવાની અધિકારીએ ધમકી આપી

હિંમતનગર આરટીઓ કચેરીમાં વાહનોના ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવતા અરજદારો પૈકી બે અરજદારો શુક્રવારે ટેસ્ટ આપ્યા બાદ ફેલ થતાં ટ્રેક પરની અવ્યવસ્થા, બેદરકારીના આક્ષેપો સાથે બળાપો ઠાલવી હોબાળો કર્યા બાદ આરટીઓ અધિકારીને રજૂઆત કરતાં ફૂટેજની ચકાસણી બાદ ટેસ્ટ બરાબર જણાતાં મામલો થાળે પડ્યો હતો. એક અરજદારે ટ્રેક પરના અધિકારીને રજૂઆત કરતાં અરજદાર અને તેની પત્ની પર પોલીસ કાર્યવાહી કરવાની ધમકીઓ અપાયાનો પણ આક્ષેપ થયો હતો.

હાલ અમદાવાદમાં રહેતા અને ભિલોડાના વતની તથા સાબરકાંઠાનું વાહન લાયસન્સ ધરાવતા હર્ષદકુમાર સી. રાવલે શુક્રવારે હિંમતનગરની આરટીઓ કચેરીના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ આપ્યો હતો. અગાઉ બે વખત લાયસન્સના ટેસ્ટમાં ફેલ થતા ત્રીજી વખત આજે વાહન લઈને ટ્રેક પર ટેસ્ટ આપવા ગયા હતા. જે ટ્રેક પર તેમના કહ્યા મુજબ તેમણે ડ્રાઈવીંગ કરીને પોતાનો ટેસ્ટ બરોબર આપવા છતાં ફેલ કરાયા હતા. હર્ષદ રાવલે જણાવ્યું કે ટેસ્ટ દરમ્યાન ટ્રેક પર હાજર આરટીઓ. ઈન્સ્પેક્ટર દ્વારા અપાતી કોઈ સૂચનાઓ ન સંભળાતાં ફરીને ટ્રેક પર વાહન લઈને પરત આવી ગયા બાદ ફેલ કરાયા હતા.

આ અંગે ટેસ્ટ આપનાર અરજદાર અને તેમના પત્ની વૈશાલીબેને ટ્રેક પરના અધિકારી સમક્ષ રજૂઆત કરવા જતા તેમની સામે પોલીસ કાર્યવાહી કરવાની ટ્રેક પરના અધિકારીએ ધમકી આપતા મામલો ગરમાયો હતો. વૈશાલીબેને ગંભીર આક્ષેપ કર્યો કે અગાઉ જ્યારે બીજી વખતના ડ્રાઇવીંગ ટેસ્ટમાં ફેલ થયા હતા ત્યારે કોઈ એજન્ટ આવ્યો હતો અને સાડા ત્રણથી ચાર હજારના ખર્ચમાં પાસ કરાવી આપવાનું કીધું હતું પરંતુ અમે ઇનકાર કર્યો હતો.

ટેસ્ટ આપનાર અન્ય એક અરજદાર હિરેન પટેલે જણાવ્યું કે ટ્રેક પર સાઈનબોર્ડ નથી પાટા આછા થઈ ગયા છે માઈકમાં સૂચનાઓ બરાબર સંભળાતી નથી જેને કારણે અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા દરમિયાન ફેલ થાય છે.

ટેકનિકલ ક્ષતિને કારણે આવું થઇ શકે:RTO
આરટીઓ અધિકારી રોહિતભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે વૈશાલીબેન અને હર્ષદભાઈ રજૂઆત કરવા આવ્યા હતા તેમના ટેસ્ટ ટ્રેક પરના ફૂટેજ જોઈ યોગ્ય નિર્ણય લેવાયો છે. અમુક સમયે ટેકનિકલ ક્ષતિને કારણે આવું થઈ શકે છે રજૂઆત બાદ ક્ષતિ સુધારી લેવાઈ છે તેમને હવે કોઈ અસંતોષ નથી.

અન્ય સમાચારો પણ છે...